નક્ષત્રજ્યોતિષ

January, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના જન્મનક્ષત્ર અને તે નક્ષત્રના ગણાયેલા સ્વામી ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે તેને નક્ષત્રજ્યોતિષ કહે છે. નક્ષત્રજ્યોતિષના હસ્તલિખિત ગ્રંથો વર્ષો સુધી ગુપ્ત રહ્યા. ઈ. સ. 1940માં ગોપાલકૃષ્ણ રાવ નામના વિદ્વાન જ્યોતિષીએ નક્ષત્રજ્યોતિષની પદ્ધતિ પર ગ્રંથ પ્રકાશિત કર્યો ત્યારપછી નક્ષત્રજ્યોતિષ પ્રચલિત થયું. એ પછી કૃષ્ણમૂર્તિ નામના વિદ્વાને તેમાં સુધારાવધારા કર્યા. તેમણે ગ્રહનાં કુલ વર્ષોને નવની સંખ્યામાં વિભાજિત કરી નક્ષત્રને મુખ્ય ગણી તેના ચોક્કસ ભાગનાં વર્ષોને ઉપનક્ષત્ર અને ઉપ–ઉપનક્ષત્ર તરીકે ગણાવ્યાં. આ પદ્ધતિ સૂક્ષ્મ હોવાથી તેનાથી થતું ફળકથન વધુ ચોકસાઈભર્યું બન્યું છે – એથી આ પદ્ધતિ ખૂબ જાણીતી બની છે. આ પદ્ધતિ કૃષ્ણામૂર્તિ પદ્ધતિ તરીકે પ્રખ્યાત બની છે. પરાશર કે જૈમિનિ પદ્ધતિ કરતાં આ પદ્ધતિ વધુ સૂક્ષ્મ છે.

રમેશચંદ્ર શુક્લ