ધાત્રી રસાયન : આયુર્વેદનું શક્તિવર્ધક રસાયન. તાજાં આમળાંને એક દિવસ અને એક રાત દૂધમાં પલાળી રાખીને બીજે દિવસે પાણીથી ધોઈ પાણીમાં ઉકાળીને બાફી, શણિયા અથવા જાળીવાળા કાપડમાં ઘસીને માવો તૈયાર કરવામાં આવે છે. એક કડાઈમાં થોડું ઘી નાખી આમળાંનો માવો તેમાં નાખી ધીમા તાપે શેકવામાં આવે છે. માવામાંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં બમણી ખાંડની ચાસણી નાખી પાક તૈયાર કરાય છે. ત્યારબાદ તેમાં નાની અને મોટી એલચીના દાણા, નાગરમોથ, અગર, તગર, જટામાંસી, સફેદ ચંદન, વાંસકપૂર, રૂમી મસ્તકી, જાયફળ, જાવંત્રી, કેસર, તમાલપત્ર, તાલીસપત્ર, અંબર, ગુલાબનાં ફૂલ, ધાણા, શાહજીરું, કપૂરકાચલી, નિર્મળી, તજ, અબરેશમ અને બિજોરાની છાલ નાખીને સૂક્ષ્મ કપડછાન ચૂર્ણ તૈયાર કરાય છે. તેમાં ચાંદીના તથા સોનાના વરખ મેળવી બરણીમાં ભરી ચાલીસ દિવસ મૂકી રખાય છે. 40 દિવસ બાદ જમતાં પહેલાં ત્રણ કલાક અગાઉ 10 ગ્રામ જેટલું ચાટીને ઉપર દૂધ પિવાય છે. આ ઉત્તમ રસાયન, બલકારક, વાજીકરણ તથા શરીરને પુષ્ટ કરનાર ટૉનિક ગણાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા