નાન્દી : દેવની સ્તુતિ દ્વારા નાટ્યપ્રયોગ કરતાં પહેલાં પ્રેક્ષકો માટે આશીર્વાદ માગતો શ્લોક. નાટકની નિર્વિઘ્ન રજૂઆત અને સમાપ્તિ થાય એ માટે દેવોના આશીર્વાદ પામવા નાટકના આરંભ પહેલાં માંગલિક વિધિ કરવામાં આવતો. ભરતે તેને પૂર્વરંગ એવી સંજ્ઞા આપી છે. આ પૂર્વરંગનાં પ્રત્યાહાર, અવતરણ વગેરે 22 અંગો છે. નાન્દી તેમાં અંતિમ અંગ છે. કાળક્રમે નાન્દી સિવાયનાં અંગો પડદા પાછળ જ કરી લેવાતાં. પરંતુ નાન્દી તો પ્રેક્ષકો સમક્ષ જ થતી કારણ કે તેનું સ્વરૂપ ઘણું કરીને પ્રાર્થના કે સ્તુતિનું હોય છે. તેનાથી દેવો રીઝે છે, એટલે તેને નાન્દી કહે છે, એવી તેની વ્યુત્પત્તિ વિશેષ સ્વીકાર્ય બની છે. જોકે ‘ભાવપ્રકાશ’ ગ્રંથમાં એમ સમજાવ્યું છે કે શિવના વૃષભ નંદીએ સૃષ્ટિના આરંભમાં નૃત્ય કર્યું અને અભિનયક્ષમતા પ્રાપ્ત કરી, તેથી એના પ્રયોગ સમયે દેવ વગેરેને નમસ્કાર કરવામાં આવે છે તે ‘નાન્દી’ છે. એક બીજી વ્યુત્પત્તિ પ્રમાણે જેમાં આનંદ નિહિત છે તે નાન્દી છે. નાન્દીની વિશેષતા કે લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) તે નાટકના પ્રારંભે ગવાતું મંગલગાન છે. (2) તેમાં દેવ, દ્વિજ કે નૃપ વગેરેની સ્તુતિ કરવામાં આવે છે. તેમના આશીર્વાદ માગવામાં આવે છે અને તેમને નમસ્કાર કરવામાં આવે છે. (3) નાન્દી ક્યારેક અષ્ટપદી હોય છે, તો ક્યારેક દ્વાદશપદી પણ હોય છે. (4) નાન્દીનું પ્રયોજન દેવોની પ્રસન્નતા તથા આશીર્વાદ એમ ઉભય પ્રકારનું છે. (5) અભિનવગુપ્તના મત પ્રમાણે કોઈ પણ રૂપકના આરંભે ગવાતી નાન્દીનું સ્વરૂપ હંમેશાં એકસરખું જ અર્થાત્, આશીર્નમસ્ક્રિયા–સ્તુતિરૂપ જ હોય છે. (6) નાન્દી સંસ્કૃત રૂપકમાં અનિવાર્ય છે. (7) નાન્દીનો પાઠ સ્થાપક કે સૂત્રધાર કરે છે. (8) ભરત, ધનંજય અને વિશ્વનાથ જેવા આચાર્યોના મત અનુસાર નાન્દી શ્લોકમાં નાટ્યના સમગ્ર કથાવસ્તુનું સૂચન પણ થવું જોઈએ વસ્તુસૂચન થતું હોય તેવી નાન્દીમાં મુદ્રાલંકાર હોય છે. આ કાર્ય કવિ ક્યારેક શ્લેષના પ્રયોગથી તો ક્યારેક પ્રતીકો દ્વારા પાર પાડે છે. તેમાં શ્લેષથી પાત્રોનું સૂચન થાય તેને સાહિત્યાચાર્યો ‘મુદ્રા’ અલંકાર તરીકે ઓળખાવે છે.
વસંત પરીખ