નારાયણન વી. (ડૉ.)  (જ. 14 મે, 1964, મેલાકટ્ટુવેલાઈ, કન્યાકુમારી, તમિળનાડુ): રૉકેટ વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના નવા અધ્યક્ષ. 14 જાન્યુઆરી, 2024ના રોજ એસ. સોમનાથને સ્થાને ISROના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો અને સાથે સાથે ભારત સરકારના અંતરિક્ષ વિભાગના સચિવ પણ બન્યા. તેમનો કાર્યકાળ બે વર્ષ રહેશે. અગાઉ તેઓ વલિયામાલા સ્થિત લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટર(LPSC)ના નિર્દેશક હતા. તેમની પાસે 40 વર્ષનો બહોળો અનુભવ છે. તેઓ રૉકેટ અને અંતરિક્ષજહાજ કામગીરીમાં નિષ્ણાત છે.

પિતા નાળિયેરના વેપારી સી. વન્નિયા પેરુમલ અને માતા એસ. થંગમ્માલ ગૃહિણી. છ સંતાનોમાંથી વી. નારાયણન સૌથી મોટા. નાગરકોઇલમાં વડાસેરી બજારમાં બાળપણમાં અભ્યાસ સાથે પિતાની નાળિયેરની દુકાનમાં મદદરૂપ થયા. કીઝા કટ્ટુવિલાઈમાં 1969થી 1974 સુધી સરકારી પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણ સુધી માતૃભાષા તમિળમાં અભ્યાસ કર્યો. પછી 1974થી 1979 સુધી ઝિયોનપુરમમાં એલએમએસ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો. તેઓ નવમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યાં સુધી તેમના ઘરમાં વીજળીની સુવિધા નહોતી. તેઓ અને તેમનાં ભાઇબહેનો કેરોસીનના ફાનસનો ઉપયોગ કરીને અભ્યાસ કરતાં. બાળપણમાં 1969માં તેમના શિક્ષકોએ નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્ર પર ઉતરાણ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગ નારાયણનના મનમાં અંકિત થઈ ગયો હતો અને તેમનું અંતરિક્ષક્ષેત્ર પ્રત્યેનું આકર્ષણ વધ્યું હતું.

1982માં નાગરકોઇલમાં સરકારી પૉલિટૅક્નિક કૉલેજમાં તેમણે પ્રથમ ક્રમ સાથે ડિપ્લોમા ઇન મિકૅનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બેચલર ડિગ્રીમાં પ્રવેશ મેળવવાને બદલે દોઢ વર્ષ તેમણે ટીઆઈ સાઇકલ, ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ અને એમઆરએફ જેવી કંપનીઓમાં કામ કર્યું. ત્યારબાદ તેઓ મિકૅનિકલ એન્જિનિયરિંગમાં એએમઆઇઈ કોર્સમાં જોડાયા. તેમણે 1989માં આઇઆઇટી ખડગપુરમાંથી ટોચનું સ્થાન મેળવીને ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં એમ.ટૅક.ની ડિગ્રી મેળવી. પછી 2001માં આઇઆઇટી ખડગપુરમાંથી જ ઍરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચ.ડી પૂર્ણ કર્યું.

વી. નારાયણન 1984માં ISROમાં જોડાયા હતા. શરૂઆતમાં સાડા ચાર વર્ષ તેમણે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર(VSSC)માં કામ કર્યું. અહીં તેમણે સાઉન્ડિંગ રૉકેટ, ઑગમેન્ટેડ સેટેલાઇટ લૉંચ વ્હિકલ (ASLV), પોલર સેટેલાઇટ લૉંચ વ્હિકલ (PSLV) પર કામ કર્યું. 1989માં આઇઆઇટી ખડગપુરમાં ક્રાયોજેનિક એન્જિનિયરિંગમાં એમ. ટૅક. કર્યું. ફરી LPSCમાં કામ શરૂ કર્યું. તેમના નેતૃત્વમાં LPSCએ ISROનાં અલગ અલગ અભિયાનો માટે 183 LPS અને કન્ટ્રોલ પાવર આપ્યાં. તેઓ જિયોસીક્રોનસ સેટેલાઇટ લૉંચ વ્હિકલ (GSLC) MK IIIના  C25 ક્રાયોજેનિક પ્રોજેક્ટના નિર્દેશક હતા. નારાયણનની દેખરેખમાં PSLVના બીજા અને ચોથા તબક્કાએ આકાર લીધો અને PSLV C57 માટે કન્ટ્રોલ પાવર પ્લાન્ટ પણ તૈયાર થયો. તેમણે આદિત્ય અંતરિક્ષજહાજ, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 માટે પ્રપલ્શન સિસ્ટમમાં પણ પ્રદાન કર્યું. વર્ષ 2018માં તેમની LPSCનાં ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી.

તેમણે ભારતમાં અંતરિક્ષક્ષેત્રમાં વળાંકરૂપ સમયગાળામાં ISROનું અધ્યક્ષપદ સંભાળ્યું છે. ભારત સરકારે અંતરિક્ષ વિઝન 2047 બનાવ્યું છે. આ વિઝન અંતર્ગત ગગનયાન કાર્યક્રમ અંતર્ગત સમાનવ અંતરિક્ષજહાજ મોકલવાની યોજના છે. ચંદ્રાયાન-4ની તૈયારી ચાલી રહી છે, ભારતનું પોતાનું અંતરિક્ષમથક, ભારતીય અંતરિક્ષસ્ટેશનનો વિકાસ થઈ રહ્યો છે. વળી વર્ષ 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીયોને ઉતારવા જેવી મહત્ત્વાકાંક્ષી યોજના બનાવવામાં આવી છે.

આઇઆઇટી ખડગપુરમાં સિલ્વર મેડલ, ઍસ્ટ્રૉનૉટિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (ASI)માંથી ગોલ્ડ મેડલ અને NDRFમાંથી નૅશનલ ડિઝાઇન ઍવૉર્ડ મેળવ્યા.

નારાયણને ડૉ. કવિતારાજ એનકે સાથે લગ્ન કર્યાં છે. તેમની પુત્રી બી.ટૅક. અને પીજીડીએમ ગ્રૅજ્યુએટ છે તથા એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા પદ પર કાર્યરત છે. પુત્ર કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં બી. ટૅક. કરે છે.

કેયૂર કોટક