નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે :
‘કામિનીને જીતી જેહણે,
જુગ બાધો જિત્યો તેહણે,
છેલ્લો અક્ષર કહું છું સહી
પરનારી સંગ કરવો નહીં.’
દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય છે. નંદસેન રાજા પ્રધાન વૈલોચનની સ્ત્રી પદ્મિની પ્રત્યે કામી બને છે. કેકાણ ખરીદવાને બહાને રાજા પ્રધાનને કચ્છદેશ મોકલે છે. વાસનાપ્રેર્યો રાજા, પ્રધાનની અનુપસ્થિતિમાં પદ્મિનીને ઘેર જાય છે પણ પદ્મિનીના દૃઢ મનોબળ ને પોપટની ચતુરાઈથી પ્રધાનપત્નીનું શીલ રક્ષાય છે. પરદેશથી પાછો ફરેલો પ્રધાન પત્ની પ્રત્યે વહેમાય છે. માનખંડિતા પત્ની પિયર જઈને વસે છે. શિકારે નીકળેલા રાજા-પ્રધાન એક વાર પદ્મિનીના પિતાને ત્યાં જાય છે. વૈલોચનના ચિત્તનો શંકાનો કીડો કાઢવા પદ્મિની, તેનો પિતા નેનકમલશા, રાજા અને પ્રધાન ચોપાટની રમત રમે છે. ચોપાટ રમતાં દરેક ખેલાડી પાસા ફેંકતાં જે દોહરા બોલે છે તેમાં કેટલું બધું સૂચન, કવિત્વ, ઔચિત્ય અને નાટ્યતત્વ ભર્યું છે ! ‘પડ પાસા પોબાર’નો મૌલિક નાટ્યાત્મક પ્રસંગ અને ભીંત ઉપરની સમસ્યાઓ યોજી કવિએ માનવસ્વભાવની સંકુલતાનું અને પાત્રાલેખનની સમર્થ શક્તિનું, ઠીક ઠીક કલ્પનાશક્તિનું અને ‘સત્યનો જય અને અસત્યનો પરાજય’ એ સનાતન ન્યાયનું દર્શન કરાવ્યું છે.
પ્રધાન સિવાય ત્રણેયના પાસા પોબાર પડે છે; પણ પ્રધાનના મનનું સમાધાન થતું નથી. એક વાર રાજા–પ્રધાન શિકારે જતાં, લાગ મળતાં પ્રધાન રાજાનું ખૂન કરે છે. પ્રધાન રાજાનાં અસ્થિને ચંપાના ઝાડ નીચે દાટી દે છે. પોતાનું સતીત્વ પુરવાર કરવા પદ્મિની અગ્નિપરીક્ષા આપે છે. ફલશ્રુતિ રૂપે અંતમાં કવિ કહે છે :
‘કથા રસિક નંદરાયની, સુણે શીખે જે ગાય;
વિજોગ ભાંગે તેહના, આશા પૂરણ થાય,
જ્ઞાન હૃદેમાં ઊપજે, કુબુદ્ધિ ન વ્યાપે દેહ,
સત્ય ઉપર મનસા રહે, નારાયણ-શું સ્નેહ.’
‘મુંબઈ ગુજરાતી નાટકમંડળી’એ નાટક રૂપે તેને સફળ રીતે ભજવી હતી. શામળની ‘નંદબત્રીસી’ તેની અત્યંત લોકપ્રિય ને સાહિત્યકલાનાં ઉચ્ચતત્વે અંકિત, ઘાટીલી કલાકૃતિ છે.
રણજિત પટેલ