નાણાકીય વર્ષ : હિસાબો સરભર કરવા માટે જે સમયગાળો નિર્ધારિત કરવામાં આવે છે તે એક પૂરા વર્ષનો સમયગાળો. નાણાકીય વર્ષ તારીખ-આધારિત વર્ષ કે પંચાંગના સમયગાળા સાથે એકરૂપ ન પણ હોય; દા. ત., ભારતમાં બ્રિટિશ શાસનકાળથી દર વર્ષે 1લી એપ્રિલથી નાણાકીય વર્ષની શરૂઆત થાય છે તથા તે પછીના વર્ષે 31 માર્ચે તે પૂરું થયેલું ગણાય છે. ઇંગ્લૅન્ડમાં એપ્રિલની 6ઠ્ઠી તારીખે નાણાકીય વર્ષની શરૂઆત થાય છે તથા તે પછીના વર્ષના એપ્રિલની 5મી તારીખે તે પૂરું થયેલું ગણાય છે. અમેરિકામાં જુલાઈની 1લી તારીખે નાણાકીય વર્ષની શરૂઆત થાય છે તથા તે પછીના વર્ષની 30 જૂને તે પૂરું થયેલું ગણાય છે. કરવેરાની ગણતરી, આકારણી અને વસૂલાત માટે નાણાકીય વર્ષનું વિશેષ મહત્વ હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે