નહેરુ (નેહરુ) બી. કે.
January, 1998
નહેરુ (નેહરુ), બી. કે. (જ. 4 સપ્ટેમ્બર 1909, અલ્લાહાબાદ, ઉ.પ્ર.; અ. 31 ઑક્ટોબર 2001, કસૌલી, હિમાચલપ્રદેશ) : ભારતીય રાજપુરુષ. આખું નામ બ્રિજકિશોર નહેરુ. બ્રિજલાલ અને રામેશ્વરી નહેરુના પુત્ર. બી.એસસી. સુધીનું તેમનું શિક્ષણ અલ્લાહાબાદ ખાતે થયું. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં બી.એસસી.ની ડિગ્રી હાંસલ કરી. તેઓ બેલિઓલ કૉલેજ(ઑક્સફર્ડ)માંથી પણ બી.એસસી. થયા. ત્યારબાદ તેમણે ઇનર ટેમ્પલમાંથી બાર-ઍટલૉની ઉપાધિ પ્રાપ્ત કરી. 1934માં ઇન્ડિયન સિવિલ સર્વિસ(I.C.S.)માં જોડાયા બાદ 1939 સુધી તેમણે પંજાબ પ્રાંતમાં જુદા જુદા હોદ્દાઓ પર રહીને સેવાઓ આપી.
1939માં તેઓ સરકારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને જમીન વિભાગમાં ઉપસચિવ તથા મધ્યસ્થ સમવાય ધારાસભામાં સભ્યપદે નિમાયા. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી તરીકે પણ તેમણે કામગીરી કરી (1939–40). 1940માં હિન્દ સરકારના નાણામંત્રાલયમાં નાયબ (under) સચિવ તરીકે તેમણે સેવાઓ આપી. 1949–54 સુધી તેઓ વર્લ્ડબૅન્ક(IBRD)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા વૉશિંગ્ટન ખાતેના ભારતીય દૂતાવાસમાં આર્થિક બાબતોના સચિવ તરીકે હતા. 1957–58માં આર્થિક બાબતોના મંત્રાલયમાં તેમની સચિવપદે નિમણૂક થઈ તથા 1958–61 સુધી આર્થિક બાબતોના કમિશનર તરીકે રહ્યા. 1961 દરમિયાન તેમણે અમેરિકા ખાતે ભારતીય રાજદૂત તરીકે સેવાઓ આપી. 1968–73 દરમિયાન તેઓ આસામ અને નાગાલૅન્ડના તથા 1972–73માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે રહ્યા. 1973–77 દરમિયાન બ્રિટન ખાતે હાઈકમિશનર તથા 1981–84 દરમિયાન જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું. એપ્રિલ, 1984થી ફેબ્રુઆરી, 1986 સુધી તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યું.
ભૂતકાળમાં તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ સંભાળ્યું હતું; દા. ત., ‘રિપેરેશન્સ પરિષદ’ (1945), ‘કૉમનવેલ્થ ફાઇનાન્સ મિનિસ્ટર્સ પરિષદ’, ‘યુનાઇટેડ નૅશન્સ જનરલ ઍસેમ્બ્લી’ (1942–52), ‘સ્ટર્લિંગ બૅલેન્સીઝ પરિષદ’ (1947–49), ‘એફ.એ.ઓ. પરિષદ’ (1947–90), ‘બાન્ડુંગ પરિષદ’ (1955), યુનાઇટેડ નેશન્સની વહીવટી અને અંદાજપત્રીય પ્રશ્નોને લગતી સલાહકાર સમિતિના સભ્ય (1951–53), સુદાન સરકારના સલાહકાર (1955), યુનાઇટેડ નૅશન્સની રોકાણો અંગેની સમિતિના સભ્ય (1977) વગેરે.
મિસૂરી વૅલી કૉલેજ, મિસિસિપી, જૅક્સનવિલ કૉલેજ, ફ્લૉરિડા યુનિવર્સિટી તથા પંજાબ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિઓ એનાયત કરવામાં આવી છે. લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સના ફેલો તરીકે પણ તેમણે કાર્ય કર્યું હતું. પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તકોમાં ‘સ્પીકિંગ ઑવ્ ઇન્ડિયા’, ‘ઑસ્ટ્રેલિયન ફેડરલ ફાઇનાન્સ’, ‘થૉટ્સ ઑન અવર પ્રેઝન્ટ ડિસ્કન્ટેન્ટ’ વિશેષ ઉલ્લેખનીય છે. જેમાં તેમણે પ્રકાશન વર્ષો દરમિયાનના પ્રજાકીય અસંતોષ અને સરકારના વ્યવહારની ચર્ચા કરી છે.
નવનીત દવે