નંદા, ઈશ્વરચન્દર (જ. 1892; લાહોર; અ. 1972) : પંજાબી નાટ્યકાર. શિક્ષણ બી.એ. સુધી લાહોરની ડી.એ.વી. કૉલેજમાં. નાનપણથી નાટકો વાંચવાનો અને જોવાનો શોખ. નાટ્યશાસ્ત્રનો ગહન અભ્યાસ કરી, એમણે નાટકો લખવા માંડ્યાં. એમની પૂર્વે પંજાબી સાહિત્યમાં નાટ્યસાહિત્ય નહિવત્ હતું. એથી એમને પંજાબી નાટ્યસાહિત્યના જન્મદાતા માનવામાં આવ્યા છે. એમણે 1913માં પ્રથમ નાટક ‘દુલ્હન’ લખ્યું, જેને નાટ્ય હરીફાઈમાં પ્રથમ પારિતોષિક મળેલું. એક વર્ષ પછી એમનું બીજું નાટક ‘યે રામભજની’ પ્રકાશિત થયું. 1920માં એમનું અત્યંત લોકપ્રિય નાટક ‘સુભદ્રા’ પ્રકાશિત થયું. 1928માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાંનાં નાટકોની રંગમંચક્ષમતાનો ઊંડો અભ્યાસ કર્યો. ત્યાંથી પાછા આવ્યા પછી ઇંગ્લૅન્ડનાં નાટકોના પ્રભાવથી એમણે ‘શામુ શાહ’ અને ‘ઘરઘર’ નાટકોની રચના કરી. 1950માં એમનો એકાંકીસંગ્રહ ‘ઝલકારે’ પ્રગટ થયો.
એમનાં નાટકોમાં વિશેષત: સમાજસુધારાનો સૂર છે. ‘સુભદ્રા’માં વિધવાવિવાહની સમસ્યા તથા ‘ઘરઘર’માં પશ્ચિમની સભ્યતાના આક્રમણને પરિણામે સાંપ્રત સમાજમાં ઉત્પન્ન થતી સમસ્યાઓ નિરૂપી છે. એમણે માત્ર નાટકો લખ્યાં જ નથી; પરંતુ રંગમંચ પર નાટકના પ્રસ્તુતીકરણ પર પણ ધ્યાન આપ્યું છે અને વિશેષે કરીને અંગ્રેજી નાટકોની રંગમંચક્ષમતા લાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે અને પંજાબી નાટ્યસાહિત્યને સુઘડ રૂપ આપ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા