ધર્માધિકારી, દાદા (જ. 18 જૂન 1899, મુલતાપી, જિ. બેતુલ, મધ્યપ્રદેશ; અ. 1 ડિસેમ્બર 1985, સેવાગ્રામ, મધ્યપ્રદેશ) : સ્વાતંત્ર્યસેનાની, મૌલિક ચિંતક, સર્વોદય કાર્યકર, સમર્થ વક્તા. ધર્મોના સમન્વયના વાતાવરણમાં એક વિદ્યાવ્યાસંગી અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ ન્યાયાધીશના પરિવારમાં તેઓ જન્મ્યા હતા. તેમનું નામ ત્ર્યંબકશંકર ધર્માધિકારી હતું. તેઓ ભણવામાં તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી હતા. અંગ્રેજી અને સંસ્કૃત એમની પસંદગીના વિષયો હતા. તેમની માતૃભાષા મરાઠી હતી, પણ સાગરમાં રહેવાને કારણે બુંદેલખંડી હિંદી ભાષા સારી આવડતી હતી. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે વક્તૃત્વસ્પર્ધામાં તેઓ કૉલેજના વિદ્યાર્થીઓ કરતાં વધારે સારો દેખાવ કરતા. હિંદી, મરાઠી અને અંગ્રેજી ભાષા પરનો તેમનો કાબૂ અને સરળ, પ્રવાહી રજૂઆતથી શ્રોતાઓ તેમના પ્રવચનથી મુગ્ધ થઈ જતા.
દાદાએ ગાંધીજીના અસહકારના આંદોલનથી આકર્ષાઈને 1920માં કૉલેજ છોડીને ટિળક વિદ્યાલયમાં માસિક 30 રૂપિયાના પગારથી નોકરી સ્વીકારી દેશસેવા આદરી. તેમને સારાં પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. 1930માં યુવાનો તથા વિદ્યાર્થીઓ સમક્ષ સરકાર વિરુદ્ધ જુસ્સાદાર પ્રવચન આપવાના કારણે પોલીસે તેમની ધરપકડ કરી અને તેમને એક વર્ષની કેદની સજા કરવામાં આવી. સવિનય કાનૂનભંગની ચળવળના બીજા તબક્કામાં 1932માં તેમને 2 વર્ષની જેલની સજા થઈ હતી.
દાદા ગાંધી-વિચારના પ્રખર પ્રવક્તા હતા. બુદ્ધિવાદીઓ સ્વીકારી લે એવી તર્કબદ્ધ તથા વૈજ્ઞાનિક શૈલીમાં કરવામાં આવતી એમની રજૂઆત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દેતી. દેશના અગ્રગણ્ય ધ્યેયનિષ્ઠ બુદ્ધિધનોમાં એમનું સ્થાન આગવી હરોળમાં હતું. એમની વ્યાખ્યાનશૈલીની વિશેષતા એ હતી કે અઘરા વિચારને સમજાવવા તેઓ સામાન્ય શ્રોતાને સમજાય તે માટે ઉદાહરણોનો છૂટથી ઉપયોગ કરતા. ગાંધીજીના અહિંસા, અસ્પૃશ્યતાનિવારણ તથા રાષ્ટ્રીય શિક્ષણના વિચારોથી દાદા પ્રભાવિત થયા હતા. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન જેલમાં તેમણે વિશ્વના પ્રસિદ્ધ ચિંતકોના ગ્રંથોનું અધ્યયન કર્યું. જેલમાં દેશભરના નેતાઓનો પરિચય થવા છતાં પોતે પ્રસિદ્ધિથી દૂર રહેવાનું પસંદ કરતા. ગાંધીજી અને વિનોબાના આગ્રહથી દાદા મધ્યપ્રદેશની વિધાનસભામાં ગયા. પરંતુ હોદ્દો નહિ સ્વીકારવાની શરતે ગયા હતા. બંધારણસભામાં પણ તેઓ ગાંધીજીના આગ્રહથી ગયા હતા.
વિનોબા ભાવેએ શરૂ કરેલ ભૂદાનયજ્ઞના કાર્યથી (1951) દાદાના જીવનમાં મહત્વનો વળાંક આવ્યો. સર્વોદયની માસિક પત્રિકાના સહસંપાદકની કામગીરી દાદાએ ઉત્તમ રીતે બજાવી. ત્યારબાદ ભૂદાનયજ્ઞ, ગ્રામદાન તથા સર્વોદયવિચારના જ્યોતિર્ધર બની સમગ્ર ભારતમાં પ્રવાસ ખેડી સેંકડો સભાઓને સંબોધીને તેમણે ગાંધી-વિચારનો પ્રચાર કર્યો. દાદા પ્રખર બુદ્ધિવાદી હોવા છતાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો એમનામાં લેશમાત્ર અભાવ નહોતો. કાશીમાં હતા ત્યારે ગંગા નદીમાં સ્નાન કરીને કાશી વિશ્વનાથનાં દર્શને જવાનો એમનો નિત્યક્રમ હતો. દાદાએ અનેક પુસ્તકો લખ્યાં છે; પરંતુ ગુજરાતીમાં ‘વિચારક્રાંતિ’, ‘અહિંસક ક્રાંતિની પ્રક્રિયા’ અને ‘માનવીય નિષ્ઠા’ તથા હિંદીમાં ‘સર્વોદયદર્શન’ તેમના મહત્વના ગ્રંથો છે. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી તેને વિનોબાએ અનુશાસન પર્વ તરીકે વર્ણવી. વિનોબા સાથેના ઘનિષ્ઠ સંબંધ છતાં દાદાએ એક પત્રમાં લખ્યું, ‘આપે આપત્તિકાળને અનુશાસન પર્વ કહ્યું તે મિથ્યા છે, અયથાર્થ છે.’ વિનોબા સાથેના મતભેદને કારણે સર્વોદય સમાજ માટે અનેક સમસ્યાઓ સર્જાઈ ત્યારે દાદાએ જયપ્રકાશ નારાયણને શ્રદ્ધા અને હૈયાધારણ આપ્યાં, તેનું મૂલ્ય ઘણું ઊંચું છે. દાદાએ પોતાના જીવનમાં અનાસક્તિ કેળવી હતી. તેમણે પોતાના અવસાન બાદ સ્મશાનમાં ભાષણ ન કરવાની, શોકસભા ન ભરવાની તથા સ્મારક ન રચવાની ઇચ્છા પ્રગટ કરી હતી.
નવલભાઈ શાહ