ધાનકા : ગુજરાતની એક આદિવાસી જાતિના લોકો. ધાનકા, ધાણક કે ધાનકને નામે ઓળખાતી આ આદિવાસી જાતિ મુખ્યત્વે વડોદરા જિલ્લાના નસવાડી, તિલકવાડા અને છોટાઉદેપુર તાલુકાઓમાં, ભરૂચ જિલ્લામાં રાજપીપળામાં, સૂરતમાં ઉચ્છલ-નીઝરમાં અને થોડા પ્રમાણમાં ખેડા અને પંચમહાલ જિલ્લાઓમાં પણ જોવા મળે છે. દંતકથા અનુસાર તેઓ મૂળ ચૌહાણ રજપૂતો હતા, પરંતુ પાવાગઢના પતનથી ભાગી છૂટી જંગલમાં આશ્રય લીધો અને ત્યાં હલકા ધાન પર જીવન ગુજાર્યું. આથી તેઓ ‘ધાનકા’ કહેવાયા. જેઓ નર્મદાતટે વસ્યા તેઓ ‘તટવી’ અને તેમાંથી ‘તડવી’ કહેવાયા. તેઓની 2011ની વસ્તીગણતરી પ્રમાણે અંદાજે બે લાખ જેટલી વસ્તી છે.

તેમનામાં તડવી, વળવી અને તેતરિયા – એમ ત્રણ પેટાજૂથો છે, જે અનુક્રમે ઊતરતો દરજ્જો ધરાવે છે. તેમની વચ્ચે બેટી-વ્યવહારનો નિષેધ છે. તડવીઓ પોતાને સૌથી ઊંચા માને છે અને લગ્નવિધિમાં બ્રાહ્મણને બોલાવે છે. લગ્ન માબાપ નક્કી કરે છે. છોકરાવાળા છોકરીને ત્યાં માગું નાખે છે. દહેજપ્રથા છે. સગોત્રી લગ્નનો નિષેધ છે. ઘરજમાઈ, પુનર્લગ્ન, વિધવાવિવાહ અને છૂટાછેડા પ્રચલિત છે. લગ્નમાં ગણપતિની પૂજા થાય છે. મડદાને બાળે છે. ક્યાંક દાટે પણ છે.

તેઓ ખેતી, ખેતમજૂરી, જંગલમજૂરી, પથ્થરો ફોડવા, વાંસકામ અને જંગલની પેદાશ ભેગી કરવી જેવા વ્યવસાયો કરે છે. મોટાભાગના ગરીબી-રેખા નીચે જીવન જીવે છે. તેઓ મકાઈ, જુવાર, દાળ ખાય છે; માંસાહાર પણ કરે છે. તાડી અને દારૂ પીએ છે.

તેઓ હિંદુ દેવીદેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે અને તેમને પૂજે છે. આ ઉપરાંત વાઘદેવ, ડુંગરદેવ, મેલડીમાતામાં શ્રદ્ધા ધરાવે છે. માંદા પડે ત્યારે પરંપરાગત ધાર્મિક વડાબડવાનો સહારો લે છે. માંદગીમાં માતાનો રથ કાઢે છે. જે એક ગામથી બીજે ગામ ફરતો ફરતો છેવટે પાવાગઢ પહોંચાડાય છે. તેથી રોગ મટે છે તેમ માને છે. હિંદુ સાંપ્રદાયિક અસરોથી દારૂ, તાડી તથા માંસાહાર ક્યાંક ક્યાંક છૂટ્યાં છે. તેઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પોતાનું આગવું જાતિપંચ નથી. ગામપંચ જે ન્યાય કરે તેનો સામાજિક બાબતોમાં સ્વીકાર કરવામાં આવે છે.

અરવિંદ ભટ્ટ