ધાતુ : સંસ્કૃત ક્રિયાપદની પ્રકૃતિ. પાણિનીય વ્યાકરણમાં આ એક સંજ્ઞા છે. પાણિનિએ તેની કોઈ વ્યાખ્યા ન આપતાં એક સૂચિ આપી છે. તેમાં સંગૃહીત થયેલા 2,200 જેટલા भू વગેરે શબ્દો કે જે ક્રિયાનો અર્થ બતાવતી પ્રકૃતિ છે, તેમને ધાતુ કહે છે. પતંજલિએ ક્રિયાવાચક પ્રકૃતિને ધાતુ કહેવાય એવી વ્યાખ્યા આપી છે. નવ્યવૈૈયાકરણો ફળ અને વ્યાપારનો વાચક ધાતુ છે એમ જણાવે છે. અર્થાત્ धातु + तिप् વગેરે પ્રત્યયોના સંયોજનથી જે ક્રિયાપદની (જેમ કે पठति) રચના થાય છે, તેમાં પુરુષ, સંખ્યા અને કાળરૂપી અર્થો ‘ति’ વગેરે પ્રત્યયોના છે, જ્યારે વ્યાપાર (કોઈ ચેષ્ટાવિશેષ) અને ક્રિયાજન્ય ફળ (પરિણામ) તે ધાતુરૂપ પ્રકૃતિના અર્થો છે.
શાકટાયન વગેરે વૈયાકરણો અને નૈરુક્તોના મત પ્રમાણે ભાષામાં વપરાતાં તમામ નામો ધાતુજ એટલે કે ક્રિયાવાચક ધાતુમાંથી વ્યુત્પન્ન થયેલાં છે.
આ મૂળ ધાતુઓને ઇચ્છાદર્શક सन्, પૌન:પુન્યાર્થક यङ् અને પ્રેરનાર્થક निच् જેવા પ્રત્યયો લાગતાં જે ઘટક તૈયાર થાય છે, તેને પણ ધાતુ કહે છે. આવા ધાતુઓ ધાતુજ ધાતુ કે પ્રત્યયાન્ત ધાતુ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત કેટલાંક નામોને क्यच्, क्यड्; क्विप् જેવા પ્રત્યયો લાગતાં તૈયાર થતો ઘટક પણ ‘ધાતુ’ તરીકે ઓળખાય છે, જેને ‘નામધાતુ’ પણ કહે છે. ધાતુજ ધાતુના ણિજન્ત, સન્નન્ત અને યઙન્ત કે યઙ્લુગન્ત એ ત્રણ પેટાપ્રકારો છે. જ્યારે નામધાતુના (1) ક્યજન્ત, (2) કામ્યન્ત, (3) ક્યઙન્ત, (4) ક્યષન્ત, (5) ણિગન્ત, (6) ક્વિબન્ત અને (7) પ્રકીર્ણ — એમ સાત પેટાપ્રકારો છે.
ક્રિયાવાચક ધાતુને तिप् વગેરે કાળવાચક પ્રત્યયો લાગતાં પહેલાં તે બેની વચ્ચે જે અંગસાધક ‘વિકરણ’ પ્રત્યયો ઉમેરાય છે, તે દશ પ્રકારના છે, જેને આધારે સમગ્ર ધાતુસમૂહને દશ ગણમાં વિભાજિત કરવામાં આવેલો છે. તો વળી આ ધાતુઓને આત્મનેપદી કે પરસ્મૈપદી કે ઉભયપદીના રૂપમાં, સકર્મક-અકર્મક કે દ્વિકર્મકના રૂપમાં તેમજ સેટ્-અનિટ્ કે વેટ્ના રૂપમાં એમ અનેક રીતે વિભાજિત કરવામાં આવે છે.
વળી ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’માં (1) ધાતુપાઠમાં કહેલા, (2) ધાતુપાઠમાં નહિ કહેલા, (3) સૂત્રમાં કહેલા, (4) સન્ વગેરે પ્રત્યય લાગેલા, (5) નામધાતુઓ અને (6) પ્રત્યયનામધાતુ — એમ 6 પ્રકારોમાં બે હજારથી વધુ ધાતુઓેને વિભાજિત કર્યા છે.
પ્રાચીન વેદાંગ નિરુક્તમાં અને પ્રાતિશાખ્ય ગ્રંથોમાં ‘ધાતુ’ માટે ‘આખ્યાત’ શબ્દ પ્રયોજ્યો છે. પરંતુ પાછળના લેખકો ‘ધાતુ’ અને ‘આખ્યાત’ને પર્યાય માનવા છતાં તેની વચ્ચે સૂક્ષ્મ ભેદ બતાવે છે. સ્થિર ક્રિયાને બતાવે તેને ‘આખ્યાત’ કહે છે, જ્યારે જે ગતિશીલ ક્રિયા બતાવે છે તેને ‘ધાતુ’ કહે છે. પદાર્થમાં હોવાની ક્રિયા એ સ્થિર ક્રિયા છે અને પદાર્થ પડવાની ક્રિયા થાય તે ગતિશીલ ક્રિયા છે. ‘ધાતુ’ અને ‘આખ્યાત’ બંને પર્યાય શબ્દો તરીકે વિશેષત: પ્રયોજાય છે.
કમલેશ ચોકસી