નાણું : વિનિમયના માધ્યમ તરીકે સર્વસામાન્ય રીતે સ્વીકારાતી અસ્કામત. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની ચીજવસ્તુઓ અને સેવાઓના બદલામાં જે અસ્કામત લોકો સામાન્ય રીતે સ્વીકારતા હોય તેને નાણાં તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલાં ચીજવસ્તુઓનો વિનિમય સાટાપદ્ધતિથી કરવામાં આવતો હતો, એટલે કે વસ્તુની સામે વસ્તુ ચૂકવવામાં આવતી હતી. આ સાટાપદ્ધતિમાં વિનિમય અગવડ ભરેલો બની જતો હતો. આ અગવડ ‘દ્વિપક્ષી જરૂરિયાતોના સુમેળના અભાવ’માંથી ઉદભવતી હતી. સાટાપદ્ધતિમાં વિનિમય ખૂબ અગવડ ભરેલો બની જતો હોવાથી ઘણા જૂના સમયથી વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થતો આવ્યો છે. શરૂઆતમાં એવી ચીજોનો નાણાં તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો જે પોતે પ્રત્યક્ષ રીતે ઉપયોગી હોય અને લોકો તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય. જુદા જુદા સમયે જુદા જુદા દેશોમાં નાણાં તરીકે જે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમાં ગાય, બકરાં, ઘેટાં વગેરે પશુઓ, અનાજ, ચામડું, માછલી વગેરેનો સમાવેશ થતો હતો. વિનિમયના માધ્યમ તરીકે આવી વસ્તુઓનો ઉપયોગ પણ અગવડભરેલો હોવાથી સમય જતાં તેનું સ્થાન સોનું, ચાંદી, તાંબું વગેરે ધાતુઓના બનેલા સિક્કાઓએ લીધું. નાણાં તરીકે ધાતુઓની કેટલીક મર્યાદાઓ હોવાને કારણે તેના સ્થાને કાગદી નાણું (ચલણી નોટો) આવ્યું. વેપાર-વિનિમયના વધારાની સાથે વિનિમયના માધ્યમ તરીકે નાણાંની જરૂરિયાત વધતી ગઈ, પરંતુ તેની સાથે જે ધાતુઓમાંથી એ સિક્કા બનાવવામાં આવતા હતા તે ધાતુઓના ઉત્પાદન અને પુરવઠામાં જરૂરી વધારો થઈ શકતો ન હતો, તે ધાતુ-નાણાંની એક મોટી મર્યાદા હતી. હવે તો કાગદી નોટોનું સ્થાન બૅંકનાણું લઈ રહ્યું છે. બૅંકોમાં રહેલી જે થાપણોનું ચેક લખીને હસ્તાંતર કરી શકાય તેને બૅંકનાણું કહેવામાં આવે છે. સામાન્ય રીતે જેને ચાલુ થાપણો કહેવામાં આવે છે તેના પર ચેક લખી શકાતા હોવાથી તેમનો સમાવેશ બૅંકનાણામાં કરવામાં આવે છે. ચેક પોતે નાણું નથી, એ તો થાપણ રૂપે રહેલાં નાણાંનું હસ્તાંતર કરવા માટે બૅંક પર લખાયેલો આદેશપત્ર માત્ર છે. જેને નાણાંનો પુરવઠો કહેવામાં આવે છે તેમાં વિકસિત દેશોમાં બૅંકનાણાનું પ્રમાણ 75 %થી 80 % જેટલું માલૂમ પડે છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ બૅંકનાણાંનું પ્રમાણ લગભગ 45 % જેટલું માલૂમ પડે છે.
નાણાનો પુરવઠો : નાણા અંગેની સૈદ્ધાંતિક ચર્ચામાં નાણાંના પુરવઠાની સંકુચિત વ્યાખ્યા કરવામાં આવે છે, જેમાં સિક્કાઓ, ચલણી નોટો તથા બૅંકોની ચાલુ થાપણોનો સમાવેશ કરવામાં આવે છે. અગાઉ નાણાંના જે પુરવઠાનો ઉલ્લેખ કર્યો છે તેમાં નાણાંના પુરવઠાની સંકુચિત વ્યાખ્યા અભિપ્રેત છે. નાણાંના પુરવઠામાં થતા ફેરફારોની અર્થતંત્ર પર પડતી અસરોને તપાસવા માટે જે અનુભવાશ્રિત અભ્યાસો કરવામાં આવે છે તેમાં નાણાંના પુરવઠાની વિસ્તૃત વ્યાખ્યા કરવામાં આવે છે. એ વ્યાખ્યામાં બૅંકોની મુદતી થાપણો તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓની કેટલીક થાપણોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ રીતે હવે નાણાંના પુરવઠાને M1, M2, M3 એવી સંજ્ઞાઓથી ઓળખવામાં આવે છે. વિભિન્ન દેશોમાં એ જૂથોમાં સમાવિષ્ટ અસ્કામતોમાં કેટલોક તફાવત જોવા મળે છે. ભારત અને અમેરિકામાં પ્રચલિત નાણાંના પુરવઠાની વ્યાખ્યાઓ અહીં નોંધવામાં આવી છે :
ભારત :
M1 = ચલણી સિક્કાઓ, ચલણી નોટો, બૅંકોની ચાલુ થાપણો
M2 = M1 + પોસ્ટ-ઑફિસની સેવિંગ્ઝ બૅંકમાં પડેલી બચત-થાપણો
M3 = M1 + તમામ વેપારી અને સહકારી બૅંકોની મુદતી થાપણો (તેમાંથી બૅંકોની પરસ્પરની મુદતી થાપણોને બાકાત રાખવામાં આવે છે.)
M4 = M3 + પોસ્ટ-ઑફિસ સેવિંગ્ઝ બૅંકમાં પડેલી તમામ થાપણો.
અમેરિકા :
M1 = ચલણી સિક્કાઓ નોટો, જેમના પર ચેક લખી શકાય તેવી થાપણો, ટ્રાવેલર્સ ચેક
M2 = M1 + એવી થાપણ જે ચેક લખી શકાય એવી થાપણોની લાક્ષણિકતાઓ ધરાવતી હોય, એટલે કે જેમને સરળતાથી અને ઓછા ખર્ચે રોકડ નાણાંમાં બદલી શકાતી હોય; દા. ત., ‘મની માર્કેટ ડિપૉઝિટ એકાઉન્ટ્સ’, બકોનાં નાનાં બચતખાતાં વગેરે.
M3 = M2 + કંઈક ઓછી રોકડતા ધરાવતી અસ્કામતો; દા. ત., બૅંકોનાં બચતખાતાંમાં પડેલી મોટી રકમો, લાંબી મુદતના ‘રિપરચેઝ ઍગ્રીમૅન્ટ્સ’ વગેરે.
નાણાંના પુરવઠાની જે વિભિન્ન વિભાવનાઓ અહીં વર્ણવવામાં આવી છે તેમાંથી બે મુદ્દાઓ ફલિત થાય છે : એક, જેને M1 અથવા નાણાંના પુરવઠાની સંકુચિત વ્યાખ્યા કહેવામાં આવે છે તેમાં વિનિમયના માધ્યમ તરીકે પ્રત્યક્ષ રીતે ઉપયોગમાં આવતી અસ્કામતોનો જ સમાવેશ કરવામાં આવે છે. બીજું, M2, M3 વગેરેમાં ક્રમશ: ઓછી ને ઓછી રોકડતા કે તરલતા ધરાવતી અસ્કામતોનો સમાવેશ કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે બૅંકોની ચાલુ થાપણો અને મુદતી થાપણોને નાણાં તરીકે સમાન ગણવાનું યોગ્ય નથી; કેમ કે, ચાલુ થાપણો પર, ચલણી નોટોની જેમ જ વ્યાજ મળતું નથી, જ્યારે મુદતી થાપણો પર વ્યાજ મળે છે. આ અસંગતતા હોવા છતાં અનુભવમૂલક અભ્યાસોમાં નાણાંના પુરવઠાની વિસ્તૃત વ્યાખ્યા અપનાવવામાં આવે છે; કેમ કે, તેનાથી આર્થિક પ્રવાહોની વધુ સારી સમજ મેળવી શકાય છે.
ભારતમાં આર્થિક અને નાણાકીય વિશ્લેષણના દૃષ્ટિબિંદુ M1 અને M3ના ખ્યાલોને ઉપયોગી લેખવામાં આવ્યા છે.
નાણાંનાં કાર્યો : વિનિમયના માધ્યમ તરીકે સર્વસ્વીકાર્ય હોય તે નાણું. પરંતુ આનો અર્થ એવો નથી કે નાણું કેવળ વિનિમયના માધ્યમ તરીકે જ કાર્ય કરે છે. નાણું બીજાં પણ કેટલાંક કાર્યો બજાવે છે. તેનાં બધાં કાર્યો નીચે પ્રમાણે વર્ણવી શકાય :
1. નાણું વિનિમયનું માધ્યમ છે, તેનો અર્થ એ છે કે ચીજવસ્તુઓનાં ખરીદી-વેચાણ માટે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે.
2. નાણું મૂલ્યના માપદંડ તરીકે અને ગણતરીના એકમ તરીકે કાર્ય કરે છે. અહીં મૂલ્ય એટલે એક વસ્તુની બીજી વસ્તુ ખરીદવાની શક્તિ, વિનિમયમૂલ્ય. જો મૂલ્યના માપદંડ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો ઘણી મુશ્કેલી પડે. તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે સમાજમાં કુલ 1,000 વસ્તુઓ છે. આ દાખલામાં પ્રત્યેક વસ્તુનાં 999 મૂલ્યો થાય, કારણ કે કોઈ પણ એક વસ્તુ સૈદ્ધાંતિક રીતે 999 વસ્તુઓ ખરીદી શકે. આવી સ્થિતિમાં દા. ત., વસ્તુના મૂલ્યને વસ્તુઓની કોઈ એક સંખ્યામાં દર્શાવી શકાય નહિ અને તેથી તેના મૂલ્યમાં કેટલો વધારો કે ઘટાડો થયો તે જાણી કે માપી શકાય નહિ. નાણું વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોવાથી તે સહજ રીતે મૂલ્યના માપદંડ તરીકે અને ગણતરીના એકમ તરીકે કામગીરી બજાવે છે. વસ્તુના મૂલ્યને નાણાંમાં દર્શાવીને તેને આપણે એક સંખ્યા દ્વારા વ્યક્ત કરી શકીએ છીએ. તેથી વિવિધ વસ્તુઓનાં મૂલ્યોમાં થતા ફેરફારોને જાણીમાપી શકાય છે. ઉત્પાદન અને વપરાશને લગતા નિર્ણયો માટે આ જાણકારી આવશ્યક અને ઉપયોગી નીવડે છે. નાણું મૂલ્યનો માપદંડ હોવાને કારણે તે ગણતરીનો એકમ પણ બને છે. વ્યક્તિઓ, ઉત્પાદકો અને સરકારો તેમની આર્થિક લેવડ-દેવડની ગણતરી અને તેના હિસાબો નાણાંમાં રાખે છે. સરકાર તેનાં આવકખર્ચનો હિસાબ નાણાંમાં રાખે છે. ઉત્પાદકો તેમના વકરા, ખર્ચ તથા નફાની ગણતરી નાણાંમાં કરે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી નાણાંના એકમમાં કરવામાં આવે છે. નાણાકીય મૂલ્યોનો ઉપયોગ કર્યા વિના દૂધ, કાપડ અને ટ્રૅક્ટર જેવી વિભિન્ન વસ્તુઓનો સરવાળો કરીને રાષ્ટ્રીય ઉત્પાદન(આવક)નું મૂલ્ય જાણી શકાય નહિ.
3. નાણું મૂલ્યસંચયના સાધન તરીકે, એટલે કે બચતો રોકવાના એક સાધન તરીકેની કામગીરી બજાવે છે. બચતોને રોકવા માટે વ્યક્તિની પાસે વિવિધ વિકલ્પો છે. તે બૅંક જેવી નાણાકીય સંસ્થાઓમાં પોતાની બચત થાપણ રૂપે મૂકીને વ્યાજના રૂપમાં કમાણી કરી શકે, શૅરમાં નાણાં રોકીને ડિવિડંડના રૂપમાં આવક મેળવી શકે અને શૅરની બજારકિંમત વધે તો મૂડીલાભ પણ મેળવી શકે. અલબત્ત, શૅરની કિંમત ઘટી જાય તો મૂડીનુકસાન ભોગવવા માટે પણ તૈયારી રાખવી પડે. વ્યક્તિ પોતાની બચત સોનામાં પણ રોકી શકે. સોનામાં બચત રોકવાથી કમાણી થતી નથી, પરંતુ સામાન્ય રીતે સોનાની કિંમત વધતી હોવાથી વ્યક્તિને મૂડીલાભ થઈ શકે છે. આ બધાંની તુલનામાં નાણાંમાં બચત રોકવાથી કોઈ કમાણી થતી નથી હોતી. આમ છતાં લોકો તેમની બચતનો કેટલોક ભાગ નાણાંમાં રોકવાનું પસંદ કરે છે કેમ કે નાણાંમાં સંપૂર્ણ રોકડતાનો ગુણ રહેલો છે. નાણાંની મદદથી જરૂર પડે ત્યારે તરત ચીજવસ્તુઓ ખરીદી શકાય છે, કારણ કે નાણું વિનિમયનું માધ્યમ છે. અણધારી કે આકસ્મિક જરૂરિયાત સંતોષવાના હેતુથી નાણું હાથ પર રાખવાનું ઉપયોગી છે. ભવિષ્યમાં ભાવોના અપેક્ષિત ફેરફારોનો લાભ લેવા માટે પણ નાણું હાથ પર હોય તે જરૂરી છે; દા. ત., કોઈ શૅરનો ભાવ ભવિષ્યમાં વધવાની વ્યક્તિની ધારણા હોય તો તેનો લાભ લેવા માટે વ્યક્તિએ વર્તમાનમાં શૅર ખરીદવા પડે અને તે માટે વ્યક્તિની પાસે નાણાં હોવાં જોઈએ. આમ નાણાંના રૂપમાં બચતો હાથ પર રાખવાના કેટલાક લાભો હોવાથી લોકો બીજી અસ્કામતોમાં બચતો રોકવાથી થતા લાભો જતા કરીને તેમની બચતનો કેટલોક ભાગ નાણાંના રૂપમાં હાથ પર રાખવાનું પસંદ કરે છે.
રમેશ ભા. શાહ