નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવસપાટીમાં અથવા નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી આપતો એક સિદ્ધાંત. આ સિદ્ધાંતનો પાયાનો અભિગમ નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી નાણાંના જથ્થામાં થતા ફેરફારોના આધારે આપવાનો છે. જેમ વસ્તુનું મૂલ્ય માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તેમ નાણાંનું મૂલ્ય પણ સમાજમાં નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદશક્તિ. નાણાંના એક એકમ દ્વારા કેટલી ચીજવસ્તુઓ અને સેવાઓ આપણે મેળવી શકીએ તે નાણાંનું મૂલ્ય દર્શાવે છે. ભાવો સાથે નાણાંનું મૂલ્ય ઊલટો સંબંધ ધરાવે છે. અર્થાત્, જ્યારે ભાવો વધે છે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટે છે અને ભાવો ઘટે છે ત્યારે નાણાંનું મૂલ્ય વધે છે. નાણાંના મૂલ્યમાં થતાં પરિવર્તનોની અર્થકારણ ઉપર વ્યાપક અસર પડતી હોય છે. તેથી નાણાંના મૂલ્યમાં કયાં પરિબળોને કારણે ફેરફારો થતા રહે છે તે સમજવા માટેના પ્રયાસો અર્થશાસ્ત્રીઓ કરતા રહ્યા છે.
નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવપરિવર્તન માટે કયાં મૂળભૂત કારણો જવાબદાર છે તે સમજાવતા એટલે કે નાણાંના મૂલ્યમાં થતા ફેરફારો સમજાવતા કેટલાક સિદ્ધાંતો અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યા છે, તે નાણાપરિમાણના સિદ્ધાંત તરીકે જાણીતા છે.
નાણાંનું મૂલ્ય નાણાંના પરિમાણ (જથ્થા) ઉપર આધારિત છે એવો અભિપ્રાય સૌપ્રથમ ડેવિડ હ્યૂમ નામના અર્થશાસ્ત્રીએ આપ્યો હતો; પરંતુ આ સિદ્ધાંતની વ્યવસ્થિત રજૂઆત માટે પ્રો. ઇર્વિંગ ફિશર જાણીતા છે. આ સિદ્ધાંત પ્રમાણે નાણાંના જથ્થામાં થતો ફેરફાર કારણ છે અને ભાવોમાં થતો ફેરફાર પરિણામ છે. નાણાપરિમાણમાં થતો ફેરફાર ભાવોમાં સપ્રમાણ પરિવર્તન લાવશે તેવી રજૂઆતને કારણે આ સિદ્ધાંતને નાણાપરિમાણના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે.
જો અન્ય પરિબળોમાં ફેરફાર ન થાય અને નાણાંના પરિમાણમાં વધારો કરવામાં આવે તો ભાવસપાટી તેટલા જ પ્રમાણમાં વધશે. પરિણામે નાણાંનું મૂલ્ય ઘટશે અને નાણાંના પરિમાણમાં ઘટાડો થતાં ભાવસપાટી તેટલા જ પ્રમાણમાં ઘટશે અને પરિણામે નાણાંનું મૂલ્ય વધશે.
આ સિદ્ધાંતને નીચેના સમીકરણના રૂપમાં દર્શાવવામાં આવે છે :
MV = PT
સમીકરણનાં પદોની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે :
M : નાણાંનું પરિમાણ
V : નાણાંનો ચલણવેગ
P : ભાવસપાટી
T : થયેલા સોદા અથવા વિનિમયસંખ્યાનો નિર્દેશ કરે છે.
ઉદાહરણ : ધારો કે નાણાંનો પુરવઠો (M) રૂ. 1000 છે, નાણાંનો ચલણવેગ (V) 5 છે અને નાણાની મદદથી થતા વિનિમયના સોદાઓનું પ્રમાણ (T) 5,000 છે. તો સમીકરણ MV = PT અનુસાર રૂ. 1,000 × 5 = રૂ. 1 × 5,000 થશે.
આ સિદ્ધાંતમાં નાણાંની મદદથી થતા વિનિમયના સોદાઓનું પ્રમાણ સ્થિર રહે છે. ધારણા એવી છે કે ઉત્પાદનનાં સાધનોના થતા ઉપયોગનું પ્રમાણ, ઉત્પાદનપદ્ધતિ, વ્યવસ્થાની કાર્યક્ષમતા, વસ્તુનું પ્રમાણ, મૂડીનાં સાધનોનો પુરવઠો, ટૅકનિકલ જ્ઞાન વગેરે પરિબળો સોદાઓના પ્રમાણને એટલે કે ઉત્પાદનને અસર કરે છે; પરંતુ એ બધી બાબતો પર નાણાંના પુરવઠામાં થતા વધારાની કોઈ અસર પડતી નથી. તે જ પ્રમાણે નાણાંનો ચલણવેગ પણ સ્થિર રહે છે. સમાજમાં ચુકવણીની પ્રથા, શાખવ્યવસ્થાનો વિકાસ અને તેના ઉપયોગનું પ્રમાણ, સમાજની વપરાશવૃત્તિ, નાણાંની હેરફેર વગેરે પરિબળો નાણાંના ચલણવેગ ઉપર અસર કરે છે, પરંતુ તેમના પર નાણાંના પુરવઠામાં થતા ફેરફારની કોઈ અસર પડતી નથી. તેથી જો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો (M) રૂ. 2,000 થાય અને V = 5 અને T = 5,000 હોય તો સમીકરણ MV = PT અનુસાર રૂ. 2,000 × 5 = રૂ. 2 × 5,000 થશે. એટલે કે જ્યારે નાણાંનો પુરવઠો રૂ. 1,000 થી વધીને રૂ. 2,000 થશે, ત્યારે ભાવ રૂ. 1 થી વધીને રૂ. 2 થશે.
આ સિદ્ધાંતમાં પૂર્ણરોજગારીની ધારણા અભિપ્રેત છે. એટલે કે અર્થતંત્રમાં ઉત્પાદનનાં તમામ સાધનો ઉત્પાદનકાર્યમાં રોકાયેલાં હોય છે તેથી પછી નાણાંના પરિમાણમાં થતો વધારો ભાવસપાટીમાં વૃદ્ધિ લાવે છે; પરંતુ કોઈ પણ રાષ્ટ્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જ્યારે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય ત્યારે નાણાંના પ્રમાણમાં વધારો કરવામાં આવે તો ભાવોમાં અનિવાર્ય રીતે વધારો થશે તેમ કહી શકાતું નથી, કેમ કે બેકાર સાધનોને કામે લગાડવાથી ઉત્પાદન અને રોજગારીમાં વધારો થતો હોય છે. તેથી શક્ય છે કે ભાવો વધે, પરંતુ નાણાંના પરિમાણમાં થયેલા વધારા જેટલા ન પણ વધે. પરંતુ લાંબે ગાળે ભાવસપાટીમાં થતાં પરિવર્તનો સમજાવવા માટે આ સિદ્ધાંત ઉપયોગી છે, કારણ કે લાંબે ગાળે ઉત્પાદનનાં તમામ સાધનો ઉત્પાદનકાર્યમાં રોકાઈ જતાં હોય છે અને લોકોનાં ખર્ચ કરવાનાં વલણો પણ બદલાતાં હોતાં નથી. તે સંજોગોમાં નાણાંના પુરવઠામાં થતો વધારો ભાવોમાં અવશ્ય વધારો લાવે છે.
રોકડ પુરાંતનો સિદ્ધાંત : આ સિદ્ધાંત ઇંગ્લડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલો છે. તેથી તે કેમ્બ્રિજ સમીકરણ તરીકે પણ ઓળખાય છે. આ સિદ્ધાંતમાં નાણાં માટેની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. જ્યારે ફિશરના સિદ્ધાંતમાં નાણાં માટેની માંગનું ઝાઝું વિશ્લેષણ કરવામાં આવ્યું નથી.
આ સિદ્ધાંત અનુસાર નાણું કેવળ વિનિમયનું માધ્યમ નથી, મૂલ્યસંચયના સાધન તરીકે પણ તે સેવા બજાવે છે. વિનિમય, સાવચેતીના હેતુ માટે લોકો નાણું હાથ ઉપર રાખવા માંગે છે. જો લોકોની રોકડપસંદગી વધી જાય તો નાણાં માટેની માંગ વધી જાય છે અને તેનાથી ઊલટું પણ બને. આમ છતાં આ સિદ્ધાંતમાં નાણાં માટેની માંગને ‘સ્થિર’ ધારી લેવામાં આવી હોવાથી અને પૂર્ણ રોજગારીની ધારણા હોવાથી નાણાંના પુરવઠામાં થતા ફેરફારો ભાવસપાટીના ફેરફારોનું કારણ બને છે. આ સિદ્ધાંતને નીચેના સમીકરણના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે :
અહીં P = ભાવસપાટી, M = નાણાંનો કુલ જથ્થો, K = R નો (વાસ્તવિક આવકનો) જે ભાગ લોકો હાથ ઉપર રાખવા ઇચ્છે છે તે દર્શાવે છે; જેમ કે, વગેરે, R = વાસ્તવિક આવક. આ સિદ્ધાંતમાં K અને Rને સ્થિર ધારવામાં આવ્યા હોવાથી M (નાણાંના જથ્થા)માં થતા વધારાના પ્રમાણમાં P (ભાવો)માં વધારો થાય છે.
મદનમોહન વૈષ્ણવ