નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર સૂર્ય જે માર્ગે ગતિ કરે છે, તેને ક્રાંતિવૃત્ત કહે છે. આ ક્રાંતિવૃત્ત ઉપર તથા આસપાસ કેટલાંક તારકમંડળો આવેલાં છે.
ક્રાંતિવૃત્તના બાર ભાગ પાડવામાં આવ્યા છે, જેને રાશિ (Signs of zodiac) કહે છે. આ રાશિઓ એટલે મેષ (Aries), વૃષભ (Taurus), મિથુન (Gemini), કર્ક (Cancer), સિંહ (Leo), કન્યા (Virgo), તુલા (Libra), વૃશ્ચિક (Scorpio), ધન (Sagitarius), મકર (Capricornus), કુંભ (Aquarius) અને મીન (Pisces). સૂર્યની માસિક ગતિને અનુલક્ષીને જે ભાગ પડ્યા તે રાશિ (=30°) અને ચંદ્રની દૈનિક ગતિને અનુલક્ષીને જે ભાગ પડ્યા તે નક્ષત્ર (=800´) કહેવાયા. આમ, એક રાશિ બરાબર સવા બે નક્ષત્ર થાય. આ સત્તાવીશ નક્ષત્રો એટલે અનુક્રમે અશ્વિની (Hamal), ભરણી (41 Arities), કૃત્તિકા (Pleides), રોહિણી (Aldebaran), મૃગશીર્ષ (Orion), આર્દ્રા (Betelgeuse), પુનર્વસુ (Pollux), પુષ્ય (AlpharatCancer), આશ્લેષા (Hydra), મઘા (Regulus), પૂર્વા ફાલ્ગુની (Theta Leo), ઉત્તરા ફાલ્ગુની (Denebola), હસ્ત (Corvus), ચિત્રા (Spica), સ્વાતિ (Arcturus), વિશાખા (Luben), અનુરાધા (Scorpio-dippers), જ્યેષ્ઠા (Scorpio-Eye), મૂળ (Scorpio-sting), પૂર્વાષાઢા (Delta Sagitta), ઉત્તરાષાઢા (Sigma Sagitta), અભિજિત (Vega), શ્રવણ (Altair), ધનિષ્ઠા (Delphinus), શતભિષા (Lamda Aquarius), પૂર્વા ભાદ્રપદા (Markab), ઉત્તરા ભાદ્રપદા (Alpharat) અને રેવતી (Piscium). મૂળ સત્તાવીશ નક્ષત્ર ગણાય છે, પણ ઘણા અભિજિત નામના એક નક્ષત્રનો વધારો કરી કુલ અઠ્ઠાવીશ નક્ષત્ર ગણે છે.
રાશિની ગણતરી મેષ રાશિથી થાય છે તેમ પહેલું નક્ષત્ર અશ્વિની ગણાય છે. સૂર્ય ક્રાંતિવૃત્ત પરથી ગતિ કરતો હોવાથી સૂર્ય એક નક્ષત્રમાં ચૌદ દિવસ રહે છે. મતલબ કે સૂર્ય જે નક્ષત્રમાં રહે તે નક્ષત્ર તેના તેજને કારણે ઢંકાઈ જતું હોય તો દેખાય નહિ. ચંદ્ર પણ દરેક નક્ષત્રમાં એક દિવસ રહે છે. આમ સાડી સત્તાવીશ દિવસમાં ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર પૂરું કરે છે. ભારતીય ખગોળ મુજબ રાશિ-નક્ષત્ર અચળ છે. આથી ભારતીય રાશિઓ નિરયણ છે.
સૂર્ય 22મી માર્ચે સાયન મેષ રાશિમાં અને 13મી એપ્રિલે નિરયણ મેષ રાશિમાં પ્રવેશે છે. તે 3653 દિવસમાં 12 રાશિનું ચક્ર પૂરું કરે છે. ચંદ્ર એક નક્ષત્રમાં તેના વેગમાં થતી વધઘટ અનુસાર 52 થી 68 ઘડી જેટલો સમય રહે છે. જ્યારે તે દૂર હોય ત્યારે તેનો વેગ ઓછો હોવાથી તે વધારે સમય લે છે, ત્યારે તેને ઉચ્ચનો કહે છે.
પહેલી રાશિ એટલે મેષ રાશિ. મેષ રાશિ 1 અશ્વિની + 1 ભરણી + ¼ કૃત્તિકા નક્ષત્રોની બનેલી છે. અશ્વિની નક્ષત્રમાં ત્રણ તારા આવેલા છે, જેમાં બીજા વર્ગનો હમલ મુખ્ય છે. હમલ તારો પૃથ્વીથી 74 પ્રકાશવર્ષ દૂર છે અને સેકન્ડે 22.5 કિમી.ની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. બીજો તારો શેરાટન છે, તો ગૅમા (g) તારો 4.8 આંકની પ્રકાશતીવ્રતા (પ્રકાશતીવ્રતાઆંક એ અવકાશી પિંડોની તેજસ્વિતાનું માપ છે, તેમાં અઢીગણાના ગુણોત્તરમાં તેજની વધઘટ બતાવતા તારાઓનું વર્ગીકરણ કરાયું છે. આમ પ્રથમ પ્રકાશતીવ્રતાથી 100મા ભાગની તેજસ્વિતાવાળો તારો છઠ્ઠી પ્રકાશતીવ્રતાનો આંક ધરાવે છે. છઠ્ઠાથી ઊતરતી તીવ્રતાવાળા તારા નરી આંખે દેખાતા નથી એટલે દૃશ્ય તારા બધા 1થી 6 તીવ્રતા આંકના વર્ગોમાં સમાઈ જાય છે. 1 થી વધારે તીવ્રતા (ઋણ આંકથી દર્શાવાય છે.) ધરાવતા બે તારાનો બનેલો જોડિયો તારો છે. હમલની ઉપર એક રૂપવિકારી તારો (variable star) આવેલો છે. તેનો પ્રકાશતીવ્રતાઆંક 5.8થી 14.9 સુધીનો રહે છે. અશ્વિનીના અશ્વમુખથી આગળ પૂર્વ દિશામાં ત્રણ ઝાંખા તારાનો એક ત્રિકોણ આવેલો છે, જે ભરણી નક્ષત્ર છે. ભરણી એટલે ઘડી માપવા માટે પાણી ભરવા મૂકેલું ઘટિકાયંત્ર. ભરણીથી આગળ પૂર્વ તરફ તારાઓનું ઝૂમખું દેખાય છે. તે કૃત્તિકા નક્ષત્ર. કૃત્તિકાના છ તારા એટલે કાર્તિકેયને ઉછેરનાર તેની છ ધાવ-મા છે. કૃત્તિકાના આ છ તારા છે : વર્ષયંતી (Alcyone), દુલા (Electra), ચુપૂણિકા (Mira), મેધયંતી (Merope), અભ્રયંતી (Taygetta) અને તિતિસ્ત્રી (Celaeno). જોકે ઝીણવટથી જોવામાં આવે તો બીજો એક ઝાંખો તારો પણ દેખાય છે, જેને અંબા (Sterope) કહે છે. આમ, અશ્વિની, ભરણી અને કૃત્તિકાના સમાવેશથી મેષ રાશિ બને છે.
વૃષભ રાશિમાં ¾ કૃત્તિકા + રોહિણી + ½ મૃગશીર્ષનો સમાવેશ થાય છે. કૃત્તિકાના તારકગુચ્છથી આગળ પૂર્વમાં ચળકતો તારો દેખાય એને એક છેડો ગણી પાંચ તારાથી ઊંધા V જેવો આકાર રચાય તે જ રોહિણી નક્ષત્ર છે. રોહિણીના બધા તારા એકસરખી ગતિથી પૃથ્વીથી દૂર જઈ રહ્યા છે. રોહિણીનો મુખ્ય તારો રોહિણી તારો કે યોગતારો (Aldebaran) છે, જે 57 પ્રકાશવર્ષ દૂર છે. આ તારાને વૃષભ એેટલે કે આખલાની આંખ (The bull’s eye) કહે છે. આ તારાની ઈશાન બાજુએ એક 3.00 તીવ્રતા ધરાવતો તારો અલહેકા છે. તો તેની નજીક M1 નામનો સુપરનોવા ધરાવતું તારકગુચ્છ આવેલું છે. રોહિણીના ત્રિશંકુ આકારના ડાબી બાજુના છેલ્લા તારાને ઈશાન તરફ લંબાવતાં અગ્નિ તારો (Nath) દેખાશે. આમ અલહેકા અને અગ્નિ તારો એ વૃષભનાં બે શિંગડાં થયાં. રોહિણીમાં એક રૂપવિકારી તથા બે જોડિયા (double) તારા છે. મૃગશીર્ષ નક્ષત્ર એટલે હરણાં અને શિકારીએ મારેલા બાણની કલ્પના. આ નક્ષત્રનો મુખ્ય તારો એટલે બાણરજ(Rigel) ભલે પૃથ્વીથી 900 પ્રકાશવર્ષ દૂર છે, પણ તે 60,000 સૂર્ય સમાવી લે એવડો મોટો છે ! તે જોડિયા તારો છે અને આકાશમાં પૂનમના ચંદ્ર કરતાં પાંચમા ભાગનું તેજ ધરાવે છે. બાણરજથી બાણની પેલે પાર આવેલો આર્દ્રા (Betelgeux) તારો પણ બીજો મુખ્ય તારો છે. તે રૂપવિકારી તારો છે. એ તારો પણ બાણરજ જેટલી જ તેજસ્વિતા ધરાવે છે. 100 પ્રકાશવર્ષ દૂર આવેલો આર્દ્રા સૂર્ય કરતાં 2,200 ગણી તેજસ્વિતા ધરાવે છે ! ઉપરાંત મૃગશીર્ષમાં ત્રણ જોડિયા તારાઓ આવેલા છે. આ નક્ષત્રમાં M42, M43 અને M78 નામની નિહારિકા (Nebula) આવેલી છે. આમ કૃત્તિકા, રોહિણી અને 1 મૃગશીર્ષ નક્ષત્રથી વૃષભ રાશિ બને છે.
હવે ત્રીજી રાશિ તે મિથુન. ½ મૃગશીર્ષ + આર્દ્રા + ¾ પુનર્વસુ નક્ષત્રોનો મિથુન રાશિમાં સમાવેશ થાય છે. વૃષભ રાશિમાં સમજાવેલું આર્દ્રા સહિતનું અડધું મૃગશીર્ષ નક્ષત્ર મિથુન રાશિનો ભાગ ગણાય છે. પુનર્વસુ નક્ષત્રમાં બે મુખ્ય તારા છે. એમાં જમણી તરફનો પહેલા વર્ગનો તારો પુરુષ (Pollux) છે અને ડાબી બાજુના બીજા વર્ગના તારાને પ્રકૃતિ (Castor) કહે છે. મિથુન રાશિમાં બે રૂપવિકારી અને બે જોડિયા તારા છે. જ્યારે M35 નામનું એક તારકઝૂમખું આવેલું છે.
મિથુન પછીની ચોથી રાશિ કર્ક રાશિ છે. તે ¼ પુનર્વસુ + પુષ્ય + આશ્લેષા નક્ષત્રની બનેલી છે. પુનર્વસુની પૂર્વમાં, પુરુષ અને પ્રકૃતિની ઉગમણી દિશામાં તારાઓનું ઝૂમખું દેખાય એ જ પુષ્ય નક્ષત્ર. આ પુષ્ય નક્ષત્ર પાસે તારાઓનું ઝૂમખું પડ્યું છે, જેને મધુચક્ર (Preasepe કે Bee-hive) કહે છે. પુષ્યથી જમણી બાજુ પણ નીચેના ભાગે એક મોટું તારામંડળ આવેલું છે. સાપ જેવો આકાર ધરાવતા આ તારકમંડળને વાસુકિ(Hydra) કહે છે. વાસુકિનું માથું પાંચ તારાઓનું બનેલું છે. આ ફેણને આશ્લેષા નક્ષત્ર કહે છે. આમ બનેલી આ કર્ક રાશિમાં બે રૂપવિકારી અને એક જોડિયો તારો આવેલા છે. ઉપરાંત આલ્ફા તારાની બાજુમાં M67 નામનું તારકગુચ્છ પણ આવેલું છે.
પાંચમી સિંહ રાશિ મઘા + પૂર્વા ફાલ્ગુની + ¼ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની બનેલી છે. પુષ્ય નક્ષત્રથી નીચે ઉત્તર તરફ ચાર તારા મળીને દાતરડી જેવો આકાર રચે તેને મઘા નક્ષત્ર કહે છે, જેનો મુખ્ય તારો મઘા (Regulus) યોગતારો છે. આ તારો સૂર્ય કરતાં 70 ગણો વધુ પ્રકાશ ધરાવે છે. દાતરડી નીચે પૂર્વમાં બે તારા પ્રકાશે છે. એ બે તારા મળીને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બને છે. પૂર્વા ફાલ્ગુનીની પાછળ પૂર્વે બે તારા આવેલા છે. જમણી તરફનો પ્રકાશિત અને ડાબી તરફનો ઝાંખો તારો. પ્રકાશિત તારાને ડેનબોલા કહે છે. આ બંને તારા એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. સિંહ રાશિમાં એક રૂપવિકારી તારો છે. યોગતારો અને અન્ય બે તારા જોડિયા તારા છે. આ રાશિમાં M65, M66, M95, M96 અને M105 એમ પાંચ આકાશગંગાઓ(galaxies) આવેલી છે. આમ મઘા, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની મળીને સિંહ રાશિ બને છે.
છઠ્ઠી કન્યા રાશિમાં ¾ ઉત્તરા ફાલ્ગુની + હસ્ત + ½ ચિત્રા નક્ષત્ર આવેલાં છે. ઉત્તરા ફાલ્ગુનીનો સિંહ રાશિમાં પરિચય મેળવ્યા બાદ, હસ્તને જોઈએ. ગામઠી ભાષામાં હસ્તને હાથિયો કહે છે. વાસુકિના વળાંકમાં હાથના પંજા આકાર જેવું તારામંડળ જોવા મળે. હસ્તમાં પાંચ મુખ્ય તારા છે, એ સિવાય હસ્ત એક સામાન્ય તારકમંડળ જ છે. કન્યા રાશિનું ત્રીજું નક્ષત્ર છે ચિત્રા. કન્યામંડળ ખૂબ મોટું છે. પરંતુ એમાં પ્રભાવશાળી તારાઓ નથી. કન્યામંડળનો દેખાવ માથે ઓઢણી ઓઢેલી કન્યા જેવો કલ્પો તો, ચિત્રા એ કન્યાના હાથમાં પકડેલી ઘઉંની ઉંબી છે. ચિત્રા નક્ષત્રનો મુખ્ય તારો ચિત્રા છે, જેનું તેજ સૂર્યના તેજ કરતાં 1400ગણું વધુ છે. પહેલા વર્ગના ચિત્રા નામના મુખ્ય તારા ઉપરાંત બે જોડિયા તારા છે. જોકે આ તારકમંડળમાં મોટી સંખ્યામાં નિહારિકાઓ આવેલી હોઈ એને નિહારિકાક્ષેત્ર કહે છે. આ તારકમંડળમાં લગભગ અગિયાર M49, M58, M59, M60, M61, M84, M86, M87, M89, M90 અને M104 નિહારિકાઓ આવેલી છે. આમ, H ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને 1 ચિત્રા નક્ષત્ર મળીને કન્યા રાશિ બને છે.
સાતમી રાશિ તુલા રાશિ છે. ½ ચિત્રા + સ્વાતિ + ¾ વિશાખા નક્ષત્ર મળીને તુલા રાશિ બની છે. સપ્તર્ષિની પૂંછડીથી પૂર્વમાં તેજસ્વી તારો દેખાય તે સ્વાતિ તારો. સ્વાતિ નક્ષત્રનો મુખ્ય તારો છે. જોકે વર્ષો પહેલાં તે હંસ તારકમંડળ (Cygnus) અને શર્મિષ્ઠા તારકમંડળ(Cassiopia)ની વચ્ચે હતો. પરંતુ તે સૂર્ય તરફ ગતિ કરતો રહે છે. હાલમાં તે પૃથ્વીથી 40 પ્રકાશવર્ષ દૂર છે; પરંતુ ભવિષ્યમાં તે ચિત્રા અને વાસુકિને પણ પાર કરી જશે. આ નક્ષત્રમાં છ મુખ્ય તારા, બે રૂપવિકારી અને પાંચ જોડિયા તારા છે. એ સિવાય કોઈ નિહારિકા એમાં જોવા મળતી નથી. સ્વાતિ તથા ચિત્રાના તારા સાથે પૂર્વમાં દક્ષિણ આકાશે ત્રિકોણ રચાય ત્યાં જે તારાઓ દેખાય એ જ વિશાખા (Luben) નક્ષત્ર. વિશાખાનો મુખ્ય તેજસ્વી તારો જોડિયો તારો છે. તે ઉપરાંત બીજા બે પ્રકાશિત તારા અને એક રૂપવિકારી તારો છે. આમ, ½ ચિત્રા, સ્વાતિ અને ¾ વિશાખાના સમાવેશથી તુલા રાશિ બને છે.
આઠમી રાશિ એટલે વૃશ્ચિક (Scorpio). ¼ વિશાખા + અનુરાધા + જ્યેષ્ઠા નક્ષત્ર મળીને વૃશ્ચિક રાશિ બને છે. વિશાખા નક્ષત્રને તુલા રાશિમાં સમજ્યા બાદ અનુરાધા નક્ષત્રને સમજીએ. વૃશ્ચિક એટલે વીંછુડો. વીંછીના આકારવાળી વૃશ્ચિકને ઓળખવામાં મુશ્કેલી નહિ પડે. તેનો મહદ્-અંશ આપણી આકાશગંગા દૂધગંગા(Milky way)માં છે. વિશાખાની નીચે ત્રણ તેજસ્વી અને એક ઝાંખો તારો દેખાય એ વીંછીની પૂંછડી, જે અનુરાધા નક્ષત્ર કહેવાય. અનુરાધા નક્ષત્રની નીચે મંગળ જેવા રાતા રંગનો તારો દેખાય તેને પારિજાત(Antares) કહે છે. પૃથ્વીથી 380 પ્રકાશવર્ષ દૂર અને સૂર્ય કરતાં 4,000ગણું વધારે તેજ ધરાવતા પારિજાત અને એની આજુબાજુના બે તારા મળીને જ્યેષ્ઠા નક્ષત્ર બને. પારિજાત એ જોડિયો તારો છે. પારિજાતની નીચે જ M4 નામનું તારકગુચ્છ (cluster) આવેલું છે, જે 65,180 પ્રકાશવર્ષ દૂર છે ! તો, ઉપરની બાજુએ અનુરાધા નક્ષત્ર ભણી M80 નામનું તારકગુચ્છ આવેલું છે. ઉપરાંત NGC (New Galatic Catalogue) 6242 નામનું એક તારકગુચ્છ પણ છે. આમ, વૈવિધ્યપૂર્ણ વૃશ્ચિક રાશિ ¼ વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રથી પૂર્ણ થાય છે.
નવમી રાશિ તે ધનુ રાશિ, જે મૂળ + પૂર્વાષાઢા + ¼ ઉત્તરાષાઢા નક્ષત્ર મળીને બનેલી છે. અનુરાધા જેનું મુખ છે, પારિજાત જેની આંખ છે એવા વીંછુડામાં જ્યેષ્ઠા નક્ષત્ર પછી ત્રણચાર તારા મળીને વીંછુડાની પૂંછડીનો વળાંક બને છે, અને દૂર દૂર ગોળાકાર રચી માત્ર બે ચળકતા તારાથી વીંછી આંકડો રચે છે, એ બે તારા તે જ મૂળ નક્ષત્ર. વીંછુડાના આંકડા પાસે પૂર્વમાં થોડાક તારાઓનું ઝૂમખું દેખાય છે, તે આષાઢા નક્ષત્ર. આષાઢાના તારકસમૂહને બે ભાગે વહેંચી દેવાયા છે પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રના બધા તારા લગભગ સરખા તેજે પ્રકાશે છે. ધનુ રાશિનો સૌથી તેજસ્વી તારો કોસ ઑસ્ટ્રેલિયા છે. અન્ય તેજસ્વી તારાઓમાં નૂન્કી, અસેલા, કોસ મેરીડોનાલિસ, કોસ બોરેઆલીસ, અલ્બેલ્ડાહ અને અલનસર છે. ઉપરાંત અડધો ડઝન રૂપવિકારી અને બે જોડિયા તારા છે. આ રાશિમાં M8, M17, M20 નિહારિકા, M18, M21, M23, M25 ખુલ્લા તારકગુચ્છ (open clusters), M22, M25, M28, M54, M55, M65, M70 સઘન તારકગુચ્છ (globular clusters) તેમજ M24 તારકવાદળ આવેલું છે. વિભાગાત્મક રાશિઓના હિસાબે ધનુ રાશિ દક્ષિણ આકાશમાં સૌથી નીચે પહોંચતી રાશિ છે. સૂર્યની ધનુસંક્રાંતિ 15મી ડિસેમ્બરે થાય છે. ધનુ રાશિમાં હોય ત્યારે સૂર્ય 21મી ડિસેમ્બરે વધુમાં વધુ દક્ષિણે ઢળ્યા બાદ 22મી ડિસેમ્બરથી ઉત્તર તરફ ગતિ કરે છે. આમ, વાસ્તવમાં સૂર્ય ધનુ રાશિમાં હોય ત્યારે ઉત્તરાયણ થાય છે. મૂળ, પૂર્વાષાઢા તથા ¼ ઉત્તરાષાઢા મળીને ધનુ રાશિ બને છે.
દસમી રાશિ છે મકર. મકર રાશિ ¾ ઉત્તરાષાઢા + શ્રવણ + ½ ધનિષ્ઠા નક્ષત્રની બનેલી છે. ઉત્તરાષાઢાને ધનુ રાશિમાં સમજ્યા બાદ, આકાશગંગા પર નજર કરતાં અને ક્ષિતિજ તરફ નજર કરતાં આકાશગંગાને કાંઠે આષાઢાથી ઉત્તરે આકાશની મધ્યમાં પૂર્વ તરફ એક તારો ચમકતો દેખાય છે, જેની આજુબાજુ એક એક તારો છે. આ તારકમંડળ તે જ શ્રવણ નક્ષત્ર. શ્રવણને પાશ્ચાત્યો અલ્ટેર કહે છે. સફેદ દૂધ જેવો શ્રવણનો તારો પૃથ્વીથી 14 પ્રકાશવર્ષ દૂર છે. જોકે પાશ્ચાત્યો શ્રવણ અને તેની આસપાસના કેટલાક તારાને ગરુડ (Aquila) તારકમંડળ ગણે છે. શ્રવણની નીચે પૂર્વ દિશામાં પાંચેક ઝાંખા તારાઓનું ઝૂમખું દેખાય છે, જેને ધનિષ્ઠા નક્ષત્ર કહે છે. મકર રાશિમાં સૌથી પ્રકાશિત જોડિયા તારાને બકરીનાં આંચળ કહે છે. આ જોડિયા તારામાં પ્રકાશિત તારો પૃથ્વીથી 117 પ્રકાશવર્ષ દૂર અને ઝાંખો તારો 1,600 પ્રકાશવર્ષ દૂર છે. ઉપરાંત મકર રાશિમાં M30 નામનું સઘન તારકગુચ્છ 41,000 પ્રકાશવર્ષ દૂર છે. આમ, મકર રાશિની રચના થઈ.
કુંભ અગિયારમી રાશિ છે. ½ ધનિષ્ઠા + શતભિષા અથવા શતતારા + ¾ પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર મળીને કુંભ રાશિ બને છે. મકર રાશિની ડાબી બાજુ પૂર્વે એક ઝાંખા તારાઓની હાર છે, તે જ કુંભ રાશિ. મકર રાશિમાં ધનિષ્ઠાનો અભ્યાસ કર્યા બાદ, શતભિષાને સમજીએ. કુંભ રાશિના એક તારાનું નામ શતભિષા નક્ષત્ર (Lamda Aquarius) કહે છે, જેને કેટલાક શતતારા કહે છે. કુંભ રાશિથી આગળ પૂર્વ તરફ જતાં બીજા વર્ગના બે તારા આકાશ મધ્યે ક્ષિતિજની સમાંતરે છે. આ બંને તારામાંથી ઉત્તર તરફ કાલ્પનિક રેખા લંબાવીએ તો તે ધ્રુવના તારાને મળે. આ બે સમાંતર તારા તે જ પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર. આમ, ½ ધનિષ્ઠા + શતભિષા + ¾ પૂર્વા ભાદ્રપદા મળીને કુંભ રાશિ બની છે. આ રાશિમાં સૌથી તેજસ્વી તારો સદાલ સૂદ છે, ઉપરાંત સદાલ મેલીક અને શ્વીત છે. એક રૂપવિકારી અને એક જોડિયો તારો ધરાવતી કુંભ રાશિમાં M2 અને M72 સઘન તારકગુચ્છ (globular clusters) છે, તો NGC 7293 અને NGC 7009 ગ્રહીય નિહારિકા(planetary Nebula) છે. M2 તારકગુચ્છ 55,000 પ્રકાશવર્ષ, M72 તારકગુચ્છ 62,000 પ્રકાશવર્ષ તથા NGC 7009 3,600 પ્રકાશવર્ષ દૂર છે. આ કુંભ રાશિમાં જ હર્ષલે યુરેનસ ગ્રહ અથવા પ્રજાપતિ શોધી કાઢેલો.
રાશિચક્રની છેલ્લી રાશિ છે મીન. ¼ પૂર્વા ભાદ્રપદા + ઉત્તરા ભાદ્રપદા + રેવતી નક્ષત્રથી મીન રાશિ બને છે. કુંભ રાશિમાં પૂર્વા ભાદ્રપદા નક્ષત્ર જોયું, તેની પૂર્વ તરફ બીજા બે તારા પ્રકાશતા જોવા મળે છે. આ ચાર તારાઓ ચોરસ બનાવે છે. પૂર્વા ભાદ્રપદાના તારાથી આગળ જતાં બે પ્રકાશિત તારામાંનો ઉત્તર તરફનો તારો તે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર, જે દેવયાની તારામંડળનો સભ્ય છે, એનું બીજું નામ ખગાશ્વ. જેમ મીન છેલ્લી રાશિ છે, તેમ છેલ્લું નક્ષત્ર તે રેવતી. મીન રાશિની જમણી બાજુની તારા-સેરની મધ્યે જે વધુ ચળકતો તારો દેખાય તે રેવતી નક્ષત્રનો મુખ્ય તારો. લોકબોલીમાં તેને મીનમેખ કહેવામાં આવે છે. આ રાશિનો સૌથી પ્રકાશિત તારો અલફેર્ગ છે. અલ રીસ્ચા પણ પ્રકાશિત તારો છે. આ રાશિમાં એક રૂપવિકારી, બે જોડિયા તારા છે તો M74 નામની આકાશગંગા પણ છે.
અશોકભાઈ પટેલ