નશીલા પાકો : જેની મુખ્ય કે ગૌણ પેદાશો નશો કે કેફ પેદા કરે તેવા પાકો. કેફી દ્રવ્યો(કેફ ચડાવે તેવાં)ને આયુર્વેદમાં મદકારી કહ્યાં છે. પ્રવૃત્તિશીલ ન હોય ત્યારે પણ માનવીનું મન સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતું હોવાથી તેને શારીરિક તેમજ માનસિક થાક લાગે છે. આ પરિસ્થિતિમાં શરીર અને મનનો થાક ઉતારવા અને સ્ફૂર્તિ મેળવવા માટે તે કેફી દ્રવ્યોનું સેવન કરવા પ્રેરાય છે. આવાં દ્રવ્યો સમજપૂર્વક મર્યાદામાં રહીને વપરાય તો હાનિકારક બનતાં નથી. પરંતુ વધુ પડતા સેવનથી તેની લત લાગી જાય છે અને બંધાણી બની જવાય છે. આ હાનિકર્તા નીવડે છે.
અગત્યના નશીલા પાકોમાં તમાકુ, ભાંગ-ગાંજો, ચરસ, અફીણ અને ધતૂરાનો સમાવેશ થાય છે.
દ્વિદળી વર્ગના કુળ કેનાબિનેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ cannabis sativa Linn., અં. True Hemp or Soft Hemp; ગુ. ભાંગ, ગાંજો, ચરસ છે. તેનો છોડ સદાપર્ણી ક્ષુપ અથવા વૃક્ષ છે. પાન સાદાં, ભાલાકાર અને કરવતના દાંતા જેવી કિનારીવાળાં, ફૂલ દ્વિલિંગી અને ફળ પ્રાવરીય (capsular) છે.
1. તમાકુ (tobacco) : તમાકુની 60 જાતિઓમાંથી Nicotiana tabacum અને Nicotiana rustica જાતિઓ વવાય છે. ટેબેકમના છોડ ઊંચા, પાન પહોળાં અને ફૂલ આછાં ગુલાબી, જ્યારે રસ્ટિકાના છોડ નાના, પાન ગોળ અને કરચલીવાળાં તથા ફૂલ પીળા રંગનાં હોય છે. તમાકુનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે.
પ્રદેશ અને વિસ્તાર : દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ક્યૂબા, સુમાત્રા, ભારત અને બ્રાઝિલમાં તમાકુ વવાય છે. યુ. એસ.માં વર્જિનિયામાં સિગારેટ માટેની તમાકુ વવાય છે. ભારતમાં મુખ્યત્વે તમિળનાડુ, કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બીડી-તમાકુનું, જ્યારે બિહાર, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં કલકત્તી અથવા વિલાયતી (રસ્ટિકા) તમાકુનું વાવેતર થાય છે. ભારતમાં તમાકુનો કુલ વિસ્તાર 4.2 લાખ હેક્ટર અને ઉત્પાદન 5.8 લાખ ટન છે.
આબોહવા અને જમીન : બીડી-તમાકુની સફળ ખેતી માટે ચાર-પાંચ માસ સુધી 21°થી 31° સે. તાપમાન અને 750થી 950 મિમી. સારો વહેંચાયેલો વરસાદ જરૂરી છે.
સારી નિતારશક્તિ, સારી ભેજસંગ્રહશક્તિ અને 5.5થી 6.5 અમ્લતાના આંકવાળી જમીનો તમાકુને અનુકૂળ છે. ગોરાડુ, બેસર અને ભાઠાની જમીન ઉત્તમ છે.
જાતો : આણંદ–2, આણંદ–119, ગુજરાત તમાકુ–4, ગુજરાત તમાકુ–5, ગુજરાત તમાકુ–6, ગુજરાત તમાકુ–7, અને બી.ટી.એચ–112 બીડીતમાકુની જાતો છે. કલકત્તી–1 અને કલકત્તી–2 કલકત્તી તમાકુની જાતો છે.
સંવર્ધન અને વાવેતર : સંવર્ધન બીજથી થાય છે. બીડી-તમાકુની રોપણી 90 60 સેમી.ના અંતરે ઑગસ્ટના બીજા પખવાડિયામાં અને કલકત્તી તમાકુની રોપણી 60 60 સેમી. અથવા 60 45 સેમી.ના અંતરે ઑક્ટોબર-નવેમ્બરમાં ધરુ રોપીને કરવામાં આવે છે.
પિયત : ચોમાસા બાદ વીસેક દિવસના ગાળે 4થી 5 પિયત આપવામાં આવે છે. વાકુંબાનો ઉપદ્રવ ઓછો રહે તે માટે નવેમ્બર-ડિસેમ્બરમાં પાણી આપવાનું ટાળવું પડે છે.
ખાતરો : હેક્ટરદીઠ 12.5 ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે અપાય છે. બીડી-તમાકુમાં હેક્ટરદીઠ 160 કિગ્રા નાઇટ્રોજન રોપણી પહેલાં અને 20 કિગ્રા. નાઇટ્રોજન રોપણી બાદ પંદર દિવસે જ્યારે કલકત્તી તમાકુમાં હેક્ટરદીઠ 100 કિગ્રા. નાઇટ્રોજન રોપણી પહેલાં અને 100 કિગ્રા. નાઇટ્રોજન રોપણી બાદ પંદર દિવસે આપવામાં આવે છે.
ખૂંટણી કરવી તથા પીલાં કાઢવાં : આણંદ –2, આણંદ–119 અને ગુજરાત તમાકુ–4માં 18થી 20 પાને અને ગુજરાત તમાકુ–5 અને ગુજરાત તમાકુ–7 માં 22થી 24 પાને ખૂંટણી કરવામાં આવે છે. ખૂંટણી પછી કાપણી સુધી પર્ણકક્ષમાંથી નીકળતાં પીલાં દર અઠવાડિયે કાઢવાં પડે છે.
પાકસંરક્ષણ : તમાકુની મુખ્ય જીવાતો જેવી કે પાન ખાનારી ઇયળ, ગાંઠિયા-ઇયળ, થડ કાપનાર ઇયળ તથા ચીતરો, કાળપગો, કોકડવા, પંચરંગિયો, કૃમિ તથા વાકુંબો જેવા રોગો યોગ્ય પાકસંરક્ષણના ઉપાયોથી કાબૂમાં આવે છે.
કાપણી : છૂટક પાન પાડીને કે આખા છોડ કાપીને અથવા ઘૂઘરા પદ્ધતિથી કાપણી કરવામાં આવે છે.
ઉત્પાદન : હેક્ટરે 1500થી 1600 કિગ્રા. તમાકુ.
ઉપયોગ : બીડી-તમાકુ, બીડી-સિગારેટ, ચિરૂટ, હુક્કા તથા છીંકણી માટે વપરાય છે. તેની પત્તી બનાવતાં નીકળતા દડમાંથી નિકોટીન, સોલેનોસોલ, ઑક્ઝેલિક ઍસિડ, મેલિક ઍસિડ જેવાં રસાયણો મળે છે. તમાકુના પાનમાંથી ઊંચી ગુણવત્તાવાળું ખાદ્ય પ્રોટીન મળે છે. કલકત્તી તમાકુ ખાવામાં, હુક્કામાં તથા છીંકણી માટે વપરાય છે. તમાકુનો વધુ પડતો ઉપયોગ તંદુરસ્તીને નુકસાનકારક છે.
2. અફીણ (opium) : પેપાવરેસી કુળની લગભગ 50 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 6 જાતિઓ થાય છે. તેમાં ખસખસ (opium poppy અથવા white poppy) અગત્યની છે. તેનું વૈજ્ઞાનિક નામ Papaver Somniferum Linn. છે અને ઉદ્ભવસ્થાન ભૂમધ્ય પ્રદેશ છે. ઓપિયમ પોપીનો છોડ સીધો વધતો, ભાગ્યે જ ડાળીઓવાળો, 0.60થી 1.20 મી. ઊંચો અને વર્ષાયુ છે. પાન લંબગોળ, મોટાં, આછાંવાદળી અથવા સફેદ કે જાંબુડિયા રંગનાં અને ફળ ગોળાકાર અને 2.5 સેમી. વ્યાસનાં હોય છે.
પ્રદેશ અને વિસ્તાર : ઇજિપ્ત, ઇટાલી, ઈરાન, ગ્રીસ, તુર્કી, રોમ, બલ્ગેરિયા, ચીન, રશિયા, ભારત અને યુગોસ્લાવિયામાં વવાય છે. ભારતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં લગભગ 1.20 લાખ હેક્ટરમાં વવાય છે. વિસ્તાર અને ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વના અફીણ ઉગાડતા દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે.
આબોહવા અને જમીન : શીતકટિબંધનો પાક છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં શિયાળામાં ઉગાડી શકાય છે. ઠંડું, પૂરતા સૂર્યપ્રકાશવાળું તેમજ વાદળ અને વરસાદ વિનાનું હવામાન આદર્શ ગણાય છે.
ફળદ્રૂપ, સારો નિતાર અને 7.0ની આસપાસ અમ્લતાનો આંક ધરાવતી હલકી રેતાળ જમીન અનુકૂળ છે.
જાતો : ગેલેરીઆ, ગોટીઆ, તેલીઆ અને કસ્તૂરી જાતો ભારતમાં વવાય છે.
સંવર્ધન અને વાવેતર : સંવર્ધન બીજથી થાય છે. બીજ સાથે ઝીણી રેતી ભેળવીને પૂંખીને કે 30 સેમી.ના અંતરે ઓરીને વવાય છે. પૂંખવા માટે હેક્ટરે 7.8 કિગ્રા. અને ઓરવા માટે 4–5 કિગ્રા. બીજ જોઈએ છે.
પારવણી : છોડ 5થી 6 સેમી. ઊંચા થયેથી, બે છોડ વચ્ચે 30 સેમી. અંતર રાખી પારવણી કરવામાં આવે છે.
પિયત : વાવણી બાદ તરત જ અને ત્યારબાદ અઠવાડિયા પછી બીજું હળવું પાણી અપાય છે. ત્યારપછી 12થી 15 દિવસે અને ફૂલફળ બેસવાની શરૂઆત થતાં 8–10 દિવસે પિયત અપાય છે.
ખાતરો : આ પાકને હેક્ટરદીઠ નીચેનાં ખાતરો આપવામાં આવે છે. જમીન તૈયાર કરતી વખતે 20 ટન છાણિયું ખાતર, વાવણી વખતે 30–40 કિગ્રા. નાઇટ્રોજન અને 40થી 50 કિગ્રા. ફૉસ્ફરસ. પૂર્તિખાતર તરીકે 30–40 કિગ્રા. નાઇટ્રોજન.
પાકસંરક્ષણ : છોડ કાપનાર ઇયળો અને મોલોની જીવાત તથા ભૂકી છારો અને મૂળના કોહવારાનો રોગ યોગ્ય પાકસંરક્ષણના ઉપાયોથી કાબૂમાં આવે છે.
દૂધ જેવો રસ (લેટેક્સ) એકત્ર કરવો : ફળોમાં સવારે આઠ વાગ્યા પહેલાં ચપ્પુથી છેદ પાડીને ઝમતા દૂધ જેવા રસને એકઠો કરી સૂકવવાથી અફીણ તૈયાર થાય છે.
કાપણી : ફળ પર છેદ મારતાં દૂધ જેવું પ્રવાહી નીકળતું બંધ થાય ત્યારપછી 20–25 દિવસ બાદ ફળ વીણી લઈ સૂકવીને બીજ કાઢવામાં આવે છે, જે ખસખસ કહેવાય છે. તેમાંથી તેલ પણ મળે છે તેમાં કેફી તત્વ હોતું નથી.
ઉત્પાદન : હેક્ટરે 50–60 કિગ્રા. કાચું અફીણ મળે છે જે મુખ્ય પેદાશ છે. અફીણમાંથી મૉર્ફિન, કોડેઇન જેવાં આલ્કલૉઇડ મેળવી શકાય છે.
ઉપયોગ : અફીણ કેફી દ્રવ્ય છે. શરીર પર માદક અસર કરતું હોવાથી નશા માટે ખાવામાં, કસૂંબો બનાવીને કે હુક્કામાં ધૂમ્રપાન માટે વપરાય છે. તે ઔષધોની બનાવટમાં પણ વપરાય છે. અફીણમાં રહેલ મૉર્ફિનનાં ઇન્જેકશનો વા, પથરી તથા ઑપરેશનનો દુખાવો મટાડવા વપરાય છે. અફીણનું વધુપડતું સેવન નુકસાનકારક છે.
3. ભાંગ, ગાંજો અને ચરસ (True Hemp, Soft Hemp) : કેનાબિનેસી કુળની Cannabis Sativa Linn. જાતિના ભાંગ (true hemp અથવા Marijuane અથવા soft hemp) નામના છોડમાંથી મળતાં દ્રવ્યો. વનસ્પતિનું ઉદ્ભવસ્થાન પશ્ચિમ અને મધ્ય એશિયા છે. આ છોડ વર્ષાયુ અને દ્વિગૃહી (dioecious) છે. જવલ્લે એકગૃહી (monoecious) હોય છે. થડ કોણવાળું, પાન સામસામે ગોઠવાયેલાં અને વિભાજનવાળાં, ફૂલ લીલાશ પડતાં હોય છે. નર ફૂલ લાંબી ઝૂકેલી ડાળીમાં અને માદા ફૂલ પર્ણ કક્ષમાં બેસે છે. છોડના તમામ ભાગો રુવાંટીથી છવાયેલા અને વિશિષ્ટ ગંધ ધરાવે છે. સૂકાં પાન તથા નર-માદા ફૂલની દાંડીની ભાંગ બને છે. માદા-છોડનાં ફૂલોના ટોચના ભાગોમાંથી ગાંજો બને છે. પાન પર ઝમતું રેઝિન જેવું ચીકણું દ્રવ્ય ચરસ કહેવાય છે. ફૂલ ઉત્પન્ન થાય તે પહેલાં તે દેખાય છે.
પ્રદેશ અને વિસ્તાર : મુખ્યત્વે યુરોપમાં તથા ચીન, જાપાન અને અમેરિકાના કેટલાક ભાગોમાં વેપારી ધોરણે વવાય છે. ભારતમાં અલમોડા, ગઢવાલ અને નૈનિતાલ જિલ્લાઓમાં તેમજ કાશ્મીરમાં રેસા માટે ખેતી થાય છે.
આબોહવા અને જમીન : આ પાકને ઉષ્ણકટિબંધનું, હળવા ભેજવાળું હવામાન અને વૃદ્ધિકાળ દરમિયાન 15.5°થી 26.7° સે. તાપમાન અનુકૂળ છે. હલકી રેતાળ કે ગોરાડુ ફળદ્રૂપ જમીન સારી ગણાય છે.
જાતો : ગાંજા માટે પુસા ટાઇપ–1 અને ટાઇપ–2 જાતો આશાસ્પદ જણાયેલ છે. આ જાતોમાં માદા છોડનું પ્રમાણ વધારે છે.
સંવર્ધન અને વાવેતર : સંવર્ધન બીજથી થાય છે. જૂન-જુલાઈમાં બે હાર વચ્ચે 120 સેમી.નું અંતર રાખી વવાય છે. હેક્ટરે 6થી 8 કિગ્રા. બીજ જોઈએ છે.
પારવણી : છોડ વીસેક સેમી. ઊંચા થયેથી યોગ્ય અંતર રાખી પારવણી કરાય છે.
પિયત : જરૂર અનુસાર પિયત અપાય છે.
અન્ય માવજત : (1) છોડનો વિકાસ થાય તેમ તેમ નીચેની ડાળીઓ કાપતાં રહેવું પડે છે. (2) નવેમ્બરમાં ફૂલ આવે ત્યારે નર છોડ કાઢી નાખવા પડે છે.
કાપણી : ગાંજા માટે, છોડનાં નીચેનાં પાન ખરી પડે અને પુષ્પદંડની ટોચ પીળી પડવાની શરૂઆત થાય ત્યારે ફૂલની દાંડલીઓ કાપીને સૂકવવામાં આવે છે.
ઉત્પાદન : હેક્ટરે 300થી 350 કિગ્રા. ગાંજાનો ઉતારો મળે છે.
ઉપયોગ : ભાંગને પીસીને તેમાં સાકર, તેજાના અને દૂધ ઉમેરીને બનાવેલ પીણું નશા માટે પિવાય છે. ગાંજો તથા ચરસ ધૂમ્રપાન માટે વપરાય છે. ચરસમાંથી ‘હશીશ’ બનાવવામાં આવે છે. ભાંગ અને ગાંજા કરતાં ચરસ વધુ માદક છે. આ દ્રવ્યો મર્યાદિત માત્રામાં માનવજાત માટે ઉપકારક છે, પરંતુ નશીલાં દ્રવ્યો તરીકે વધુ માત્રામાં સેવન કરવાથી હાનિકારક છે. આ વનસ્પતિના રેસા કૅન્વાસ તથા દોરડાં બનાવવા તેમજ બીજમાંથી મળતું તેલ સાબુ બનાવવા તથા રંગ-ઉદ્યોગમાં વપરાય છે.
4. ધતૂરો (Datura) : ધતૂરાની કુલ 15 જાતિઓ પૈકી ભારતમાં 10 જાતિઓ થાય છે, જેમાં Datura innoxia, Datura metal અને Datura stramonium ઔષધની દૃષ્ટિએ મહત્ત્વની છે. ધતૂરાનું કૂળ સોલેનસી અને મૂળ વતન મેક્સિકો છે. દતૂરા ઇનોક્સીઆના છોડ વર્ષાયુ અને 0.90થી 1.20 મી. ઊંચા, ફળ લાંબાં, કાંટાવાળાં અને ખાના પરથી નિયમિત ફાટે છે. દતૂરા મેટલના છોડ ફેલાયેલા ક્ષુપ છે. તેનાં ફળ અનિયમિત રીતે ફાટે છે.
પ્રદેશ અને વિસ્તાર : એશિયા અને યુરોપના લગભગ બધા ભાગોમાં તથા ભારતમાં પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં અને કેટલાક અન્ય ભાગોમાં ધતૂરો થાય છે.
આબોહવા અને જમીન : દતૂરા ઇનોક્સીઆને ઠંડું અને દતૂરા મેટલને ગરમ હવામાન માફક આવે છે. ધતૂરો વિવિધ જમીનોમાં થાય છે.
જાતો : દતૂરા મેટલની સુધારેલ જાતો આર.આર.એલ.પર્પલ અને આર.આર.એલ.ગ્રીન છે. દતૂરા ઇનોક્સીઆની સુધારેલ જાતો નથી.
સંવર્ધન અને વાવેતર : ધતૂરાનું સંવર્ધન બીજથી થાય છે. બે હાર વચ્ચે 1.00 મી. અંતર રાખીને સીધેસીધાં બીજ વાવી, છોડ 10–12 સેમી. ઊંચાઈના થયેથી બે છોડ વચ્ચે 0.70થી 0.90 મી. અંતર રાખી પારવણી કરવામાં આવે છે. ધરુ દ્વારા થતા વાવેતરમાં 1.00 0.70થી 0.90મી.ના અંતરે ધરુ રોપવામાં આવે છે. દતૂરા ઇનોક્સીઆ શિયાળુ પાક અને દતૂરા મેટલ ઉનાળુ પાક તરીકે વવાય છે.
ખાતરો : વાવણી પહેલાં હેક્ટરે 25 કિગ્રા. નાઇટ્રોજન, 50 કિગ્રા. ફૉસ્ફરસ અને 25 કિગ્રા. પોટાશ આપવામાં આવે છે.
કાપણી : લીલા રંગનાં પૂર્ણ વિકસેલ ફળોની બે-ત્રણ વીણી કરવામાં આવે છે.
ઉત્પાદન : હેક્ટરે 1200થી 1700 કિગ્રા. સૂકાં બીજ મળે છે.
ઉપયોગ : ધતૂરાનાં પાન અને બીજની બીડી બનાવી ચલમ-હુક્કામાં નાખી ધૂમ્રપાન માટે વપરાય છે. પાન તથા બીજ શ્વાસનળીના રોગીઓ માટે અકસીર ઔષધિ ગણાય છે. ધતૂરામાં રહેલ સ્કોપોલેમાઇન નામનું આલ્કલૉઇડ શસ્ત્રક્રિયા તથા બાળકોના જન્મસમયે વેદનાહર (angesthesia) તરીકે વપરાય છે. ધતૂરાનાં બીજના સેવનથી માણસ મગજની સમતુલા ગુમાવે છે અને તેને લીધે મૃત્યુ પણ નીપજે છે.
ચન્દ્રકાન્ત દીક્ષિત