નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક રાજા સિંધુરાજ અને તેની નગરીને વર્ણવી બીજા સર્ગમાં મૃગયાએ નીકળેલો રાજા મૃગને બાણ મારી તેને શોધવા જાય છે. નર્મદાકિનારે તેને હંસ દ્વારા શશિપ્રભાનું નામ લખેલો હાર મળે છે, જ્યારે શશિપ્રભા સિંધુરાજ નવસાહસાંક એવું નામ લખેલું અને મૃગને વાગેલું બાણ મેળવે છે. પરિણામે બંને એકબીજાના પ્રેમમાં પડે છે. પાટલા નામની શશિપ્રભાની સખી સિંધુરાજને મળે છે અને બંને પ્રેમીઓની મુલાકાત કરાવી આપે છે, પરંતુ શશિપ્રભા અદૃશ્ય થઈ જાય છે. દુ:ખી થયેલા સિંધુરાજને નર્મદા આવીને જણાવે છે કે રત્નપુરીના અસુરરાજ વજ્રાંકુશની વાવમાંથી સુવર્ણકમળ મેળવી જે શશિપ્રભાને શોભાવે તેને જ શશિપ્રભા સાથે પરણાવવાની પ્રતિજ્ઞા તેના પિતાએ કરી છે. આથી સિંધુરાજ ભારે સાહસ કરી વજ્રાંકુશને હણીને સુવર્ણકમળથી શશિપ્રભાના કાનને શોભાવે છે અને બંનેનાં લગ્ન થાય છે. 1535 જેટલા શ્લોકોના બનેલા આ મહાકાવ્યમાં રસભરી, અદભુત અને રોમાંચક કથા રજૂ થઈ છે.
વસંત પરીખ
ઉમા દેશપાંડે