નારંગ, ગોપીચંદ [. 11 ફેબ્રુઆરી 1931, ડુક્કી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂના વિદ્વાન, વિવેચક, ભાષાવિદ અને પ્રાધ્યાપક. તેમને તેમના સાહિત્યિક વિવેચનગ્રંથ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત ઔર મશરિકી શેરિયત’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

દિલ્હી અને ઇંડિયાના યુનિવર્સિટીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ફેલોશિપ અને વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ. 1958માં દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં અધ્યાપનથી કારકિર્દીનો પ્રારંભ. તે પૂર્વે સેન્ટ સ્ટેફન કૉલેજમાં ઉર્દૂ ભણાવ્યું હતું. 1974માં જામિયા મિલિઆ યુનિવર્સિટીમાં જોડાયા. વળી 1986માં દિલ્હી યુનિવર્સિટીમાં પુન: આવ્યા. ભારત તેમજ અમેરિકાની કેટલીક યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપન.

ગોપીચંદ નારંગ

આજ સુધીમાં પ્રગટ થયેલા તેમના ઉર્દૂ, અંગ્રેજી અને હિન્દીમાં 60 વિદ્વત્તાપૂર્ણ સંશોધનગ્રંથોમાં મોટાભાગના સાહિત્યિક અને ભાષાવિજ્ઞાન વિશેના વિવેચનને લગતા છે. તેમાં ‘ઉર્દૂ કી તાલીમ કે લિસાનિયાતી પહલૂ’ (2006) , ‘રીડિંગ્સ ઇન લિટરરી ઉર્દૂ પ્રોઝ’ (1965), ‘કારી આસાસ તનકીદ’ અને ‘ઉર્દૂ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર : ક્રિટિક્લ પર્સ્પેક્ટિવ્ઝ’ (1991) ઉલ્લેખનીય છે. તેઓ બ્રિટનની રૉયલ એશિયાટિક સોસાયટીના ફેલો રહ્યા છે તેમજ લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ્ અમેરિકા, ઑલ ઇન્ડિયા પાન અને ઍસોસિયેશન ફૉર એશિયન સ્ટડીઝ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા છે. સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ – પ્રમુખ રહ્યા છે.

તેમને અનેક પુરસ્કાર અને સન્માન મળ્યાં છે. તેમાં ગાલિબ પુરસ્કાર (1963); કૅનેડિયન એકૅડેમી ઑવ્ ઉર્દૂ લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર ઍવૉર્ડ (1987), અમીર ખુસરો પુરસ્કાર (1987) અને ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ(1990), ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ (2004) અને ઇટલીનો મેઝિની સુવર્ણચંદ્રક (2005), ઈરોપિયન ઉર્દૂ રાઈટર્સ ઍવૉર્ડ (2005), ‘બહાદુર શાહ ઝફર ઍવૉર્ડ’ (2010), ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિ દેવી ઍવૉર્ડ(2012)નો સમાવેશ થાય છે. 2008માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીઓ ડૉક્ટર ઑફ લેટર્સની માનદ ઉપાધિ એનાયત કરી હતી. 2011માં એમને મધ્યપ્રદેશનુ ઇકબાલ સન્માન મળેલું. સાહિત્ય અકાદમીએ 2009માં એમને ફેલોશિપ આપી.

તેમની પુરસ્કૃત કૃતિ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત, ઔર મશરિકી શેરિયત’ એક ગંભીર ચિંતનાત્મક ગ્રંથ છે. તેમાં સાહિત્યિક સિદ્ધાંતોનું  કાવ્યશાસ્ત્રનું ઊંડું વિશ્લેષણ છે. વિવેચ્ય વસ્તુનું વ્યાપક ભૂમિકાએ નિરૂપણ તથા ભિન્ન ભિન્ન સાહિત્યિક ઉદાહરણોના સમાલોચનાત્મક પરીક્ષણમાં પ્રગટ થતી તેમની વિવેચનની શક્તિને કારણે આ કૃતિ ભારતીય વિવેચનાત્મક સાહિત્યમાં મહત્વનું પ્રદાન લેખાય છે.

સાહિત્ય અકાદમી, દિલ્હીના પ્રમુખકાળ દરમિયાન નારંગ ચર્ચાસ્પદ પણ બન્યા હતા.

ભારત અને પાકિસ્તાનના પ્રમુખે ઉર્દૂ વિદ્વાન તરીકે એમનું સન્માન કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા