નાયક, કનુ ચુનીલાલ : (જ. 9 ડિસેમ્બર, 1930, પાનસર, જિલ્લો મહેસાણા) : ગુજરાતી ચિત્રકાર, કલાશિક્ષક, કલાવિષયક લેખો આપનાર, પત્રકાર. ઉપનામ : ‘અંકન’. પિતા ચુનીલાલ નાયક દેશી નાટકમંડળીઓમાં ખલનાયકની ભૂમિકા ભજવવામાં નિષ્ણાત હતા. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 1954માં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1956માં આર્ટ-માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો.
કનુ નાયકે કાગળ પર જળરંગની ચિત્રપદ્ધતિ ઉપરાંત ખાસ તો બાટિક-પદ્ધતિ અપનાવી છે. અટપટી અને કડાકૂટભરી આ પદ્ધતિથી તેમણે પહાડી અને રાજસ્થાની લઘુચિત્રોની શોભન-આકૃતિઓને પોતાનાં ચિત્રોમાં ઉતારી છે. તેમની કૃતિઓ સુશોભનાત્મક બની રહી છે. ‘બાટિક’ ઉપરાંત કાગળના માવા, પૂઠાં અને વાંસમાંથી ત્રિપરિમાણી અવનવી આકૃતિઓ રચવા માટે તેઓ જાણીતા છે.
કનુ નાયકે અભ્યાસ પૂરો કરી મુંબઈમાં કળાશિક્ષક તરીકેની કારકિર્દી આરંભી. 1955થી 2000 સુધીના 45 વરસના ગાળામાં મુંબઈની ઘણી શાળાઓ અને મહાશાળાઓમાં તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી; જેમ કે, ‘એક્સ્પેરિમેન્ટલ સ્કૂલ, સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, બાન્દ્રા સ્કૂલ ઑવ્ આર્ટ, વિલે પાર્લેની હરકિશન મહેતા ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમ તથા મલાડની મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમ. તેઓ એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી સાથે પણ કેટલોક સમય સંકળાયેલા રહેલા.
1982માં કનુ નાયકે મુંબઈમાં ‘આકારભારતી’ નામની કલા-સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા પ્રત્યેક વર્ષે પ્રદર્શન કરવા તથા દર્શકો સાથે ગોષ્ઠિ કરવા માટે ટોચના કલાકારોને આમંત્રણ આપે છે.
કનુ નાયકે મુંબઈમાં 1956, 1959, 1974 તથા 1978માં પોતાની કળાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. મુંબઈમાં 1965, ’66, ’68, ’70, ’72, ’97 તથા ’99માં સમૂહપ્રદર્શનોમાં પણ તેમણે પોતાની કલાકૃતિઓ રજૂ કરી હતી.
1955માં મુંબઈમાં રાજ્યના પ્રથમ કલા-પ્રદર્શનમાં તેમને રૌપ્ય ચંદ્રક તથા 1999માં ‘એમિનન્ટ આર્ટિસ્ટ ઍવૉર્ડ’ એનાયત થયેલા. ‘મુંબઈ સમાચાર’ તથા અન્ય અખબારોમાં તથા પુસ્તકો લખીને કનુ નાયકે ગુજરાતી સમાજની કલારુચિ ઘડવાનું અગત્યનું કાર્ય કર્યું છે. છેક 1948થી તેઓ ‘સમર્પણ’માં કલાવિષયક લેખો લખતા રહ્યા છે.
નાયકે આ મુજબનાં કલા-વિષયક પુસ્તકો લખ્યાં છે : 1962માં કલા-ઇતિહાસ અને કલા-આસ્વાદનો ગ્રંથ ‘કલામાધુર્ય’ ગુજરાતી અને મરાઠીમાં; 1968માં શાલેય બાળકો માટેનો કલા-ઇતિહાસનો ગ્રંથ ‘ચિત્ર-ત્રિવેણી’ 1969માં; ચિત્રકામ માટેની એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ ગ્રેડ પરીક્ષાઓ માટેનું પુસ્તક ‘અભિનવ ડિઝાઇન્સ’ (સહલેખક); 1985માં પરિચય પુસ્તિકા શ્રેણી માટે ‘કેન્દ્રીય ચિત્રકલા’ તથા 1987માં ગુજરાત સરકારના વૉકેશનલ ગાઇડન્સ બ્યૂરો માટે ‘એસ. એસ. સી. પછી કલાક્ષેત્રના અભ્યાસક્રમો’, કલાનો રસાસ્વાદ કરાવતાં પુસ્તકો ‘કલામાધુર્ય’, ‘કલાપાથેય’, ‘કલાસંપદા’, ‘કલાવૈભવ’, ‘કલાકૌસ્તુભ’, ‘ભારતીય ચિત્રકલા’ લખ્યાં છે. કનુભાઈએ મૌલિક કાવ્યો લખ્યાં છે, જે ‘કાવ્યાંકન’ ગ્રંથ રૂપે છપાયાં છે.
તેમણે ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘જનશક્તિ’, ‘ગુજરાત સમાચાર’, ‘મિડ-ડે’, ‘મુંબઈ સંધ્યા’ ઇત્યાદિ અખબારો માટે વ્યવસાયી ધોરણે કલા-વિવેચકની કામગીરી બજાવી છે. 1992માં પ્રગટ થયેલ ‘કલા-પાથેય’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઇનામો મળ્યાં છે.
1999માં એ. આઈ. એફ. એ. સી. એસ. સંગઠને તેમને ‘એમિનન્ટ આર્ટિસ્ટ ઍવૉર્ડ’ આપ્યો.
2000માં તેમનું પુસ્તક ‘કલાસંપદા’ પ્રકાશિત થયું. કલા સિવાયના ક્ષેત્રના તેમના વિવિધ વિચારોની એક પુસ્તિકા ‘10 6 = 60’ નામે પ્રકાશિત થઈ છે.
કનુ નાયકે 1955થી ’77 દરમિયાન મુંબઈમાં બાળકો દ્વારા ભજવાતાં નૃત્યો અને નાટકોમાં વેષભૂષા-ડિઝાઇનની સેવા આપેલી. તેમણે ‘વૈષ્ણવદર્શન’, ‘જગદર્પણ’ તથા ‘રણછોડ રંગીલા’ ઇત્યાદિ નાટકોમાં અદાકારી પણ કરેલી. તેમનાં ચિત્રો વિવિધ અંગત સંગ્રહોમાં વિશ્વભરમાં સ્થાન પામ્યાં છે.
તેમણે જ્યોતિબહેન સાથે લગ્ન કર્યું હતું. તેમનાથી ત્રણ પુત્રો નિપુણ, કિન્નર અને ભાવિક જન્મ્યા.
કનુ નાયકે 2008માં મુંબઈમાં કનુ નાયક આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જે કલાના પ્રચારનું કામ અને લોકોમાં કલાની અભિરુચિ ઘડવાનું કામ કરે છે.
અમિતાભ મડિયા