નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી જૂથ (free officers) દ્વારા માન મેળવ્યું. 1952માં ફ્રી ઑફિસરોએ રાજા ફારૂક સમર્થિત ઉમેદવારની વિરુદ્ધમાં નજીબને ઑફિસર્સ ક્લબના પ્રમુખ તરીકે ચૂંટાવામાં મદદ કરી. ઑફિસરોએ બળવો કર્યો અને રાજા ફારૂકને સત્તા પરથી ફગાવી દીધો. ક્રાંતિકારીઓએ નવા શાસનની પ્રજાસત્તાકની લગામ નજીબના હાથમાં સોંપી. આમ 1953માં નજીબ નવા રચાયેલા પ્રજાસત્તાકના પ્રમુખ બન્યા. ફ્રી ઑફિસરોના અન્ય સભ્યો અને નાસર કરતાં નજીબનો રાજકીય અભિગમ અને વલણો વધારે રૂઢિચુસ્ત હતાં. નજીબ ઇચ્છતા હતા કે સત્વરે બંધારણીય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. વળી, ક્રાંતિકારી ટ્રિબ્યૂનલ દ્વારા અનેક રાજકારણીઓને ઉતાવળે ફટકારવામાં આવેલ સજાના પણ તેઓ વિરોધી હતા.
ફેબ્રુઆરી, 1954માં તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપ્યું, પરંતુ નાગરિક જૂથો અને લશ્કરના અમુક વર્ગોની ઉગ્ર માગણીને માન આપીને નજીબે હોદ્દો ફરીથી ગ્રહણ કર્યો. નાસરે ધીમે ધીમે પોતાના સ્થાનને મજબૂત કર્યું, વડાપ્રધાન બન્યા. અને ચતુરાઈપૂર્વક નજીબની કેટલીક ઇચ્છાઓ મંજૂર રાખી, જેવી કે રાજકીય પક્ષોનો પુનરુદ્ધાર તથા બંધારણના મુસદ્દાને તૈયાર કરવા માટે બંધારણીય પરિષદને બોલાવવાની માગણી. 1954માં નાસરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે નજીબ તરફ આંગળી ચીંધવામાં આવી. નજીબને તેમના ઘરમાં જ બંદી તરીકે રાખવામાં આવ્યા. 1964માં તેમને અટકાયતમાંથી છોડવામાં આવ્યા. પછી ઇજિપ્તના રાજકારણમાં નજીબે કોઈ ભૂમિકા ભજવી નહિ.
નવનીત દવે