ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને કાર્યાન્વિત કરવાની વિશિષ્ટ પદ્ધતિ ગણાય. તે MOB (management by objectives) એવા ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે. તેનો સર્વપ્રથમ ઉલ્લેખ વ્યવસ્થાપન-ક્ષેત્રના નિષ્ણાત પીટર ડૂકરે 1954માં પ્રકાશિત પોતાના પુસ્તકમાં કર્યો હતો. ત્યારથી તેને નક્કર વૈચારિક સ્વરૂપ આપવાના બહોળા પ્રયાસ થયા છે. પરસ્પર સમજૂતીથી સંગઠનનાં ધ્યેયો નક્કી થયા પછી તે કાર્યાન્વિત કરવાની વ્યૂહરચનાના અમલ દરમિયાન દરેક અધિકારી અને કર્મચારીને સોંપવામાં આવેલ કાર્યક્ષેત્રમાં જે તે ઘટકની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીની અમલપૂર્તિનું સતત મૂલ્યાંકન અને અનુશ્રવણ કરવામાં આવે છે. આમ ધ્યેયલક્ષી સંચાલન સંગઠન સાથે જોડાયેલા પ્રત્યેક ઘટકની પ્રવૃત્તિઓ અને પ્રયાસો વચ્ચે સંકલન સાધવાની નેમ ધરાવે છે, જેથી નિર્ધારિત ધ્યેય પરત્વે મહત્તમ સફળતા હાંસલ થઈ શકે. સંગઠન સાથે જોડાયેલા પ્રત્યેક ઘટકની ધ્યેય પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠા તથા તેને સોંપવામાં આવેલી જવાબદારી પાર પાડવા માટેની તેની કટિબદ્ધતા વિના સંચાલનની આ પદ્ધતિ સફળ થઈ શકતી નથી એમ વિશેષ ભારપૂર્વક કહેવામાં આવે છે.
આ સંચાલન પદ્ધતિના ત્રણ અંગભૂત ઘટકો અને પેટાઘટકો હોય છે : (1) સંગઠનનું ધ્યેય નક્કી કરવાની સાથોસાથ તેને અમલમાં મૂકવાનાં ચાવીરૂપ ક્ષેત્રો નિર્ધારિત કરવાં તથા મૂલ્યાંકનની વસ્તુલક્ષી કસોટીઓ નક્કી કરવી. (2) અમલ માટેની યોજનાઓ ઘડવી, દરેક ઘટકની પ્રવૃત્તિઓનો વ્યાપ અને તેને લગતાં કાર્યો અને પ્રવૃત્તિઓ નક્કી કરવાનો તથા પ્રવૃત્તિનો ક્રમ નિર્ધારિત કરવો, તે માટેનાં સાધનો અને સમય-મર્યાદાનો નિર્દેશ કરવો, અમલીકરણ દરમિયાન ઉદભવતી સંભવિત મુશ્કેલીઓની આગાહી કરી તેમને પહોંચી વળવા માટેના ઉપાયોનો નિર્દેશ કરવો. (3) દરેક ઘટકનું નિયતકાલીન તથા વાર્ષિક મૂલ્યાંકન હાથ ધરવું અને તે દ્વારા દરેક ઘટકની સિદ્ધિપૂર્તિ અને ક્ષતિઓનું આલેખન કરવું. જે સંગઠનો વિશિષ્ટ પ્રકલ્પ-(project)ને કાર્યાન્વિત કરવાની પ્રવૃત્તિ કરે છે તે સંગઠનોએ જે તે પ્રકલ્પ પૂરો થયા પછી જ સિદ્ધિપૂર્તિનું મૂલ્યાંકન હાથ ધરવું જોઈએ.
ધ્યેયલક્ષી સંચાલનપદ્ધતિની સફળતા કેટલાંક પરિબળો પર આધાર રાખે છે; દા.ત., સંગઠનનાં ધ્યેયો વસ્તુલક્ષી તથા વાસ્તવિક હોય, સંગઠન સાથે સંકળાયેલ દરેક ઘટક સંપૂર્ણ નિષ્ઠા સાથે અમલ કરવા તત્પર હોય, દરેક ઘટકનું કાર્યક્ષેત્ર તથા દરેકની ફરજો સ્પષ્ટ રીતે નિર્ધારિત થયેલાં હોય, દરેક પ્રક્રિયામાં સંબંધિત દરેક ઘટકની સક્રિય ભાગીદારી હોય, યોજનાઓ તથા પેટાયોજનાઓ અમલમાં મૂકવાની બાબતમાં દરેક ઘટકને સ્વાયત્તતા બક્ષેલી હોય તથા મૂલ્યાંકન અને અનુશ્રવણની પ્રક્રિયા વસ્તુલક્ષી અને તટસ્થપણે હાથ ધરવામાં આવેલી હોય.
ધ્યેયલક્ષી સંચાલનમાં માનવતત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.
પિનાકીન ર. શેઠ