ધારાસભા : રાજ્યના કાયદાઓનું ઘડતર કરનારું પ્રતિનિધિગૃહ. અધિકાંશ આધુનિક રાજ્યોમાં – ખાસ તો લોકશાહીમાં રાજ્યના કાયદાઓ અને નીતિઓને અધિકૃત સ્વરૂપ આપવા માટે ધારાસભાને અનિવાર્ય ગણવામાં આવે છે. અલગ અલગ દેશોમાં ધારાસભાને જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે; દા. ત., અમેરિકામાં કૉંગ્રેસ, બ્રિટનમાં પાર્લમેન્ટ, ભારતમાં સંસદ. આ ધારાસભાઓ ઘણે ભાગે દ્વિગૃહી હોય છે. તેનું પ્રત્યેક ગૃહ ખાસ નામ ધરાવે છે; જેમ કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં સેનેટ અને પ્રતિનિધિસભા, ઇંગ્લૅન્ડમાં ઉમરાવસભા અને આમસભા – એમ બે ગૃહો હોય છે. દ્વિગૃહી ધારાસભા હોય ત્યાં ઉપલું ગૃહ, નીચલું ગૃહ, ભારતમાં કેન્દ્રમાં લોકસભા અને રાજ્યસભા, રાજ્યકક્ષાએ વિધાનસભા અને વિધાનપરિષદ વગેરે.
આમ તો પ્રાચીન રોમમાં અને ગ્રીસમાં પણ ધારાગૃહો અસ્તિત્વમાં હતાં; પરંતુ તેના આધુનિક સ્વરૂપમાં ધારાસભાનો ઉદભવ ઇંગ્લૅન્ડમાં થયેલો ગણી શકાય. તેરમી સદીમાં રાજાના સલાહકાર મંડળ તરીકે શરૂ થયેલો ધારાસભાનો ખ્યાલ લાંબા અને લોહિયાળ સંઘર્ષ બાદ તેના આધુનિક સ્વરૂપમાં વ્યાપક અધિકારો અને સત્તા સાથે સત્તરમી સદીના અંતમાં મૂર્તિમંત થયો. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોમાં વ્યાપક બંધારણીય અધિકારો ધરાવતી ધારાસભાઓ અસ્તિત્વમાં આવી.
દરેક રાજ્યની ધારાસભા પાસે એકસમાન અધિકારો હોતા નથી. કેટલાંક રાજ્યોમાં ધારાસભા પાસે કાયદો અને નીતિઓ ઘડવાની, તે વિશે વિચારવિમર્શ કરવાની અને બાકીનાં બે અંગો–કારોબારી અને ન્યાયતંત્ર નાં કાર્યમાં હસ્તક્ષેપ કરવાની વ્યાપક સત્તા હોય છે, જ્યારે કેટલાંક રાજ્યોમાં ધારાસભા પાસે નામ પૂરતા અધિકારો હોય છે. જોકે બંધારણીય રીતે વ્યાપક અધિકારો ધરાવવા છતાં સંસદીય લોકશાહી હોય ત્યાં વાસ્તવિકતામાં તો ધારાસભાની મોટાભાગની પ્રવૃત્તિઓ પર કારોબારીનું આધિપત્ય સ્પષ્ટ રીતે દેખાતું હોય છે.
ધારાસભાનું મુખ્ય કાર્ય કાયદો ઘડવાનું, તેમાં ફેરફાર કરવાનું અને સરકારી નીતિઓ અને પગલાંઓ પર ચર્ચાવિચારણા કરવાનું હોય છે. બંધારણ દ્વારા સ્વીકૃત પ્રક્રિયા મુજબ ખરડાનું એકથી વધારે વાચન કર્યા બાદ નિયત બહુમતીથી તેને પસાર કરવામાં આવે છે. કાયદાના મુસદ્દા તૈયાર કરવાનું મુખ્ય કાર્ય કારોબારી કરતી હોવાને કારણે અને ધારાસભાના સભ્યોની પ્રવૃત્તિ પર પક્ષીય વફાદારીની અસરને કારણે કારોબારીએ રજૂ કરેલા અધિકાંશ ખરડાઓ સાધારણ ફેરફાર બાદ મંજૂર કરી દેવાય છે. આ જ કારણસર ખાનગી સભ્ય દ્વારા રજૂ થયેલા ખરડાઓને ભાગ્યે જ મંજૂરી મળવાની શક્યતા હોય છે. બંધારણીય સુધારાઓ કરવાનું કાર્ય પણ સામાન્ય રીતે ધારાસભાને સોંપવામાં આવેલું હોય છે.
કાયદો ઘડવા ઉપરાંત ધારાસભા જનમતની અભિવ્યક્તિનું અને સરકારી નીતિઓ કે મહત્વના જાહેર અને રાજકીય પ્રશ્નો પર મુક્ત વિમર્શ અને ટીકા કરવાનું ફોરમ છે. સભ્યો પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા સભામોકૂફીની દરખાસ્ત, વિશેષાધિકારની દરખાસ્ત, ગૃહની કાર્યવહીનો બહિષ્કાર જેવાં પગલાં લે છે. પ્રશ્નકાળ દરમિયાન કે શૂન્યકાળમાં સભ્યો મંત્રીઓ અને સરકારના વડાને વહીવટી કાર્યો વિશે પ્રશ્નો પૂછી શકે છે. ધારાસભા રાજ્યના નાણાકીય વ્યવહાર અને અંદાજપત્ર પર પણ પોતાનું નિયંત્રણ રાખે છે. ભ્રષ્ટાચાર કે કૌભાંડની શંકા લાગે તો તેની તપાસ કરવા માટે પોતાના સભ્યોની બનેલી તપાસ સમિતિની રચના તે કરી શકે છે. દેશના ઉચ્ચ પદાધિકારીઓ જેવા કે પ્રમુખ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ કે લશ્કરી વડાઓને પદ પરથી હઠાવવા માટે મહાભિયોગની કાર્યવહી કરવાનો અધિકાર પણ મોટાભાગના દેશોની ધારાસભા પાસે આરક્ષિત હોય છે.
પોતાના સભ્યો કાયદાના ઘડતરની અને વિચારવિમર્શની પ્રવૃત્તિમાં હિસ્સેદાર બની શકે તે રીતે કાર્ય કરવા માટે ધારાસભા એક મહત્વની સંસ્થા છે. એટલે સામાન્ય રીતે તે સમિતિ પદ્ધતિ દ્વારા પોતાની વૈધાનિક જવાબદારીનું વહન કરે છે. અલગ અલગ મંત્રાલયો સાથે સંકળાયેલી સમિતિઓ જુદી જુદી જવાબદારીઓનું નિર્વહન કરે છે. જોકે યુનાઇટેડ સ્ટેટ્સની જેમ જ્યાં ધારાસભાના સભ્યો પર પક્ષીય પ્રભાવ ઓછો હોય ત્યાં જ આ પ્રકારની સમિતિપ્રણાલી અસરકારક અને સફળ થઈ શકે છે.
ધારાસભા એકગૃહી અથવા દ્વિગૃહી હોય છે. ફિનલૅન્ડ, સ્વીડન, ડેન્માર્ક કે નૉર્વે જેવા અપવાદરૂપ દેશોને બાદ કરતાં મોટાભાગના દેશોની ધારસભામાં બે ગૃહો હોય છે. આમાંથી નીચલું ગૃહ લોકો દ્વારા સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું હોય છે, જેની મુદત જુદાં જુદાં રાજ્યોમાં બેથી સાત વર્ષની હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટને બાદ કરતાં બીજા દેશોમાં ઉપલું ગૃહ અપ્રત્યક્ષ રીતે રચાયેલું હોય છે. જેમાં ભૌગોલિક, જન્મ કે કુળના ધોરણે, સમવાયતંત્રના ઘટક રાજ્ય તરીકે અથવા કેટલાંક ક્ષેત્રોમાં નામના મેળવવા બદલ સભ્યપદ પ્રાપ્ત થાય છે.
બે ગૃહવાળી ધારાસભામાં ઉપલું ગૃહ નીચલા ગૃહ દ્વારા પસાર કરેલા ખરડાનું પુનર્નિરીક્ષણ કરી તેમાં રહેલી ત્રુટિઓને સુધારે છે. નીચલા ગૃહમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી ચૂંટણીઓને લક્ષમાં રાખીને પોતાના વ્યવહારમાં લોકપ્રિયતાવાદી બની જવાની શક્યતા હોય છે જ્યારે ઉપલા ગૃહમાં ચર્ચાનું ધોરણ વધુ પુખ્ત અને ગંભીર હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. વ્યાવસાયિક અને રાજકીય રીતે અનુભવી અને નીચલા ગૃહની તુલનામાં વયસ્ક સભ્યોનું બનેલું ઉપલું ગૃહ પક્ષીય વફાદારી અને વિચારસરણીથી ઓછું પ્રભાવિત થઈ રાષ્ટ્રીય હિતોનો વ્યાપક ખ્યાલ રાખી શકે છે. વળી નીચલા ગૃહ કરતાં તેની મુદત વધુ લાંબી હોવાને કારણે તેના સભ્યો અસલામતીની ભાવના અનુભવતા હોતા નથી.
દ્વિગૃહી ધારાસભામાં જે વ્યક્તિઓ અને વર્ગો ચૂંટણી નથી લડવા માગતા અથવા બહુમતીપ્રથાવાળી ચૂંટણીઓમાં જેમના માટે નીચેના ગૃહમાં સ્થાન પ્રાપ્ત કરવું મુશ્કેલ હોય છે તેમનું યોગદાન ઉપલા ગૃહના સભ્યપદ દ્વારા કાયદાના ઘડતર અને સરકારના કાર્યવહનમાં મળી શકે છે. સમવાય પ્રણાલીમાં ઘટક રાજ્યોને પ્રતિનિધિત્વ આપવા બે ગૃહોનું હોવું અનિવાર્ય ગણવામાં આવે છે. વળી, બે ગૃહો હોવાને કારણે કોઈ એક ગૃહ પર વૈધાનિક કાર્યોનો સંપૂર્ણ બોજ આવી પડતો નથી. જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય છે ત્યાં ઉપલા ગૃહની સરખામણીમાં નીચલા ગૃહની સત્તાઓ વધુ વ્યાપક હોય છે.
દ્વિગૃહી ધારાસભાના ટીકાકારોના મતે તે એક ખર્ચાળ અને કાયદાના કાર્યને બિનજરૂરી વિલંબમાં નાખી દેતી પદ્ધતિ છે; પ્રજા દ્વારા ચૂંટાયેલા ગૃહની ઉપરવટ અન્ય ગૃહની રચના કરી લોકતંત્રની ભાવનાને ઠેસ પહોંચે છે અને બે ગૃહો વચ્ચે વિસંવાદિતા કે સંઘર્ષ સર્જાય છે. ઐતિહાસિક રીતે પણ ધારાસભાના ઉપલા ગૃહની રચના તેની ઉચ્ચતર ગુણવત્તાની ખાતરીમાંથી નહિ પરંતુ કેટલાક વર્ગોને યોગ્ય સ્થાન અને પ્રતિનિધિત્વ આપવાના સમાધાનકારી વલણને કારણે થઈ છે. જોકે હવે લગભગ તમામ દેશોમાં દ્વિગૃહી ધારાસભાનું પ્રચલન જોવા મળે છે.
અમિત ધોળકિયા