નંદીમંડપ : શિવમંદિરમાં નંદીના શિલ્પ માટે બનાવાતો મંડપ. સામાન્ય રીતે તે પ્રવેશમંડપ અને ગર્ભગૃહ કે મુખ્ય પ્રાસાદની ધરી પર બંનેની વચમાં હોય; પરંતુ દક્ષિણ ભારતનાં અને ખાસ કરીને હોયસળ શૈલીનાં મંદિરોમાં આવી ધરીની દક્ષિણ તરફ સભામંડપની ડાબી બાજુ પણ તે બનાવાયા છે. આ મંડપમાં નંદીની વિશાળ પ્રતિમા મુકાતી અને તે સામાન્ય રીતે એકશૈલ રહેતી. રચનામૂલક તેમજ ગુફા-સ્થાપત્ય – એમ બંને પ્રકારનાં મંદિરોમાં નંદીમંડપ જોવા મળે છે. નંદીમંડપનું પ્રમાણમાપ પ્રવેશમંડપ કરતાં મોટું અને સભા કે નૃત્યમંડપ કરતાં નાનું રખાતું. ઇલોરાની 15 નંબરની દશાવતાર ગુફામાં ચાર સ્તંભવાળો નંદીમંડપ છે. તે ઉપરાંત ઇલોરાના જ કૈલાસ મંદિરમાં બે માળનો નંદીમંડપ છે. તેમાં નંદીની પ્રતિમા ઉપરના માળે છે. આ માળને પ્રવેશમંડપ તથા મુખ્ય પ્રાસાદ સાથે જોડતો પુલ હતો.
હેમંત વાળા