ધર્મસૂત્ર : ધર્મ શબ્દનો અર્થ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાજ્ય વગેરેને ધારણ કરનારા એટલે તેને ટકાવી રાખનારા નિયમો કે કાયદાઓ એવો છે. આવા નિયમો કે કાયદાઓને સંક્ષેપમાં રજૂ કરનારા સૂત્રાત્મક શૈલીએ લખાયેલા ગ્રંથોને ધર્મસૂત્રો કહે છે. ધર્મશાસ્ત્રનો આરંભ આ ધર્મસૂત્રોથી થયો છે. એ પછી ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથોમાં રજૂ થયું છે. છેલ્લે, સ્મૃતિઓનો પરસ્પરવિરોધ ટાળવા બહુ મોડેથી નિબંધગ્રંથો ધર્મશાસ્ત્રમાં રચાયા છે.
વેદના અર્થને સમજવામાં સહાયક અને વેદનાં રક્ષક વેદાંગો છે. કુલ છ વેદાંગોમાં કલ્પ એ વેદના કર્મકાંડને સમજાવનારું વેદાંગ, વેદના બે હાથ સમાન મનાયેલું વેદાંગ છે. કલ્પ વિધિ, નિયમ, ન્યાય, કર્મ કે આદેશને સંક્ષિપ્ત સૂત્રો દ્વારા પ્રસ્તુત કરે છે. તેથી તે રચનાને કલ્પસૂત્ર કહે છે. આ કલ્પસૂત્રોમાં પ્રથમ પ્રકારના સૂત્રગ્રંથો શ્રૌતસૂત્ર કહેવાય છે, જેમાં વેદના બ્રાહ્મણગ્રંથોમાં કહેલા યજ્ઞયાગાદિનું વિધાન કરતાં સૂત્રો રજૂ થયાં છે. બીજા પ્રકારના કલ્પમાં ગણાતા સૂત્રગ્રંથો ગૃહ્યસૂત્રો છે, જેમાં વ્યક્તિએ ઘર કે કુટુંબમાં કરવાની ધાર્મિક વિધિઓ વિશે રચાયેલાં સૂત્રો અપાયાં છે. ત્રીજા પ્રકારના કલ્પમાં સમાવેશ પામતા સૂત્રગ્રંથો ધર્મસૂત્રોને નામે ઓળખાય છે, જેમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાજ્યને ટકાવી રાખતા નિયમો કહેવાયા છે. ચોથા પ્રકારના કલ્પમાં સમાવેશ પામતા સૂત્રગ્રંથો શુલ્વસૂત્રોને નામે ઓળખાય છે, જેમાં શુલ્વ એટલે માપપટ્ટી વડે યજ્ઞ કરવા માટેની વેદિઓ કેવી રીતે બનાવવી તેની ગણતરીઓ સાથે પ્રસ્તુત કરવામાં આવેલાં સૂત્રો સંગ્રહાયાં છે. શુલ્વસૂત્રોમાં ભૂમિતિ, અંકગણિત વગેરે જોવા મળે છે.
વ્યક્તિની આત્મિક, પારિવારિક, સામાજિક અને રાજનૈતિક ફરજો નિરૂપતા સર્વપ્રથમ ગ્રંથો ધર્મસૂત્રો છે. ધર્મસૂત્રોને આધારે જ સ્મૃતિગ્રંથોની રચના પાછળથી કરવામાં આવી છે. વ્યક્તિની વર્ણને લીધે કરવાની થતી ફરજો, આશ્રમને લીધે, કુટુંબને લીધે, સમાજને લીધે તથા રાજ્યને કારણે બજાવવાની થતી ફરજો એ ધર્મસૂત્રોનો પ્રધાન વિષય છે. ધર્મસૂત્રો વેદમાં જ બધા ધર્મોનું મૂળ છે એવું ગૃહીત લઈને ચાલે છે. તથા વ્યક્તિસ્વાતંત્ર્યને બદલે વ્યક્તિએ સમાજ માટે ભોગ આપવો જોઈએ એવા પાયાને સ્વીકારીને ચાલે છે. એ તેની વિશિષ્ટતા ગણાય. ચારે વેદની સેંકડો શાખાઓ હોવાથી સેંકડો ધર્મસૂત્રો રચાયાં હતાં, પરંતુ હાલ ઉપલબ્ધ ધર્મસૂત્રોના ગ્રંથો આંગળીને વેઢે ગણાય તેટલા છે. તેમનો પરિચય આ પ્રમાણે છે :
(1) ગૌતમ ધર્મસૂત્ર : ઉપલબ્ધ સૌથી પ્રાચીન ધર્મસૂત્ર ગૌતમ ધર્મસૂત્ર છે. તે સામવેદની કોઈ શાખાનું છે એમ કુમારિલ ભટ્ટ જેવા મીમાંસક માને છે. 28 અધ્યાયોનું બનેલું આ ધર્મસૂત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં ઉપનયન સંસ્કાર, બ્રહ્મચારી એટલે વિદ્યાર્થી માટે પાળવાના નિયમો, ચારે આશ્રમોના નિયમો, લગ્નના પ્રકારો અને વિધિઓ, પંચમહાયજ્ઞો, બ્રાહ્મણનો મહિમા અને અન્ય સંસ્કારો વર્ણવાયા છે. બીજા વિભાગમાં ચારે વર્ણની અને રાજાની ફરજો, અપરાધ, દંડ અને સાક્ષીના કાયદાઓ, વેદપાઠનો વિધિ, ભક્ષ્યાભક્ષ્યના નિયમો અને સ્ત્રીધર્મોની વાત કરી છે. ત્રીજા વિભાગમાં પાપ, પ્રાયશ્ચિત્ત, વ્રત, મિલકતના વારસાના નિયમો વગેરે બાબતો આપી છે.
(2) વસિષ્ઠ ધર્મસૂત્ર : આ ધર્મસૂત્ર ઋગ્વેદનું છે એમ કુમારિલ ભટ્ટનો મત છે. ત્રીસ અધ્યાયોના બનેલા આ ધર્મસૂત્રમાં મનુષ્યના આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત વિશે માહિતી મળે છે. વળી તેમાં લગ્નના પ્રકારો, વેદપાઠનો વિધિ, સ્ત્રીધર્મો, ચાર આશ્રમોની ફરજો, અતિથિસત્કારના નિયમો, રાજા અને પ્રજાની ફરજો વગેરે બાબતો વ્યવસ્થિત રીતે રજૂ થઈ છે. બીજાં ધર્મસૂત્રો કરતાં તેમાં આચાર પર ખૂબ ભાર મુકાયો છે. આચાર વડે જ મનુષ્ય બંને લોકમાં ક્લ્યાણ પ્રાપ્ત કરી શકે છે તેથી આચારને શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો છે. આ ધર્મસૂત્ર લગ્નના આઠને બદલે છ પ્રકારો વર્ણવે છે અને શૂદ્રો સાથે બ્રાહ્મણના લગ્નનો નિષેધ કરે છે એ નોંધપાત્ર છે.
(3) આપસ્તંબ ધર્મસૂત્ર : આપસ્તંબ કલ્પસૂત્ર એ ગ્રંથના અધ્યાય 28 અને 29ને આપસ્તંબ ધર્મસૂત્ર એવું નામ અપાયું છે. આ નાનકડું ધર્મસૂત્ર છે અને તે કૃષ્ણ યજુર્વેદનું છે. આ સૂત્રમાં બ્રહ્મચારી એટલે વિદ્યાર્થી અને ગૃહસ્થની ફરજો, વ્રત, ઉપવાસ, પ્રાયશ્ચિત્ત વગેરે બાબતોના નિયમો વિગતપ્રચુર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આપસ્તંબ ધર્મસૂત્રની વિશેષતા એ છે કે તેમાં પ્રાજાપત્ય વિવાહ એ લગ્નના પ્રકારને અયોગ્ય માન્યો છે. સંતાન માટે નિયોગપદ્ધતિને પણ તેમાં નિંદા કરવા જેવી માની છે. અપાણિનીય શબ્દપ્રયોગો તેમાં જોવા મળતા હોવાથી પ્રસ્તુત ધર્મસૂત્રની ભાષા પ્રાચીન કાળની છે.
(4) હિરણ્યકેશી ધર્મસૂત્ર : હિરણ્યકેશી કલ્પસૂત્રના 26 અને 27 કાંડને હિરણ્યકેશી ધર્મસૂત્ર એવું નામ અપાયું છે. આ નાનકડું ધર્મસૂત્ર કૃષ્ણ યજુર્વેદનું છે. તેમાં આપસ્તંબ ધર્મસૂત્રની જ વાત સંક્ષેપમાં આપવામાં આવી છે. થોડાંક પાઠાન્તરો સિવાય આપસ્તંબ અને હિરણ્યકેશી ધર્મસૂત્ર સમાન વાત કરે છે તેથી હિરણ્યકેશી ધર્મસૂત્ર કેટલાક વિદ્વાનોને મતે સ્વતંત્ર ધર્મસૂત્ર નથી. આપસ્તંબ ધર્મસૂત્ર કરતાં તેની ભાષા પાણિનિની નજીક છે એમ કહેવું જોઈએ.
(5) બૌધાયન ધર્મસૂત્ર : બૌધાયન કલ્પસૂત્રના અંતિમ ચાર ખંડોને બૌધાયન ધર્મસૂત્ર એવું નામ આપવામાં આવ્યું છે. આ નાનકડું ધર્મસૂત્ર કૃષ્ણ યજુર્વેદનું છે. તેમાં બ્રહ્મચર્ય, શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો, રાજકીય નિયમો, લગ્નના આઠ પ્રકારો, પ્રાયશ્ચિત્ત, સ્ત્રીધર્મો, ગૃહસ્થના ધર્મો, શ્રાદ્ધ, વ્રત વગેરે બાબતો ચર્ચવામાં આવી છે. આ ધર્મસૂત્ર ઘણું પ્રાચીન છે. તેમાંનાં સૂત્રોને મળતાં આવતાં સૂત્રો આપસ્તંબ ધર્મસૂત્ર અને વસિષ્ઠ ધર્મસૂત્રમાં જોવા મળે છે.
(6) વિષ્ણુ ધર્મસૂત્ર : 100 અધ્યાયોનું બનેલું આ ધર્મસૂત્ર ગદ્ય અને પદ્ય બંનેમાં રચાયેલું છે. તેમાં સમાજને ટકાવનારા સામાજિક નિયમો પ્રસ્તુત કરવાની સાથે રાજા અને રાજનીતિ તથા પ્રજા માટેના રાજનૈતિક નિયમો નિરૂપાયા છે. સાથે સાથે તેમાં અધ્યાત્મની ચર્ચા પણ અપાઈ છે. એટલે તત્વ વિશેની ગંભીર ચર્ચા પણ તેમાં છે. ભગવદગીતા અને વિવિધ સ્મૃતિઓમાં રહેલા વિચારોનું બીજ વિષ્ણુ ધર્મસૂત્રમાં રહેલું છે. આ ધર્મસૂત્ર કયા વેદનું છે તે નક્કી થઈ શકતું નથી.
(7) માનવ ધર્મસૂત્ર : ઉપલબ્ધ નથી તેવું એક ધર્મસૂત્ર માનવ ધર્મસૂત્ર છે. ઉપર જણાવેલાં ઉપલબ્ધ ધર્મસૂત્રોમાં માનવ ધર્મસૂત્રમાંથી ઘણાં ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે; પરંતુ મનુસ્મૃતિમાં આવાં ઉદ્ધરણો મળતાં ન હોવાથી મનુસ્મૃતિ તે માનવ ધર્મસૂત્ર નથી; પરંતુ મનુસ્મૃતિ જેમાંથી ઊતરી આવી છે તે મૂળ ધર્મસૂત્ર માનવ ધર્મસૂત્ર છે એમ માની શકાય. એ ઉપલબ્ધ ન હોવાથી તેના વિશે બીજી કોઈ માહિતી મળતી નથી.
પ્ર. ઉ. શાસ્ત્રી