ધારવાડ રચના (Dharwar system) : ભારતમાં મળી આવતી પ્રી-કૅમ્બ્રિયન ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે રહેલી રચના. તેની નીચે તરફ આર્કિયન રચના અને ઉપર તરફ કડાપ્પા રચના રહેલી છે. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળાની ભારતમાં મળતી ખડકરચનાઓના નિમ્ન ભાગનો આર્કિયન સમૂહમાં અને ઊર્ધ્વ ભાગનો પ્રાગ્જીવસમૂહમાં સમાવેશ કરેલો છે. આ બંને ભાગોના ફરીથી બે બે પેટાવિભાગો પાડેલા છે. નીચેની સારણી પરથી ધારવાડ રચનાનું સ્થાન સ્પષ્ટ બની રહે છે :
યુગ | સમૂહ | રચના |
પ્રી-કૅમ્બ્રિયન યુગ |
પ્રાગ્જીવસમૂહ
આર્કિયન સમૂહ |
વિંધ્ય રચના
કડાપ્પા રચના ધારવાડ રચના આર્કિયન રચના |
ડી. એન. વાડિયાના મંતવ્ય પ્રમાણે ભારતના આર્કિયન ખડકસમૂહના 300 કરોડ વર્ષથી વધુ વયના નીચેના ભાગને આર્કિયન રચના અને 250થી 300 કરોડ વર્ષ વચ્ચેના ગાળાના ઉપરના ભાગને ધારવાડ રચના તરીકે ઓળખવામાં આવે છે.
ધારવાડ રચનાનાં જટિલ લક્ષણો : ધારવાડ રચનાના આર્કિયન રચના સાથેના સંબંધો જટિલ છે. જટિલ એટલા માટે છે કે કેટલાંક સ્થાનોમાં ધારવાડ રચનાના ખડકો અસંગતિ સાથે આર્કિયન રચનાની ઉપર રહેલા છે, ક્યાંક તે આર્કિયન રચનાની વચ્ચે પણ મળે છે; ધારવાડ રચનાના ખડકોની એવી પણ પ્રાપ્તિસ્થિતિ જોવા મળે છે કે જેમાં તે આર્કિયન રચનાના ખડકો કરતાં નિ:શંકપણે જૂના વયના છે.
ધારવાડ રચનાના ખડકો મુખ્યત્વે જળકૃત ઉત્પત્તિવાળા હોવા છતાં પણ તે જીવાવશેષરહિત છે. તેમનું જીવાવશેષરહિત લક્ષણ સમજાવવા માટે એવું સૂચવવામાં આવ્યું છે કે તે અતિપ્રાચીન વયના હોવાથી તે સમયે પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું જીવન અસ્તિત્વ ધરાવતું ન હોય અથવા તો મૂળ જળકૃત ખડકો પર થયેલી વિકૃતિની અસરને કારણે ખડકોમાં રહેલા જીવાવશેષ નાશ પામ્યા હોય. આ ખડકો પર થયેલી ભૂસંચલનક્રિયાઓથી વિરૂપતા ઉદભવી છે અને અંતર્ભેદકોની અસરથી તે વિકૃત ખડકોમાં પરિણમ્યા છે.
ધારવાડ રચનાના આર્કિયન રચના સાથેના ઉપર પ્રમાણેના જટિલ સંબંધોને કારણે આ રચનાની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય : “આર્કિયન રચનાના નાઇસ અને શિસ્ટ ખડકો જેટલી જ વયની કે કેટલીક વખતે તેનાથી જૂના વયની વિકૃતિ પામેલી જળકૃત ખડકરચના કે જે એપાર્કિયન અસંગતિ નીચે મળી આવે છે, તે ધારવાડ રચના તરીકે ઓળખાય છે.”
ધારવાડ રચનાના ખડકોની પ્રાપ્તિસ્થિતિ માટેની નોંધપાત્ર હકીકત છે કે આ ખડકો આર્કિયન નાઇસ ખડકોમાં સાંકડા, લાંબા અધોવાંક જેવા વિવૃત ભાગો તરીકે નવવિવૃતિ રૂપે મળી આવે છે. તેમની પ્રાપ્તિસ્થિતિની આ વિશિષ્ટતાનું કારણ એ છે કે ધારવાડ ખડકસ્તરોના જે ભાગ ઊંડી અધોવાંકમય ગેડના ગર્તવિસ્તારમાં આવેલા છે તેમના ઉપર દાબની ખૂબ જ અસર થયેલી છે અને તે જળવાઈ રહેલા છે, જ્યારે અધોવાંકને જોડતા ઊર્ધ્વવાંકના શીર્ષભાગ લાંબા કાળ દરમિયાન થયેલી ઘસારા અને ખવાણની ક્રિયાઓને કારણે નાશ પામ્યા છે.
ખડકવિદ્યા : ધારવાડ રચનાનો મોટોભાગ સ્લેટ, ફીલાઇટ, શિસ્ટ, (ક્લોરાઇટ-હૉર્નબ્લેન્ડ, હેમેટાઇટ) અને મૅગ્નેટાઇટ શિસ્ટ ક્વાર્ટ્ઝાઇટ ખડકોથી બનેલો છે. આ વિકૃત ખડકો મૂળ જળકૃત કે અગ્નિકૃત ખડકોની વિકૃતિને કારણે ઉદભવેલા છે. આ ઉપરાંત આ ભૂસ્તરીય રચનામાં ગોંડાઇટ (ક્વાર્ટ્ઝ, મૅંગેનીઝ, ગાર્નેટ, રોડોનાઇટ), કોડ્યુરાઇટ (ઑર્થોક્લેઝ, મૅંગેનીઝ, ગાર્નેટ, ઍપેટાઇટ), કણશ: વિસ્થાપનની ક્રિયાથી અસ્તિત્વમાં આવેલા મૅગેનીઝયુક્ત સ્ફટિકમય ચૂનાખડકો તેમજ નમનીય રેતીખડક જેવા વિશિષ્ટ ખડકોનો પણ સમાવેશ થાય છે. ભારતની ઐતિહાસિક ઇમારતોના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા આરસપહાણનો પણ અહીં સમાવેશ થાય છે, જે કેટલીક વખતે સર્પેન્ટાઇનયુક્ત હોવાથી લીલા રંગમાં મળી આવે છે.
ધારવાડ રચનામાં સમાવિષ્ટ ગ્રૅનાઇટ, પેગ્મેટાઇટ, સોડાલાઇટ સાયનાઇટ, નેફેલીન સોડાલાઇટ સાયનાઇટ, ક્વાર્ટ્ઝ પૉર્ફિરી તેમજ અલ્ટ્રાબેઝિક ખડકો અગ્નિકૃત અંતર્ભેદક પ્રકારના છે. આ અંતર્ભેદકો પૈકી પેગ્મેટાઇટ ખડકોમાં ઔદ્યોગિક ર્દષ્ટિએ ઉપયોગી ખનિજો, વિરલ ખનિજો, કિરણોત્સારી ખનિજો, કીમતી-અર્ધકીમતી ખનિજો, જેવાં કે મસ્કોવાઇટ, મોલિબ્ડિનાઇટ, કોલંબાઇટ, પિચબ્લેન્ડ, ગૅડોલિનાઇટ, સમરસ્કાઇટ, ટૉર્બેરનાઇટ, બેરિલ, ઍમેરાલ્ડ, ઍક્વામરીન, ઍમિથિસ્ટ વગેરે મળી આવે છે.
વિતરણ : ધારવાડ રચનાના ખડકો ભારતનાં લગભગ તમામ રાજ્યો – રાજસ્થાન, મધ્યપ્રદેશ-છત્તીસગઢ, બિહાર-ઝારખંડ, ઓરિસા, અસમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, ગોવા તેમજ ગુજરાતમાં મળી આવે છે. હિમાલયની ઊંચી હારમાળાની મધ્ય સ્ફટિકમય અક્ષ અને બાહ્ય હારમાળાની વચ્ચે આ પ્રાચીન જળકૃત રચના લગભગ એક સળંગ પટ્ટા રૂપે મળી આવે છે. હિમાલય વિસ્તારની ધારવાડ રચનાના વિવૃત ભાગોને તેમના વિતરણના સ્થાન પ્રમાણે જુદાં જુદાં નામ આપવામાં આવેલાં છે; દા. ત., સ્પિટિ વિસ્તારના ધારવાડ કક્ષાના ખડકો વિક્રિતા શ્રેણી તરીકે ઓળખાય છે. આ જ પ્રમાણે ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં મળી આવતા ધારવાડ રચનાના વિવૃત ભાગો નીચેની સારણીમાં દર્શાવ્યા મુજબની શ્રેણીના નામથી ઓળખાય છે :
રાજ્ય | શ્રેણી |
રાજસ્થાન | અરવલ્લી રચના |
મધ્યપ્રદેશ-છત્તીસગઢ | સોસરશ્રેણી, ગોંડાઇટ શ્રેણી, ચિલ્પી શ્રેણી |
બિહાર-ઝારખંડ | આર્યનઓર શ્રેણી |
તમિળનાડુ | કોડ્યુરાઇટ શ્રેણી |
ગુજરાત | ચાંપાનેર શ્રેણી |
આર્થિક મહત્વ : ધારવાડ રચનાનું આર્થિક મહત્વ તેમાં રહેલી ખનિજસંપત્તિની વિવિધતા અને વિપુલતા સાથે સંકળાયેલું છે. ભારતમાં મળી આવતી જુદા જુદા વયની ખડકરચનાઓમાં ધારવાડ રચના ખનિજસંપત્તિની ર્દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે અને તેથી તેને ભારતની ‘ખનિજસંપત્તિનો ભંડાર’ કહે છે. ધારવાડ રચનાની ખનિજસંપત્તિ આ પ્રમાણે દર્શાવી શકાય : (1) ધાતુખનિજો : સોનું, લોખંડ, મૅંગેનીઝ, તાંબું, સીસું, ક્રોમિયમ, ટંગ્સ્ટન, ટાઇટેનિયમ. (2) અધાતુ ખનિજો : અબરખ (મસ્કોવાઇટ), વર્મિક્યુલાઇટ, લેપિડોલાઇટ, સ્પોડ્યુમીન, સ્ટીએટાઇટ. (3) વિરલ અને કિરણોત્સારી ખનિજો : પિચબ્લેન્ડ, થોરિયમનાં ખનિજો, મોનેઝાઇટ, કોલંબાઇટ, બેરિલ વગેરે. (4) કીમતી-અર્ધકીમતી ખનિજો : સેફાયર, પન્નું, માણેક, ટોપાઝ, ઍક્વામરીન, ક્રાયસોબેરિલ, રૉક ક્રિસ્ટલ, ઍમિથિસ્ટ, ગાર્નેટ, સ્પાઇનેલ, પટ્ટાદાર જાસ્પર વગેરે.
ઉપર દર્શાવેલી ખનિજસંપત્તિ ઉપરાંત ધારવાડ રચનામાં ઇમારત-યોગ્ય બાંધકામ-ખડકો જેવા કે આરસપહાણ, સર્પેન્ટાઇનયુક્ત આરસપહાણ, સ્લેટ, ફીલાઇટ અને ગ્રૅનાઇટના વિપુલ જથ્થા રહેલા છે. આ બાંધકામ-ખડકો પૈકી આરસપહાણમાંથી ભારતની પ્રાચીન સમયની ઇમારતોનું બાંધકામ કરવામાં આવેલું છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે