નાચપ્પા, અશ્વિની (જ. 21 ઑક્ટોબર 1967, કુર્ગ) : ભારતની અગ્રણી મહિલા-દોડવીર. તેનો જન્મ ઝૂંપડપટ્ટીમાં થયેલો. બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી તે સારી દોડવીર હોવાથી તેને વિજયા બૅંકે પોતાના ક્રૅડિટ કાર્ડ-વિભાગમાં સામેથી નોકરી આપી હતી. ત્યારબાદ તેણે પત્રવ્યવહારના અભ્યાસક્રમ દ્વારા બી. એ.ની પદવી મેળવી હતી. જન્મ પછીના શરૂઆતનાં થોડાંક વર્ષો કૉલકાતામાં પસાર કર્યાં પછી તે બૅંગાલુરુ ખાતે સ્થાયી થઈ હતી; જ્યાં માત્ર આઠ વર્ષની ઉંમરે 1975માં તેણે પોતાની રમતગમત-ક્ષેત્રની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સોળ વર્ષની હતી ત્યારે તેણે 100 મીટરની દોડમાં બીજો નંબર મેળવ્યો હતો (1984). તેની આ પ્રશંસનીય સિદ્ધિ જોઈને 1984ના એશિયન રમત મહોત્સવમાં જુનિયર વર્ગનાં ખેલાડીઓમાં તેની ભારતની ટીમમાં પસંદગી થઈ હતી; તેમ છતાં કેન્દ્રીય ટીમ ઊપડવાની તૈયારી કરતી હતી ત્યારે છેલ્લી ઘડીએ અશ્વિનીને ટીમમાંથી પડતી મૂકવામાં આવી હતી. ત્યારપછી નેપાળના પાટનગર કાઠમાંડુમાં યોજાયેલ સાઉથ ઈસ્ટ એશિયાની રમતોના દોડવિભાગમાં સિનિયર નૅશનલ ટીમમાં તેની પસંદગી થઈ, જ્યાં તેણે રજત ચંદ્રક મેળવ્યો હતો. 1985–86માં ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તા ખાતે આયોજિત એશિયન ટ્રૅક ઍન્ડ ફિલ્ડ સ્પર્ધામાં તેણે તેની ક્રીડા-કારકિર્દીનો પ્રથમ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. 1985માં જાપાન ખાતે યોજાયેલા દુનિયાભરના વિશ્વવિદ્યાલયીન રમતોત્સવમાં ભારતની ટુકડીમાં તેની પસંદગી થઈ હતી, પરંતુ કોઈક કારણસર છેલ્લી ઘડીએ દિલ્હીના વિમાની મથકેથી તેને પાછી મોકલવામાં આવી હતી. 1987માં મૅંગલોર ખાતે આયોજિત અખિલ કેન્દ્રીય ક્રીડા-સ્પર્ધામાં 100 મીટર દોડમાં તેણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ત્યારબાદ તે જ વર્ષે સિંગાપુર ખાતે યોજાયેલ એશિયન ટ્રૅક ઇવેન્ટ્સ મહોત્સવમાં 4 100 મીટરની સ્પર્ધામાં તેણે સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. બીજા જ વર્ષે ઑક્ટોબર, 1988માં પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં આયોજિત સાઉથ-ઈસ્ટ એશિયન ફેડરેશનના રમતોત્સવમાં અશ્વિનીએ 100 મીટર અને 200 મીટર – આ બંને દોડમાં સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા. ત્યારબાદ દિલ્હી ખાતે આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટરની દોડસ્પર્ધામાં તેણે રજતચંદ્રક મેળવ્યો હતો. અત્યાર સુધી અશ્વિનીએ જેટલી દોડસ્પર્ધાઓમાં ભાગ લીધો હતો તે બધામાં, ઑલિમ્પિક રમતોનો અપવાદ બાદ કરતાં, ચંદ્રકો મેળવ્યા છે, જે એક અજોડ સિદ્ધિ ગણાય. અશ્વિની કબૂલ કરે છે કે તેની આ સિદ્ધિમાં તેના તાલીમ-પ્રશિક્ષકો (કૉચ) સુનીલ અબ્રાહમ અને રૂપિન દાસનો મોટો ફાળો છે. 1990માં તો તેણે ભારતની ‘શ્રેષ્ઠ ટ્રૅક-ક્વીન’ ગણાતી પી. ટી. ઉષાને પરાજિત કરી એક જાતનો વિક્રમ સ્થાપ્યો હતો એમ કહેવાય. 1991માં કૉલકાતા ખાતે યોજાયેલા ઓપન રાષ્ટ્રીય રમતોત્સવમાં સતત ત્રણ દિવસ જુદી જુદી રમતોમાં એક પછી એક ત્રણ સુવર્ણચંદ્રકો મેળવી એક લોકપ્રિય મહિલા-દોડવીર તરીકે તેણે ખ્યાતિ મેળવી હતી.
તેની આ સિદ્ધિઓ ધ્યાનમાં લઈને આંધ્રપ્રદેશના ચલચિત્રનિર્માતા રામોજીરાવે અશ્વિનીની જીવનકથા પર ‘અશ્વિની’ નામથી તેલુગુ ભાષામાં એક ચલચિત્રનું નિર્માણ કર્યું; જેમાં અશ્વિનીએ પોતે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. આ ચલચિત્ર દક્ષિણ ભારતમાં ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. આ ચલચિત્ર ત્યારપછી હિંદી ભાષામાં ઉતારવામાં (ડબ) આવ્યું હતું. ત્યારબાદ અશ્વિનીએ ‘આદર્શમ્’ નામના તેલુગુ ચલચિત્રમાં પણ અભિનય કરેલો.
અશ્વિનીને 1989ના વર્ષ માટેનો અર્જુન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો (1990). 1990માં તેણે આ ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. તેની બહેન પુષ્પા પણ સારી દોડવીર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે