નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત કરી શકાય છે.
આ કવિનું સમગ્ર સર્જન જોતાં ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ઉર્દૂ ભાષાસાહિત્યનો પણ એમને અભ્યાસ હોય એવી છાપ ઊપસે છે.
નયસુંદરે કેટલીક દીર્ઘ કથનાત્મક રચનાઓ આપી છે, જે મુખ્યત્વે ‘રાસ’ સ્વરૂપ નામે ઓળખાઈ છે. એમાં સૌથી મહત્ત્વની કૃતિ છે 1581માં રચાયેલ ‘રૂપચંદકુંવરરાસ’. આ કૃતિને કવિએ પોતે જ ‘શ્રવણસુધારસ રાસ’ને નામે પણ ઓળખાવી છે. આ કૃતિ છ ખંડમાં વિભક્ત અને મુખ્યત્વે દુહા અને ચોપાઈ છંદોમાં રચાયેલી પદ્યવાર્તા છે. એમાં રૂપચંદકુંવર અને સોહાગસુંદરીનું મૌલિક કથાનક આલેખાયું છે. મુખ્યત્વે શૃંગારરસ નિષ્પન્ન કરતી આ કૃતિ અંતે શાંત રસમાં પરિણમે છે. આ કાવ્યમાં પ્રચુરપણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ જેવી વિવિધ ભાષાઓમાં સમસ્યાઓ અને સુભાષિતો આવે છે. રૂપચંદકુંવર અને સોહાગસુંદરી વચ્ચેની સમસ્યાઓની બહુલતા આશ્ચર્યમુગ્ધ કરે છે.
આ કવિની બીજી મહત્ત્વની કૃતિ તે 1609માં રચાયેલ 16 પ્રસ્તાવમાં વિભક્ત, 2400 કડીનો ‘નળદમયંતીરાસ’ અથવા ‘નલાયન ઉદ્ધારરાસ’ છે. આ કૃતિ દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ છંદોમાં રચાઈ છે. કવિ માણિક્યદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત આ રચના જૈન અને જૈનેતર કથાપરંપરાના મિશ્રણ સમી બની છે. આ કૃતિ ‘નલાયન’નો સીધો અનુવાદ નથી, પરંતુ કવિએ પોતાની રીતે એમાં યથોચિત ફેરફારો કર્યા છે ને એટલે અંશે એ કવિની સ્વતંત્ર રચના પણ બની છે. સમગ્ર કૃતિ એમાં પ્રયોજાયેલા અલંકારો, કાવ્યસ્પર્શ પામેલાં ભાવચિત્રો તેમજ વિવિધભાષી સુભાષિતોને કારણે ધ્યાનપાત્ર બની છે.
‘સુરસુંદરીરાસ’ 1590માં રચાયેલી, 20 ઢાળમાં વિભક્ત, 511 કડીની એક કથનાત્મક રચના છે. કથાની નાયિકા સુરસુંદરી એના સહાધ્યાયી અમરકુમાર પાસે વિનોદમાં સાત કોડીએ રાજ્ય લેવાની વાત કરે છે. સુરસુંદરી સાથે લગ્ન કર્યા બાદ ચાલુ પ્રવાસમાં અમર દ્વારા ત્યજી દેવામાં આવેલી સુરસુંદરીના શીલમહિમાનું કૌતુકરસિક કથાનક આ કૃતિમાં આલેખાયું છે તો સાથે પુણ્યપ્રભાવ, મદનવિટંબણા, પૂર્વજન્મનાં કર્મો, નવકારમંત્રનો જાપ વગેરેના નિરૂપણ દ્વારા ધર્મબોધનું પ્રયોજન પણ સિદ્ધ થયું છે. દુહા, ચોપાઈ, પરજિયો, કેદારો, આર્યા જેવા છંદો અને દેશીઓ અહીં પ્રયોજાયાં છે.
આ ઉપરાંત કવિએ 349 કડીનો ‘પ્રભાવતીરાસ’, વિજયશેઠ – વિજયાશેઠાણીની કથા આલેખતો 117 કડીનો ‘શીલાશિક્ષારાસ’, ‘યશોનૃપચોપાઈ’ તથા ‘થાવચ્ચાપુત્રરાસ’ જેવી કથનાત્મક દીર્ઘકૃતિઓ આપી છે.
નયસુંદરે બે ઐતિહાસિક તીર્થરાસ રચ્યા છે. જેમાંનો એક છે 1582માં રચાયેલ, 12 ઢાળ અને આશરે 125 કડીનો ‘વિમલગિરિ/શત્રુંજય/સિદ્ધાચલઉદ્ધારરાસ’. શત્રુંજયતીર્થના કુલ 16 ઉદ્ધારની અને અંતિમ ભાવિ ઉદ્ધારની કથા એમાં કહેવાઈ છે. બીજો તીર્થરાસ છે 13 ઢાળ અને 184 કડીનો ‘ગિરનાર તીર્થોદ્ધારમ્-હિમાપ્રબંધરાસ’. એમાં ગિરનાર તીર્થોદ્ધારની માહિતી આપવા સાથે, કસોટીમાંથી પાર ઊતરી નમિનાથનાં દર્શનની ટેક પાળનાર શ્રેષ્ઠીની કથાનો સમાવેશ થાય છે.
નયસુંદરે 132 કડીનો ‘શંખેશ્વર પાર્શ્વનાથછંદ’ રચ્યો છે; અડયલ્લ, મોતીદામ આદિ છંદો તથા ઝડઝમકભરી ચારણી છટાને કારણે તે કાવ્ય પ્રભાવક બન્યું છે.
કવિની અન્ય કૃતિઓમાં 8 ઢાળ અને 83 કડીની ‘આત્મપ્રબોધ/આત્મપ્રતિબોધકુલક-સજ્ઝાય/જુહારમિત્ર સઝાય’ નોંધપાત્ર છે. તે સંકટ સમયે નિત્યમિત્ર સમો દેહ કે પર્વમિત્ર સમાં સ્વજનો કામ ન આવતાં જુહારમિત્ર જેવો ધર્મ કામ આવે છે તે દર્શાવતી રૂપકાત્મક કથા છે. ‘સીમંધર જિનસ્તવન’, ‘શાંતિનાથસ્તવન’ , ‘નવસિદ્ધસ્તવન’ જેવાં સ્તવનો તેમજ ‘સ્થૂલિભદ્રએકવીસો/સજ્ઝાય’, ‘પ્રભાવતીસજ્ઝાય’ જેવી સજ્ઝાયો તેમજ ‘નમિનાથધવલ’, ‘નાટારંભપ્રબંધ-બદ્ધગીતકાવ્ય’, ‘ચૈત્યવંદન’ વગેરે જેવી લઘુકૃતિઓ તેમણે રચી છે.
આ કવિએ સંસ્કૃતમાં ‘સારસ્વતવ્યાકરણ’ ઉપર ‘રૂપરત્નમાલા’ નામે સંસ્કૃત ટીકા રચી હોવાની માહિતી સાંપડે છે.
કાન્તિલાલ શાહ