ધરા ગુર્જરી (1944) : ચન્દ્રવદન ચી. મહેતાનું નવી રંગભૂમિના મંડપમુહૂર્ત અંગેનું અર્ધઐતિહાસિક કરુણાંત ત્રિઅંકી નાટક. ગુજરાતી નાટ્યસાહિત્યની આ ઉલ્લેખનીય કૃતિ છે. પ્રિયતમા ગુર્જરીના અવસાન બાદ ગૂર્જરી રંગભૂમિના ઉદ્ધારકાર્યમાં મન પરોવી ન શકતા ઓઝા ગુર્જર પુન: ધરામાં ગુર્જરીનું પ્રતિબિંબ નિહાળી સક્રિય થાય છે, પણ રંગભૂમિની સફળતા માટે આખરે ધરાને પણ ગુમાવે છે એ પ્રકારની કરુણકથાની આસપાસ આ નાટકની ગૂંથણી થઈ છે. નાટ્યઅંતર્ગત નાટ્યની ચુસ્ત પ્રવિધિ દ્વારા, બોલીઓના વિશિષ્ટ વિનિયોગથી જીવંત બનેલા સંવાદો દ્વારા તેમજ શ્યયોજનાની સુગ્રથિતતા દ્વારા આ રચનામાં લેખક નાટ્યોન્મેષ દાખવવામાં સફળ થયા છે.
વીતેલા વૈભવ અને મૃત પ્રિયતમાની યાદમાં વિષાદમય જીવન જીવતા ઓઝાની રંગભૂમિની પડતી દશા વખતે તેને અકો, નકો ને લખો નામક ત્રણ શિષ્યો વફાદારીથી વળગી રહે છે. ધરા નામની કુંભારની પાલિત પુત્રીના દર્શનથી નવચેતન પામી ઓઝા ‘ચુગલીખોર’ અને ‘રૂપમતી બાજ-બહાદુર’ના નાટ્યપ્રયોગો કરી રાજા અને પ્રજાની હમદર્દી મેળવે છે. પણ તે બાબત જ કરુણાંતિકાનું કારણ બને છે. ‘રૂપમતી બાજબહાદુર’ના પ્રયોગ વખતે ધરા ઓઝા ગુર્જર આગળ પ્રણયનિવેદન કરે છે ત્યારે નાટ્યપ્રયોગમાં ધરાની એકાગ્રતા તૂટવાની બીકે ઓઝા તેને અનુકૂળ ઉત્તર આપવાને બદલે રંગભૂમિ પ્રત્યે નિષ્ઠા બતાવવાની શીખ આપે છે. આથી હતાશ થયેલી ધરા અંતિમ ર્દશ્યમાં રૂપમતીની ભૂમિકા ભજવતાં સાચેસાચ વિષપાન કરે છે.
અહીં નાટ્યઅંતર્ગત નાટ્યની પ્રવિધિને લીધે વિવિધ રસનાં ર્દશ્યો ભજવાય છે. કૃતિના કેન્દ્રમાં ધરા અને ગુર્જર હોવાથી બધાં ર્દશ્યો એકસૂત્રે સંકળાય છે. રચના, ભાષા, ર્દશ્યયોજના, અભિનયક્ષમતા – સર્વ ર્દષ્ટિએ આ નાટક લેખકની પ્રતિભાનો સંતર્પક ઉન્મેષ પ્રગટ કરી રહે છે. આ નાટકના સંખ્યાબંધ પ્રયોગો વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં થયેલા છે.
પ્રસાદ બ્રહ્મભટ્ટ