નટઘર : ચંદ્રવદન મહેતાની કલ્પનાનું આદર્શ નાટ્યગૃહ. તેની ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી અથવા સોમનાથના સોમમહાલય જેવી ગોળ દેખાતી હોય, તેની બહાર એક ભાગમાં કલાકારીગરી માટેનાં લાકડાંથી માંડી ઝવેરાત સુધીની વિવિધ ઘર-ઉપયોગી વસ્તુઓથી સભર એવો પ્રદર્શનખંડ હોય અને બીજા ભાગમાં ખાવાપીવા માટેનું સ્વચ્છ સ્થાન હોય.
અંદરના ભાગમાં પ્રવેશ કરો તો પહેલાં શિસ્તબદ્ધ રીતે રમતાંકૂદતાં, ગાતાં, સ્વયંભૂશક્તિ ખીલવતાં, આનંદમગ્ન બાળકોની બાળશાળા હોય; તેમનાથી મોટી વયના કિશોરો માટેનો વિભાગ હોય. ત્યાં નૃત્ય, સંગીત, ચિત્રકળા, વ્યાયામ, સુથારી-લુહારી, સોનીકામ, સમારકામ – એવા વિવિધ વર્ગો હોય, જેમાં રંગભૂમિને ઉપયોગી વસ્તુઓ બનતી હોય. બહારના ભાગમાં કવિતા, નાટક, કથાનાં પુસ્તકોથી સભર ગ્રંથાલય હોય તેમજ રંગભૂમિમાં કામ કરનારાઓ માટેનો કલાસંગ્રહ પણ હોય.
ઉપર અર્ધ-ઇમારતને ઢાંકતી અગાશી હોય, જેમાં અર્ધ-ગોળાકાર બેઠકો ચડઊતર બનાવવામાં આવી હોય કે જેથી બાળકો પણ અવારનવાર કંઈક કૌતુકો કરી બતાવે. વિવિધ પ્રકારનાં વાજિંત્રો જ્યાં બનતાં હોય એવો પણ એક ખંડ હોય. ત્યાં મહાન સંગીતકારોની વિશાળ છબીઓ તેમજ તેમની સંગીતકૃતિઓ પણ હોય. મધ્યાગારના પડખાના આ ખંડોની પાછળ વૈજ્ઞાનિક વસ્તુભંડાર સમી પ્રયોગશાળા હોય. તેના પડખે મોટું રસોડું હોય, બીજી બાજુ રાતવાસા માટે પ્રત્યેક કારીગરનો આરામખંડ હોય. વચ્ચે ચર્ચા-વિચારણા, જ્ઞાનગોષ્ઠિ માટેનો ચોતરો હોય.
નાટ્યગૃહની અંદર પ્રેક્ષકોને બેસવાની જગ્યા હોય જે રંગભૂમિથી થોડી દૂર હોય છતાં પણ ત્યાંનો નાનામાં નાનો નિ:શ્વાસ પણ અહીં સંભળાય એવી કલામય બાંધણીને લીધે કુદરતી રીતની જ અવાજ-વિસ્તારની સગવડ હોય. કોઈ પણ ખુરશીને વચ્ચે થાંભલો નડતો ન હોય.
રંગભૂમિ પરના તેમજ અન્ય વાળેલા પરદા પણ આ નાટ્યગૃહમાં જ તૈયાર થતા હોય. જેવું નાટક તેવી શૈલી હોય. એ સંબંધી પુસ્તકો પણ હોય. પ્રેક્ષકની પાછળ ભીંત અને ભજવનારની પાછળ પણ ભીંત એવી પરંપરાગત રચનાને બદલે ભજવનારાઓની પાછળ બે અને ત્રણ દીવાલોની પણ રચના કરવામાં આવી હોય. ઝાલરને બદલે ઉપરથી છાજલી પણ આવી શકે. ક્યારેક નટ અને પ્રેક્ષક વચ્ચેના ભેદ પણ ભૂંસાઈ જાય. કોઈ ચોક્કસ ‘ઇઝમ’ની અહીં ગુલામી ન હોય.
વળી આવા આદર્શ નાટ્યગૃહમાં તાલીમ અને રિયાજ માટે અલાયદા ખંડો હોય. વસ્ત્રો-આભૂષણો તૈયાર કરવા માટેનો પણ અલાયદો ખંડ હોય. વાસ્તવમાં નાટકની તાલીમ આપતી વિદ્યાપીઠમાં યુનિવર્સિટીમાં આવા પ્રકારનું આદર્શ નાટ્યગૃહ હોઈ શકે. અહીં સંગીતના જુનવાણી અપ્રચલિત રાગોને સંશોધિત કરી એને નવજીવન આપવામાં આવે. ભારતની વિવિધ શૈલીઓનો સમન્વય કરી એનો શક્ય એવો વિકાસ અહીં વિચારવામાં આવે.
ચં. ચી. મહેતા આખી જિંદગી આવા આદર્શ નાટ્યગૃહ માટે ઝઝૂમતા રહ્યા, વલખાં મારતા રહ્યા, વલોપાત કરતા રહ્યા. પોતે આવું નાટ્યગૃહ તૈયાર ન કરી શક્યા તેનો પશ્ચાત્તાપ કરતા રહ્યા.
મહેશ ચંપકલાલ શાહ