નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે. જો આ અનુભવ જે તે પરિસ્થિતિમાં વ્યક્તિને પસંદ પડે તો તે વ્યક્તિ તેની પ્રકૃતિના કારણે તે પદાર્થનું સેવન ફરી ફરી કરવા પ્રેરાય છે.
ઘણી વાર વ્યસન અને નશાખોરીને એકબીજાના પર્યાય સમજવામાં આવે છે. હકીકતમાં વ્યસની અને નશાખોર વ્યક્તિઓ વચ્ચે તફાવત છે. અલબત્ત કેટલીક વ્યક્તિઓ બંને જૂથમાં હોઈ શકે. વ્યસન એ કેફી પદાર્થના વારંવાર સેવનથી પેદા થતી પરિસ્થિતિ છે, જેમાં વ્યક્તિને સેવનના અભાવે દૈહિક અને/અથવા માનસિક તકલીફો પડે છે અને પદાર્થની માદક અસર ન થાય તેટલી ઓછી માત્રાના સેવનથી પણ આ તકલીફો બંધ થઈ શકે છે. જ્યારે નશાખોરી માત્ર તેની માદક અસરના અનુભવ માટે જ થાય છે અને સેવનના અભાવે કોઈ તકલીફ પડતી નથી. અલબત્ત, નશાખોરી વ્યસનમાં પરિણમે છે તેવું સામાન્યત: જોવા મળે છે.
માનવજાતે ઉત્ક્રાંતિકાળ દરમિયાન વિવિધ વનસ્પતિઓનો અને પદાર્થોનો તેની માદક અસરો માટે ઉપયોગ કરેલો છે. ભારતમાં વેદકાળમાં સોમરસનો ઉપયોગ થતો નોંધાયો છે, જે એક વનસ્પતિની પેદાશ છે. મધ્યયુગના એશિયા અને યુરોપના પ્રવાસીઓએ ચા-કૉફી, કોકોનાં પત્તાં, તમાકુનાં પાન વગેરેનો માદક પદાર્થ તરીકે ઉપયોગ અને પ્રસાર કર્યાની નોંધ વિવિધ સ્રોતોમાંથી મળી રહે છે. શર્કરાયુક્ત કાર્બોદિત પદાર્થોને આથવીને આસવ મદ્યાર્ક બનાવવાની પદ્ધતિ પણ અતિપ્રાચીન છે. આજના ઔદ્યોગિક અને રાસાયણિક ક્રાંતિના સમયમાં માનવસર્જિત (synthetic) અને અંશત: માનવસર્જિત (semi-synthetic) રસાયણોનો અખતરો પણ માનવસમાજે નશો કરવા માટે કર્યો છે.
હાલમાં વપરાતા માદક પદાર્થો અને તેમની અસર નશાખોરીના સંદર્ભમાં સમજવી જરૂરી છે.
(1) તમાકુ : આજે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો માદક પદાર્થ તમાકુ છે. તે નિકોટીઆના ટેબેકમ નામના છોડનાં પાંદડાં છે. તેમાં રહેલું નિકોટિન નામનું રસાયણ ચેતાતંત્ર દ્વારા મનોદૈહિક ઉત્તેજના પેદા કરે છે. તેનું સેવન સૂંઘીને, ચૂના જોડે મિશ્રણ સ્વરૂપે ચાવીને અથવા ધૂમ્રપાન સ્વરૂપે થાય છે. તેમાં નિકોટિન ઉપરાંત આશરે ચાર હજાર જેટલાં વિવિધ રસાયણો છે, જેમાંથી ઓછામાં ઓછાં પચાસ જેટલાં કૅન્સર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. વળી તે રસાયણો ઘણાં ઝેરી પણ હોય છે. તમાકુનું લાંબા ગાળાનું સેવન કૅન્સર અને રુધિરાભિસરણતંત્રના રોગો ઉપરાંત પુરુષની શુક્રાણુઓ પેદા કરવાની ક્ષમતા ઘટાડવાનું પણ કાર્ય કરે છે.
તમાકુનું સેવન બંધ કરવાથી થોડાક દિવસ પૂરતું પેટનો ગૅસ, હળવી કબજિયાત કે માનસિક તણાવનો અનુભવ થાય છે, જે કોઈ પણ સારવાર લીધા વગર પણ જતો રહે છે. આમ તમાકુનું બંધાણ માત્ર મન મક્કમ કરવાથી પણ છૂટી શકે છે.
(2) દારૂ : શર્કરાયુક્ત પદાર્થોમાં યીસ્ટ વડે આથો આવતાં શર્કરાનું આલ્કોહૉલમાં રૂપાંતર થાય છે. આ સંમિશ્રણનું નિસ્યંદન કરતાં ઇથાઇલ આલ્કોહૉલ છૂટો પડે છે. તે માદક ગુણધર્મ ધરાવે છે.
મૂળભૂત રીતે દારૂ એ ચેતાતંત્ર માટે શામક પદાર્થ છે. તેના સેવન વડે માણસની વ્યાવહારિક વિચારશક્તિ પણ ક્ષીણ થાય છે. તેથી દારૂના નશામાં વ્યક્તિ ઘણી વાર ઉત્તેજિત થઈને અજુગતું વર્તન પણ કરી શકે છે.
દારૂનું લાંબા ગાળાનું સેવન યકૃત અને મગજના કોષોને તેમજ રુધિરાભિસરણતંત્રને નુકસાન કરે છે. તેથી યકૃતનો સીરોસીસ, મગજનો ઘસારો અને લોહીની નળીઓની સાંકડા થવાની પ્રક્રિયા જોવા મળે છે. તેને કારણે હૃદયરોગ, પક્ષાઘાત વગેરે થાય છે. વળી અન્નનળી અને જઠરનું કૅન્સર પણ દારૂના વ્યસનીઓમાં વધુ માત્રામાં જોવા મળે છે.
(3) કેનાબીસ પદાર્થો : ભાંગ, ગાંજો અને ચરસ એક જ છોડ કેનાબીસ સેટીવા અથવા કેનાબીસ ઇન્ડિકાના અલગ અલગ ભાગમાંથી બને છે. દરેકની માદકશક્તિ ભિન્ન છે; પરંતુ ઓછેવત્તે અંશે અસર એકસરખી જ છે. તે ચેતાતંત્ર માટે શામક પદાર્થો છે. તેના પરનું અવલંબન શારીરિક સ્તરે થતું નથી, માનસિક સ્તરે થાય છે.
(4) અફીણ અને અફીણજન્ય પદાર્થો (opium and opioids) : પેપાવર સોમનીફેરમ નામની વનસ્પતિનાં જીંડવાં ઉપર કાપા મૂકતાં દૂધ જેવો પદાર્થ ઝરે છે, જે થોડાક કલાકમાં જામી જઈને કાળો ચીકણો ગુંદર જેવો બની રહે છે. આ પદાર્થ અફીણ તરીકે ઓળખાય છે. અફીણમાં વિવિધ રસાયણો હોય છે. જેમાંનાં મૉર્ફિન અને કોડેઇન આદત પેદા કરી શકે તેવાં છે. બંનેનો જો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તેઓ ઉત્તમ વૈદ્યકીય ગુણધર્મો ધરાવે છે.
અફીણ કુટુંબના નીચે મુજબના પદાર્થો નશાખોરી માટે પ્રચલિત છે.
કુદરતી પદાર્થો–કાચા : અફીણ, પોસનાં ડોડવાં (જીંડવાં), શુદ્ધ મૉર્ફિન, કોડેઇન.
અર્ધમાનવસર્જિત (semi-synthetic) : પેથેડીન, હેરોઇન.
માનવસર્જિત (synthetic) : પેન્ટાઝોસીન, મેથાડોન, ન્યુપ્રીનોરફીન, ડેકસ્ટ્રોપ્રોપોક્સિફેઇમ વગેરે.
આજના સમયનો સૌથી ચર્ચાસ્પદ માદક પદાર્થ બ્રાઉનશુગર એ હેરોઇનનું બજારુ સંમિશ્રણ છે. તેમાં વિવિધ તત્વોની ભેળસેળ કરવામાં આવે છે. તેનું સેવન ધૂમ્રપાન સ્વરૂપે અથવા ઍલ્યુમિનિયમ ફૉઇલ ઉપર નીચેથી ગરમ કરીને સીધી વરાળ સ્વરૂપે ‘ચેઈઝ’ કરીને કરવામાં આવે છે. ઘણા વ્યસનીઓ તેને ચૂનામાં ઓગાળીને નસવાટે ઇન્જેક્શન સ્વરૂપે પણ લે છે. ઉધરસની દવામાં કોડેઇન આવતું હોઈ નશાખોરો મોટી માત્રામાં કફસિરપનું સેવન કરતા જોવામાં આવ્યા છે.
(5) ચિંતાશામક ઔષધો અને ઘેનની દવાઓ (anxiolytic & hypnotic drugs) : માનસિક તાણ ઘટાડવા અને ઊંઘ લાવવા વપરાતી દવાઓનો પણ નશાખોરીમાં ઉપયોગ થાય છે. મેન્ડ્રેક્સના બજારુ નામથી ઓળખાતી દવા જે મેથાક્વોલોન છે તે આજકાલ ઘણી ચર્ચાસ્પદ છે. તદુપરાંત જાણ્યેઅજાણ્યે ડાયોઝેપામ, લોરાઝેપામ, બારબીચ્યુરેટ્સ, આલ્પ્રાઝોલામ વગેરેનું સેવન થતું જોવા મળે છે.
(6) કોકેન : કોકો વૃક્ષનાં પાંદડાંનો સદીઓથી મધ્ય અને દક્ષિણ અમેરિકાના લોકો ઉત્તેજના માટે ઉપયોગ કરતા હતા. તેમાંથી બનતો પદાર્થ કોકેન કહેવાય છે. હાલમાં પશ્ચિમના દેશોમાં ખૂબ જ પ્રચલિત નશીલો પદાર્થ છે. ભારતમાં પણ વધુ ને વધુ પ્રચલિત થતો જાય છે.
(7) અન્ય પદાર્થો : એલ.એસ.ડી; સાયલોસીબીન જેવા ભ્રમણા પેદા કરતા પદાર્થો (hallucinogen), પેટ્રોલ, ઔદ્યોગિક દ્રાવકો, ગ્લૂ વગેરે જેવા ઘરગથ્થુ પદાર્થોનો પણ સૂંઘીને નશો કરવામાં ઉપયોગ કરવામાં આવે છે.
ઘણી વાર અમુક વિષયુક્ત સાપ, વીંછી વગેરેના ડંખના નશા કરનારના પણ કેટલાક દાખલા સાંભળવા મળે છે.
નશાખોરીનાં કારણો : નશાખોરી શરૂ થવાનું સર્વસામાન્ય કારણ સોબતની અસર હોવાનું જણાયું છે. અલબત્ત, આની સાથે વ્યક્તિની મન:સ્થિતિ, તેનો માનસિક અભિગમ, કુટુંબનું વાતાવરણ, સામાજિક પરિસ્થિતિ વગેરેનો પણ ફાળો હોય છે.
અમુક રોગોની સારવાર દરમિયાન અપાતાં ઔષધો અમર્યાદિત રીતે લેવાથી પણ વ્યક્તિ વ્યસની કે નશાખોર બને છે.
સમાજની તૂટતી કુટુંબવ્યવસ્થા, અનુકરણ કરવા લાયક યોગ્ય પ્રતિભાઓનો અભાવ વગેરે અગત્યનાં સામાજિક કારણો છે. યોગ્ય પ્રતિભાઓના અભાવને કારણે વ્યક્તિને ઘણી વાર જૂથસ્વીકૃતિ માટે માદક પદાર્થના સેવનની જરૂર પડે છે, જે નશાખોરી તરફ દોરી જાય છે.
કોઈ એક ચોક્કસ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓ નશાખોર બને છે એવું શોધી શકાયું નથી; પરંતુ અનેક માનસિક રોગો અને માનસિક વિકારોને નશાખોરી સાથે સાંકળી શકાયાં છે.
નશાખોરને ઓળખવા માટેનાં લક્ષણો : નશાખોરી વિવિધ સામાજિક, શારીરિક અને માનસિક તકલીફો ઉત્પન્ન કરે છે તે જાણીતું છે. આથી નશાખોરને શોધી તેને નશાથી દૂર રાખવા પ્રયત્ન કરવો જરૂરી છે. નીચે જણાવેલા મુદ્દા નશાખોરની ઓળખ માટે મદદરૂપ બને છે :
(1) માદક પદાર્થોની હાજરી, (2) વ્યક્તિના સ્વભાવ અને વિચારસરણીમાં અચાનક પરિવર્તન આવવું, (3) શિસ્ત અને મર્યાદા સામે અચાનક વિરોધ થવો, (4) મિત્રો અને સંબંધીઓ જોડેના સંબંધમાં ફેરફાર, (5) અચાનક ગુસ્સો આવવો, પ્રતિબંધોની અવગણના કરવી, (6) કોઈ પણ જાણીતા કારણ વગર દેવું કરવું કે વારંવાર પૈસા ઉછીના લેવા, (7) પોતાની પ્રવૃત્તિઓ ઉપર વધુ પડતી ગુપ્તતા રાખવી અને (8) નવા શંકાસ્પદ ચારિત્ર્યવાળા મિત્રો થવા.
રમતગમત અને ‘ડ્રગ્ઝ’ : નશાખોરીની આ નોંધમાં રમતગમતમાં વપરાતા પદાર્થોનો ઉલ્લેખ જરૂરી છે. આ પદાર્થો માદક નથી, પરંતુ સ્નાયુઓ વિકાસ પામે, તાકાત વધે અને થાક મોડો લાગે તે હેતુથી લેવાતા એનાબોલિક સ્ટીરૉઇડો છે. ખેલાડીઓ દ્વારા થતા તેના ઉપયોગ ઉપરના પ્રતિબંધનો હેતુ બે હરીફોની માત્ર કુદરતી તાકાતની ચકાસણી થાય તે જોવાનો છે.
ભારતમાં નશામુક્તિ અભિયાન : ભારતે નશાખોરીને એક સામાજિક દૂષણ તરીકે લાંબા સમયથી સ્વીકાર્યું છે. વિવિધ સંગઠનો ઘણાં વર્ષોથી માદક પદાર્થોના ઉપયોગ સામે પ્રવૃત્તિ કરે છે. તેનાં હકારાત્મક પરિણામો આજે જોવા મળે છે. કાનૂની રીતે શરાબબંધી ચર્ચાસ્પદ રહી છે. 1997થી ભારતના ગુજરાત અને હરિયાણા જેવાં રાજ્યોમાં સંપૂર્ણ નશાબંધી દાખલ કરેલી છે. ભારતનાં અન્ય બધાં જ રાજ્યોમાં દારૂ સિવાયના મોટાભાગના માદક પદાર્થો ઉપર પ્રતિબંધો છે. નશો કરનાર વ્યક્તિને નશામુક્ત કરવાનું અભિયાન પણ વિવિધ સંસ્થાઓ કેન્દ્ર સરકારની મદદ વડે અથવા પોતાનાં સાધનો વડે ચલાવે છે.
હેમાંગ સિદ્ધાર્થ દેસાઈ