નવસોરી, હબીબુલ્લાહ (જ. 1555; અ. 1617) : કાશ્મીરી કવિ. મધ્યકાલીન યુગના આ અગ્રગણ્ય સૂફી કવિની કવિતા પર સૂફી સંત-કવિઓના પ્રભાવની સાથોસાથ કાશ્મીરનાં ભક્તકવયિત્રી લલ્લેશ્વરીનો પ્રભાવ હતો. આથી એમની કવિતામાં હિંદુ અને મુસ્લિમ બંનેના અધ્યાત્મવાદનો સમન્વય જોવા મળે છે. એમાં પ્રેમભક્તિનાં અને ઇશ્કે મિજાજીનાં કાવ્યો છે. એમાં પ્રભુ પોતાના પ્રેમની આરજૂનો પ્રતિભાવ નથી આપતો તે માટેની ફરિયાદ પણ છે. એમણે મોટેભાગે ઈશ્વરને માશૂક તરીકે સંબોધ્યા છે. કાશ્મીરી કવિતાના એ પ્રથમ મુસ્લિમ ભક્તકવિ છે. એમનાં કાવ્યોમાં ભક્તિની પશ્ચાદ્ભૂમાં કાશ્મીરના પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનો મળે છે. પ્રાકૃતિક સુંદરતાનું વર્ણન કરીને, એ પ્રભુને માશૂકને ત્યાં આવવા આમંત્રે છે. એમની પછીનાં કાશ્મીરનાં ભક્તકવયિત્રી હબ્બા ખાતૂન પર એમની કવિતાની અસર છે.
ચન્દ્રકાન્ત મહેતા