ધુરંધર (2025) : વિદેશમાં જાસૂસી કરતા ગુપ્તચર એજન્ટના જીવન, ગુનેગારોની આંતરિક લડાઈ અને આતંકવાદીઓ તથા રાજકારણીઓની સાંઠગાંઠને આલેખતું ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું હિન્દી ચલચિત્ર.
આ ચલચિત્રના પટકથાલેખક, નિર્માતા અને દિગ્દર્શક આદિત્ય ધર છે. જાણીતા સંગીતકાર શાશ્વત સચદેવે સંગીત આપ્યું છે અને ચલચિત્રની જરૂરિયાત પ્રમાણે કેટલાંક જૂનાં ગીતોનો આધાર લઈને રિમિક્સ ધૂન પણ સર્જી છે. ઇર્શાદ કામિલ, સૂરજ ચેરુકટ, જાસ્મીન સેન્ડલસ, બાબુસિંહ માન અને લાલચંદ યમલા જાટે ચલચિત્ર માટે ગીતો લખ્યાં છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, સારા અર્જુન તથા રાકેશ બેદી મુખ્ય ભૂમિકામાં છે.
પાકિસ્તાનના કરાંચી શહેરના લ્યારી પ્રદેશમાં આ ચલચિત્રની વાર્તા આકાર લે છે. ચલચિત્રમાં ભારતમાં બનેલી કેટલીક આતંકી ઘટનાઓનો સંદર્ભ લેવામાં આવ્યો છે. 1999માં આતંકવાદીઓ દ્વારા ભારતીય વિમાનના થયેલા અપહરણ અને 2001માં ભારતની સંસદ પર થયેલા હુમલા બાદ આતંકવાદીઓની હિલચાલ પર નજર રાખવા માટે ભારતીય જાસૂસને પાકિસ્તાન મોકલવામાં આવે છે. ભારતીય જાસૂસ તેના મિશનને કેવી રીતે પાર પાડે છે તેની વાર્તા ચલચિત્રમાં દર્શાવવામાં આવી છે. આ ચલચિત્ર પાકિસ્તાનના ખૂંખાર અપરાધી રહેમાન ડૈકત સહિત અન્ય અપરાધીઓની પોલીસઅધિકારીઓ અને રાજકારણીઓ સાથેની સાંઠગાંઠને પણ ઉજાગર કરે છે.
આ ચલચિત્રમાં હિંસાનો અતિરેક થયો છે.
ચલચિત્રનાં કેટલાંક ગીતો જૂનાં ગીતોનું રિમિક્સ છે. 1960માં આવેલી ‘બરસાત કી રાત’ ચલચિત્રની સાહિર લુધિયાનવીલિખિત અને રોશન દ્વારા સંગીતબદ્ધ થયેલી પ્રસિદ્ધ કવ્વાલી ‘ના તો કારવાઁ કિ તલાશ હૈ’થી પ્રેરિત એક ગીત પણ ‘ધુરંધર’ ચલચિત્રમાં સમાવવામાં આવ્યું છે. જે અત્યંત લોકપ્રિય બન્યું છે. જોકે મૂળ આ ગીત પાકિસ્તાનના પ્રસિદ્ધ કવ્વાલી ગાયક ફતેહ અલી ખાન અને મુબારક અલી ખાતે 1950માં ગાયું હતું.
આ ચલચિત્રનો બીજો ભાગ (સિક્વલ) પણ છે.
હેમલ જાદવ
