ધી ‘ઇસ્ટ વિન્ડ’ અંતરીક્ષ કેન્દ્ર (The ‘East Wind’ Space Centre) : ચીનનું ઉપગ્રહ-પ્રમોચન-મથક. તે ગોબીના રણના કિનારા પર, મૉંગોલિયાના અંતરાલ ભાગમાં ‘શુઆંગ ચેન્ગ ત્સે’ નામના કસબા પાસે આવેલું છે. (ભૌગોલિક સ્થાન: 40° 25´ ઉ. અ. 99° 50´ પૂ. રે.). 1960ની શરૂઆતમાં ટૂંકા અને મધ્યમ અંતરનાં પ્રક્ષેપાસ્ત્રોના પરીક્ષણ માટે આ મથકે કામ શરૂ કરવામાં આવ્યું હતું. 1966થી 1970 દરમિયાન અહીંથી 650થી 1600 કિમી.ના અંતરની ક્ષમતા ધરાવતાં પ્રક્ષેપાસ્ત્રો CSS-1, CSS-2 અને CSS-3નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પૈકી CSS-2 પ્રક્ષેપાસ્ત્રમાં જરૂરી સુધારાવધારા કરીને, ઉપગ્રહ-પ્રમોચન-વાહન ‘લૉન્ગ માર્ચ’ તૈયાર કરવામાં આવ્યું અને તેની મદદથી ચીનનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ ‘ચાઇના 1’ 24 એપ્રિલ, 1970ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. 1975થી 1978 દરમિયાન આ પ્રમોચન-મથક પરથી બીજા આઠ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા, જેમાંના છ ઉપગ્રહો સફળ રીતે નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકી શકાયા હતા.
પરંતપ પાઠક