નાવરિયા ગીત : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આસામના બરપેટા પ્રદેશમાં નાવમાં યાત્રા કરવા જતી વખતે જે ગીતો ગવાય છે તે નાવરિયા ગીતો કહેવાય છે. ‘નાવ’ પરથી ‘નાવરિયા’ શબ્દ આવ્યો છે. બંગાળીનાં ભાટિયાલી ગીતોના જેવો જ આ ગીતપ્રકાર છે. એ ગીતોનો વિષય છે નાવડું લઈને દૂરદૂર જનારો સોદાગર અને એના ઘરમાં એના પાછા ફરવાની રાહ જોતી એની પત્ની, પત્નીની વિરહવ્યથા, આપ્તજનોને છોડીને જવાની મનોવ્યથા વગેરે. આ ગીતો મોટેભાગે કરુણ રસનાં હોય છે. આ ગીતોના બીજા એક પ્રકારમાં ગોધૂલિનો સમય થયો હોવાથી, રાધા શ્રીકૃષ્ણને જમના પાર કરાવવાની વિનંતી કરતી હોય છે. એ દૃષ્ટિએ એમાં શૃંગારની એક આલેખનરીતિ છે. આસામ નદીઓનો દેશ હોવાને કારણે અને મધ્યકાલીન યુગમાં જળમાર્ગ જ સુલભ હોવાથી આ ગીતપ્રકાર લોકપ્રિય બન્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા