નારદપુરાણ (નારદીય પુરાણ) : 18 પુરાણોમાં છઠ્ઠું પુરાણ. વિવિધ પુરાણોની પુરાણાનુક્રમણિકાનુસાર નારદ કે નારદીય પુરાણ છઠ્ઠું કે સાતમું પુરાણ છે. એક મત મુજબ તેમાં 25,000 શ્લોકો છે. ભાગવતના મતે 15,000 શ્લોકો છે, પરંતુ ઘણું કરીને 22,000 શ્લોકો સર્વમાન્ય છે. સ્કંદપુરાણ અનુસાર નારદ અને નારદીય પુરાણ એક જ પુરાણનાં નામ છે. મત્સ્યપુરાણ નારદપુરાણની કથાને બૃહત્કલ્પાશ્રિત ગણાવે છે.
પ્રો. વિલ્સન તેને ઈ. સ.ની સોળમી–સત્તરમી સદીનું પુરાણ માને છે, પરંતુ અલ્બેરૂનીએ નારદપુરાણનો ઉલ્લેખ ઈ. સ.ની અગિયારમી સદીમાં કર્યો છે. ઈ. સ.ના બારમા શતકના ગૌડ નરેશ બલ્લાલ સેનના દાનસાગરમાં નારદપુરાણનાં વચનો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. તેમાં તાંત્રિક, વૈષ્ણવ, અનુષ્ઠાન વગેરે અનેક વિષયોનું નિરૂપણ થયેલું છે. ઉત્તર ભાગની સમાલોચના કરતાં તે વૈષ્ણવ સંપ્રદાયનો ગ્રંથ હોવાનું જણાય; પરંતુ પૂર્વ ભાગનો વિષયવ્યાપ જોતાં તેની વિશિષ્ટ સાંપ્રદાયિકતા જણાતી નથી.
સામાન્યત: નારદપુરાણને છઠ્ઠા પુરાણ તરીકે ગણાવવામાં આવે છે. અલબત્ત, તેમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. આ પુરાણનો ઘણોખરો મૂળ પ્રાચીન અંશ લુપ્ત થઈ ગયો છે. તેનો તાંત્રિક અંશ જોતાં જણાય છે કે તંત્રના ભારે પ્રચાર-પ્રસાર બાદ આ પુરાણે આજનું સ્વરૂપ ધારણ કર્યું હશે. અલ્બેરૂનીની યાત્રાના સમય દરમિયાન ભારતમાં તાંત્રિક અને પૌરાણિક દેવપ્રતિષ્ઠા, મંત્ર-તંત્ર, દીક્ષાદિ પૂજન-અર્ચન ખૂબ પ્રચલિત હતાં. તેના પરિણામે અલ્બેરૂનીના સમયમાં પ્રચલિત નારદપુરાણમાં તત્કાલીન તંત્રના ઘણા અંશો સમાવાયા છે. વળી નારદપુરાણના પાઠ કે શ્રવણનું વિશેષ ફળ બતાવાયું નથી. આથી એટલું તો નિ:સંદેહ કહી શકાય કે ઈ. સ. ના અગિયારમા-બારમા સૈકામાં આ પુરાણે તેનું અદ્યતન કલેવર ધારણ કર્યું હતું.
વેદવ્યાસરચિત અઢાર પુરાણોમાં છઠ્ઠા સાતમા સ્થાને ગણાવાતા આ પુરાણનું પૂર્ણ તિથિ(5–10–15)એ ધેનુ સાથે દાન કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિનું ફળ બતાવાયું છે. ઉપપુરાણની યાદીમાં એક બૃહન્નારદીય પુરાણ પણ ગણાવાય છે. આ પુરાણના પૂર્વ અને ઉત્તર બે ભાગ છે.
નારદપુરાણ અને નારદીય પુરાણનો વિષયાનુક્રમ એક જ સરખો છે. આથી બંને નામ એક જ પુરાણનાં હોવાનું સ્પષ્ટ છે.
ઉપર્યુક્ત વિષયસૂચિ જોતાં પુરાણકથાઓ, ધર્મનિર્ણય, મંત્ર-તંત્ર, વિવિધ શાસ્ત્રોનું આલેખન, પુરાણાનુક્રમણિકા અને તિથિવ્રતો પૂર્વ ભાગમાં થયેલી વિષયોની સંકીર્ણતાની પ્રતીતિ કરાવે છે. વળી વચ્ચે આવતી પુરાણાનુક્રમણિકા સંસ્કરણના તબક્કાને જુદો તારવી શકાય તેવી રીતે પૂર્વ વિભાગમાં વણાઈ ગઈ છે. ઉત્તર ભાગના આરંભે તિથિવ્રતનું અનુસંધાન, વિષ્ણુની ભક્તિ, યમ-બ્રહ્માવૃત્તાંત, મોહિની રુક્માંગદનું વિસ્તૃત કથાનક, તીર્થમાહાત્મ્યોની સંકીર્ણતા જોતાં સુવ્યવસ્થા, એકસૂત્રતા અને વિષયગુંફનમાં શિથિલતા પ્રથમ નજરે જ ખૂંચે તેવી છે.
વ્યાપક રીતે વિષયસૂચિને સંક્ષેપમાં નિરૂપતાં સંક્ષિપ્ત સૃષ્ટિવર્ણન, વિવિધ ધર્મકથા એ પૂર્વ ભાગના પ્રથમ પાદમાં નારદ-સનકના સંવાદ રૂપે છે. બીજો મોક્ષધર્મ નામે પાદ સનંદન-નારદના સંવાદ રૂપે છે. તેમાં વેદાંગકથન અને શુકોત્પત્તિ મુખ્ય છે. મૂળે આ નારદપુરાણના વિષયો હોવાનો સંભવ છે. ત્રીજા પાદમાં પશુપાશવિમોક્ષણ શૈવ સંપ્રદાયના અંશ રૂપે છે. મંત્ર, મંત્રદીક્ષા, પંચાંગનિરૂપણ તંત્રની અસર નીચે થયેલા સંસ્કરણનો નિર્દેશ કરે છે. પુરાણાનુક્રમણિકા, દાનફળકથન, તિથિનાં વ્રતો ચોથા પાદમાં સનાતન અને નારદના સંવાદ રૂપે વણાયાં. તે તેનું એક સંસ્કરણ બૃહદાખ્યાન રૂપે ચાર મુનિકુમારોના નામે નારદપુરાણનો ભાગ બન્યું છે.
ઉત્તર ભાગ વસિષ્ઠ અને માંધાતાના સંવાદ રૂપે રુક્માંગદ અને મોહિનીના વૃત્તાન્તને મહદંશે નિરૂપે છે. ગંગાની કથાના અનુસંધાને આવતાં માહાત્મ્યો અને સ્થળોનો ભૌગોલિક વ્યુત્ક્રમ કેવળ માહાત્મ્યોને જોડવાના પ્રયાસ રૂપે જ આવ્યો હોય તેમ જણાય છે. નારદપુરાણનો ઉત્તર ભાગ પૂર્વ ભાગથી સ્પષ્ટતયા ભિન્ન જણાઈ આવે છે.
પુરાણનાં પાંચ લક્ષણો નારદપુરાણને પૂર્ણત: લાગુ પડી શકે તેવાં વંશવર્ણન, ભૂગોલવર્ણન, પ્રલયકથા આદિનો અહીં અભાવ વરતાય છે. સંભવત: મૂળ નારદપુરાણનો ઘણોખરો અંશ લુપ્ત થઈ ગયો હશે અને અન્ય અંશો કાળક્રમે આ પુરાણમાં સમાઈ ગયા છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા