ધરમશાલા : હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં આવેલું શહેર તેમજ જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન : આ શહેર 32° 21´ ઉ. અ. અને 76° 32´ પૂ. રે.ની આજુબાજુનો 29.51 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. અગાઉના સમયમાં ધરમશાલા શહેર ‘ભાગશુ’ (Bhagsu) તરીકે ઓળખાતું હતું. આ શહેર કાંગરાથી ઉત્તર તરફ 18 કિમી.ને અંતરે આવેલું છે. ‘ધરમશાલા’ નામ સંસ્કૃત શબ્દો ‘धर्म’ અને ‘शाला’ ઉપરથી બન્યું છે. તેનો અર્થ ‘યાત્રીઓ માટેનું વિશ્રામસ્થાન’ થાય છે. જ્યારે અંગ્રેજી ભાષામાં ‘Spiritul dwelling’ કહે છે. તેનો અર્થ ‘આત્માનું રહેઠાણ’ થાય છે.
ભૂપૃષ્ઠ : ધરમશાલા શહેર ધૌલાધર પર્વતીય શ્રેણીમાં આવેલ કાંગરા ખીણપ્રદેશમાં આવેલું છે. આ શહેરની આસપાસનો વિસ્તાર 1,457 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવે છે. તેનો શહેરી વિસ્તાર 8.51 ચોકિમી. જેટલો છે.
આ શહેર પહાડોની અસમતળ ભૂમિ ઉપર વસેલું છે. આ શહેર બે વિભાગમાં વહેંચાયેલું છે — એક ધરમશાલાનો ખીણવિભાગ, જેમાં કોતવાલી બજારનો સમાવેશ થાય છે. આ વિભાગ શહેરના હાર્દ સમાન છે; જ્યારે બીજા વિભાગમાં પહાડી વિસ્તારનો સમાવેશ થાય છે. જે ‘મૅક લીઓડ ગંજ’ (Mc Leod Ganj) તરીકે ઓળખાય છે. આ સ્થળે પહોંચવા સીધા ઢોળાવવાળા સાંકડા માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ સમગ્ર વિસ્તાર પાઇન, હિમાલયન ઓક, હ્રોડોડેન્ડ્રોન જેવાં વૃક્ષોથી છવાયેલો છે. કાંગરા ખીણ-વિસ્તાર શંકુદ્રુમ જંગલોથી ઘેરાયેલ હોઈ આ ખીણ-વિસ્તારમાં દેવદાર, સીડાર, પાઇન જેવાં વૃક્ષોનું પ્રમાણ અધિક છે.
આબોહવા : આ શહેર મોસમી પ્રકારની ભેજવાળી ઉપઅયનવૃત્તીય આબોહવા ધરાવે છે. જૂન-જુલાઈમાં અહીંનું તાપમાન 36° સે., જ્યારે જાન્યુઆરીમાં 16°થી 17° સે. જેટલું રહે છે. શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની ગણાય છે. આ સમયગાળામાં હિમવર્ષા થાય છે. આ શહેરની આસપાસ આવેલ ધૌલાધાર પર્વતીય હારમાળા બારેમાસ હિમાચ્છાદિત રહે છે. વર્ષાઋતુનો ગાળો જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો હોય છે; જેમાં 3000 મિમી. સુધીનો વરસાદ પડે છે, જેથી આ શહેર રાજ્યનું સૌથી વધુ ભેજવાળું ગણાય છે. કુદરતી સૌંદર્ય માણવા આવનારા પ્રવાસીઓ માટે શરદ અને વસંતઋતુ ઉત્તમ ગણાય છે.
ખેતી : આ શહેર પર્વતીય વિસ્તારમાં આવેલું હોવાથી તેની આસપાસના વિસ્તારમાં પગથિયા-આકારનાં ખેતરો જોવા મળે છે. આ ખેતરોમાં મોટે ભાગે ડાંગર, ઘઉં અને ચાની ખેતી થાય છે. સ્થાનિક લોકોની જરૂરિયાતોને લક્ષમાં રાખીને શાકભાજી અને ફળોની ખેતી પણ અહીં થાય છે. અહીં ટૂંકા ઘાસના વિસ્તારો આવેલા હોવાથી પશુપાલનની પ્રવૃત્તિ પણ થતી જોવા મળે છે.
પરિવહન : ધરમશાલા મુખ્યત્વે દેશના વિવિધ ભાગો સાથે પણ પાકા રસ્તાઓથી સંકળાયેલ છે. આ સ્થળે પહોંચવા પઠાણકોટ (બ્રૉડગેજ) અને ચામુંડામાર્ગ (બ્રૉડગેજ) મથકોથી રેલમાર્ગનો ઉપયોગ થાય છે. આ સિવાય ધરમશાલા પાસે આવેલ ગગ્ગલ (Gaggal) હવાઈ મથકનો ઉપયોગ પણ પ્રવાસીઓ કરે છે.
વસ્તી : ધરમશાલા ખાતે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની સુવિધા ઉપલબ્ધ છે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટનું મેદાન તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની જરૂરિયાતને લક્ષમાં રાખીને હોટલ અને રેસ્ટોરન્ટ પણ ઊભી કરવામાં આવી છે. પર્વતારોહકો માટેની શિક્ષણસંસ્થા સ્થાપવામાં આવી છે. આ વિસ્તાર ભારતના ભૂકંપ-વિસ્તારમાં આવે છે. અહીં 1905માં આવેલા ભૂકંપને કારણે જાનમાલની ભારે નુકસાન થઈ હતી. તે વખતે મૃત્યુઆંક 1625 જેટલો નોંધાયો હતો. આ શહેરની વસ્તી 2022 મુજબ 22,000 જેટલી છે. જિલ્લાની વસ્તી 1.74 લાખ (2022) છે.
તિબેટિયનોનું ધાર્મિક સ્થાન : ચીને 1954માં તિબેટ ઉપર પ્રભુત્વ મેળવ્યું. આથી બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાએ ભારતમાં તેમના અનુયાયીઓ સાથે રાજકીય આશ્રય મેળવ્યો હતો. તિબેટિયન ભાષામાં ‘‘દલાઈ લામાનો’’ ઉલ્લેખ ‘‘ગ્યાલપો રિંપોશ’’ તરીકે કરવામાં આવે છે, જેનો અર્થ ‘‘મોંઘેરા મહારાજા’’ થાય છે; જ્યારે મોંગોલિયન ભાષામાં આ નામનો અર્થ ‘મહાસાગર’ થાય છે. 1959માં 14મા દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના મસૂરી ખાતે તિબેટિયનોનું વહીવટી મથક સ્થાપ્યું. થોડા સમય બાદ એટલે કે 1960માં આ વહીવટી મથક ધરમશાલા ખાતે લઈ જવામાં આવ્યું. આજે ધરમશાલા ભારતીય અને વિદેશી પ્રવાસીઓનું પ્રવાસકેન્દ્ર બની રહ્યું છે. તિબેટ વિશેનો અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે આ સ્થળ વધુ ઉપયોગી ગણાય છે. અહીં ક્રિકેટનું મેદાન પણ આવેલું છે.
ધરમશાલામાં આવેલ મૅક લીઓડ ગંજ ટેકરી (જે બ્રિટિશરોએ જેને હવાખાવાના સ્થળ તરીકે વિકસાવ્યું હતું.) ખાતે બૌદ્ધ ધર્મના વડા દલાઈ લામાનું નિવાસસ્થાન આવેલું છે. અહીં આવેલ ત્રિપુણ્ડ ટેકરી ધરમશાલાનું ઘરેણું માનવામાં આવે છે. 1970માં દલાઈ લામા(તેન્ઝીન ગ્યાત્સો)એ તિબેટિયનોનાં કાર્યો અને સિદ્ધિઓને લગતી 80,000 જેટલી હસ્તપ્રતોનું પુસ્તકાલય ઊભું કર્યું છે. આ હસ્તપ્રતોમાં તિબેટનાં ઇતિહાસ, રાજકારણ અને સંસ્કૃતિને લગતી માહિતી દર્શાવાઈ છે, જેથી તિબેટિયનોની વિચારધારાથી આમજનતા માહિતગાર થાય. દલાઈ લામાના આવાસની આજુબાજુ મઠ, મંદિર અને શાળાઓ આવેલી છે. આથી ‘મૅક લીઓડ ગંજ’ને ‘Little Lhasa’ તરીકે ઓળખવામાં આવે છે.
ધરમશાલા સાથે વિવિધ ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓનો સંબંધ સંકળાયેલો છે; જેમાં તેન્ઝીન ગ્યાત્સો (ધર્મગુરુ – દલાઈ લામા), બૅરી કેરઝીન (બૌદ્ધ મઠના ચિકિત્સક), નમ્રતા સિંઘ ગુજરાલ (હોલિવૂડનાં કલાકાર), પાલડ્રેન ગ્યાત્સો (આંતરરાષ્ટ્રીય વક્તા અને લેખક), આલ્ફ્રેડ ડબ્લ્યૂ હાલ્લેટ(કલાકાર)નો સમાવેશ થાય છે.
ઇતિહાસ : પ્રાચીન સમયથી બ્રિટિશ શાસન સુધી ધરમશાલા તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં ‘કતોચ’ (Katoch) વંશનું શાસન હતું. આ વંશ દુનિયાભરમાં સૌથી ‘જૂનું શાહી કુટુંબ’ ગણાય છે. આ વંશના વારસો આજે પણ અહીં વસે છે. તેમના આવાસો ‘Clouds End Villa’ તરીકે ઓળખાય છે. અહીંના સ્થાનિક લોકો ‘ગડ્ડી’ તરીકે ઓળખાય છે. કેટલાક ગડ્ડીઓ સ્થાયી તો કેટલાક વિચરતું જીવન ગાળે છે. અહીં બ્રિટિશ તેમજ ગુરખા લોકો વસવાટ કરવા લાગ્યા ત્યારથી આ ગડ્ડીઓએ તેમનાં ગોચર અને ખેતરો ગુમાવ્યાં. બ્રિટિશરોએ 1860માં 66th ગુરખા લાઇટ ઇન્ફન્ટ્રી સેનાના મુખ્ય મથક તરીકે ધરમશાલાને પસંદ કર્યું હતું. ધરમશાલાના 21st ગુરખા રેજિમેન્ટ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં અદ્વિતીય કામગીરી બજાવી હતી.
નીતિન કોઠારી