નાણાવટી, મણિબહેન (જ. 27 ફેબ્રુઆરી 1905, ડેરોલ, ગુજરાત; અ. 2000, મુંબઈ) : ગુજરાતી સમાજસેવિકા. જન્મ કાપડના વેપારી શેઠ ચુનીલાલ ઝવેરીને ત્યાં. ચુનીભાઈની સમાજમાં ભારે પ્રતિષ્ઠા હતી. તે પ્રામાણિક વેપારી હતા અને જૂની પરંપરા અનુસાર સામાજિક કામોમાં સદા સક્રિય રહેતા હતા. મણિબહેનના દુર્ભાગ્યે તેઓ આવાં સંસ્કારી માતાપિતાનું સુખ નાનપણમાં જ ખોઈ બેઠાં. તેમના માટે કાકાના આશ્રયે રહેવાનું અનિવાર્ય બન્યું. કાકા મુંબઈમાં રહે. તેથી મણિબહેનને પણ મુંબઈ રહેવાનું થયું. આનો એમને લાભ પણ મળ્યો. તે જૈન કન્યાશાળામાં જોડાયાં. જૈન ધર્મગ્રંથો નિયમિત વાંચતાં થયાં. 1922માં ચંદુલાલ નાણાવટી સાથે તેમનાં લગ્ન થયાં. ચંદુલાલ ગાંધીજીના અનુયાયી અને તેમના ગાઢ સાથી હતા. મણિબહેન પણ બાપુના પ્રભાવથી અલિપ્ત ન રહી શક્યાં. તેમણે રેંટિયો કાંતતાં શીખી લીધું. ગાંધીજીના વિચારો આત્મસાત્ કર્યા. આ રીતે તેઓ પતિનાં સેવાકાર્યોમાં વધારે સારી રીતે સાથ આપતાં થયાં. તેમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં મહિલાઓને ભાગીદાર બનાવવાની નેમ રાખી. 1930–32નાં વર્ષોમાં મુંબઈમાં વિલેપાર્લેમાં આવેલું નાણાવટી પરિવારનું નિવાસસ્થાન સ્વાતંત્ર્ય-પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. જમનાલાલ બજાજ, સ્વામી આનંદ, કિશોરલાલ મશરૂવાળા, દિલખુશ દીવાનજી જેવા મહારથીઓ આ સ્થળે આવતા અને યુવાનોને સ્વતંત્રતા-સંગ્રામ માટે પ્રોત્સાહિત કરતા. મણિબહેન તેમની પોતાની રીતે લડતાં; મહિલામોરચાની આગેવાની લેતાં; દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરતાં તેમજ ઘેર ઘેર ફરીને ખાદીનું વેચાણ કરતાં.
સ્વામી આનંદના નેતૃત્વ હેઠળ સત્યાગ્રહી મહિલાઓનું જૂથ રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી ચૂક્યું હતું. મણિબહેન તેમાં જોડાઈ ગયાં. મીઠાના કાયદાનો ભંગ કરી તેમણે કઠોર દંડ વેઠ્યો. તેમણે દસ મહિનાનો કારાવાસ ભોગવ્યો. તે પછી તેઓ રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યાં.
ગોળમેજીમાં જવા માટે ગાંધીજી 1932માં મુંબઈ આવ્યા, ત્યારે વિલેપાર્લેમાં નાણાવટી નિવાસમાં રોકાયા. બાપુને પ્રત્યક્ષ મળવાનો અવસર પ્રાપ્ત થતાં મણિબહેન તેનો લાભ લેવાનું ચૂક્યાં નહિ. તેમણે ગાંધીજીની દોરવણી માગી. ગાંધીજીએ તેમને વિલેપાર્લેમાં મહિલાઓ સંચાલિત ખાદીભંડાર સ્થાપવા સૂચવ્યું. મણિબહેને તેને જીવનકાર્ય બનાવ્યું. તેમણે ખાદીભંડારની સ્થાપના કરી અને ત્યારથી ખાદીપ્રચાર, ગ્રામવિકાસ, શિક્ષણસેવા અને મહિલા-ઉત્થાન જેવાં ક્ષેત્રોમાં તનમનધનથી લાગી ગયાં. મહારાષ્ટ્ર ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં તેઓ માનાર્હ મંત્રી રહેલાં. તેમણે નાણાવટી મહિલા વિદ્યાલય અને કન્યાશાળાની સ્થાપના કરી હતી. વિવિધ સ્થળોએ ખાદીભંડારો ચાલુ કરી તેમના સંચાલન પર દેખરેખનું કાર્ય પણ તેમણે સંભાળ્યું. આ કાર્ય તેમણે કુશળ પ્રબંધકને શરમાવે તેટલું સુંદર રીતે નિભાવ્યું હતું.
ગુજરાતમાં તેમણે આદિવાસી કલ્યાણ માટે પણ મોટું કાર્ય કર્યું. દેશના ભાગલા પડવાથી પાકિસ્તાનથી આવેલા હજારો શરણાર્થીઓને મમતાભરી હૂંફ આપી. પ્રાકૃતિક આપત્તિના સમયે ભોગ બનેલાંની સેવામાં તેઓ દેશના કોઈ પણ ખૂણે દોડી જતાં. તેમની સેવાનો લાભ પામેલા હજારો દરિદ્રનારાયણોનાં તેઓ ‘મણિબા’ બનીને રહ્યાં.
મણિબહેનનું દૈનિક જીવન સાદું અને શિસ્તવાળું હતું. બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવું, પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેવું, રેંટિયો કાંતવો, ત્યજી દેવાયેલા કાપડના ટુકડા એકઠા કરી તેમાંથી આદિવાસી બાળકો માટે કપડાં સીવવાં આદિ કાર્યો તેમના નિત્યક્રમના ભાગરૂપ હતાં. પતિની સ્મૃતિમાં તેમણે નાણાવટી હૉસ્પિટલની સ્થાપના કરેલી. સમાજસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ છતાં તેમનો કાંતણ-કાર્યક્રમ એવો હતો કે તે ઘરનાં બધાંને થઈ રહે એટલી ખાદી તેમના કાંતેલા સૂતરમાંથી મળી રહેતી હતી. તેમણે 95ની વયે દેહ છોડ્યો ત્યારે તેઓ મુંબઈનાં સૌથી વયોવૃદ્ધ સ્વાતંત્ર્યસેનાની હતાં.
બંસીધર શુક્લ