ધમણ (bellow) : હવા ફૂંકવા અથવા હવાની પ્રધાર (jet) ઉત્પન્ન કરવા માટેનું સાધન. તેની શોધ મધ્યયુગમાં થયેલી અને તેનો ઉપયોગ લુહારની કોઢમાં હવા ફૂંકીને દહનને ઝડપી બનાવવા અથવા કંપિકાવાદ્યો (reed instruments) વગાડવા માટે થતો હતો. ધમણને મિજાગરાં વડે જોડેલાં બે ત્રિકોણિયાં (અથવા લંબચોરસ કે વર્તુળાકાર) પાટિયાં અને નમ્ય, સળવાળા ચામડાની અથવા જાડા મીણિયા કપડાની બાજુઓ તથા હવા ફૂંકવા માટેનું નાળચું હોય છે. પાટિયાં હલકા લાકડાનાં કે લોખંડના પતરાનાં બનેલાં હોય છે. હવા અંદર જઈ શકે તે માટે એક પાટિયામાં અંદરની તરફ ખૂલતો એક વાલ્વ હોય છે.
ધમણને ફુલાવવા ઉપરના પાટિયાને ખેંચી ઊંચે લઈ જવામાં આવે છે. તે વખતે અંદર અવકાશ પેદા થતાં ચામડાની બાજુઓ અંદર બેસી ન જાય તે માટે તારની રિંગો રાખવામાં આવે છે. આ સમયે વાલ્વની તકતી અંદરની તરફ ખૂલે છે અને બે પાટિયાં વચ્ચે હવા પ્રવેશે છે.
જ્યારે ઉપરના પાટિયાને નીચે દબાવવામાં આવે ત્યારે અંદરની હવાનું દબાણ વધે છે, અને પાટિયાંમાં બેસાડેલ વાલ્વની તકતી હવાના પ્રવેશમાર્ગ પર બેસી જાય છે અને તેને બંધ કરી દે છે. દબાણ હેઠળની આ હવા ધમણની આગળના નાળચા જેવા મોઢામાંથી બહાર ફેંકાય છે. વાલ્વ ફક્ત અંદરની બાજુએ જ ખૂલે તેવો અને એક બાજુએ જોડાયેલો અને ત્રણ બાજુએ છૂટા પડદા જેવો હોય છે. આ વાલ્વની ધાર સપાટ હોવાથી બેઠક હવાચુસ્ત બને છે.
ધમણની જગ્યાએ હાથથી કે મોટરથી ચાલતું બ્લોઅર વપરાય છે. ઉપર જણાવેલ હવા પમ્પ ઉપરાંત એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ધમણના અન્ય ઉપયોગો પણ થાય છે. ધમણવાળા વાલ્વ અને ધમણવાળી પાઇપો બહોળા પ્રમાણમાં વપરાય છે.
બે પાઇપો ધમણથી જોડવામાં આવી હોય તો ગરમીને લીધે પાઇપોની લંબાઈમાં થોડો વધારો થવાને લીધે થતી વિપરીત અસર ધમણને લીધે નિવારી શકાય છે. ધમણપડદાનું કામ કરતા ભાગો ચામડું, રબર કે ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવેલા હોય છે. કયો પદાર્થ વાપરવો તે અનેક બાબતોને ધ્યાનમાં લઈ નક્કી કરાય છે.
ધમણનો વ્યાપક ઉપયોગ દબાણમાપકો અને તાપમાન-નિયંત્રકોની બનાવટમાં થાય છે.
ધમણની અંદરનું અથવા બહારનું દબાણ ધમણના છેડે આવેલી તક્તીને એક અંકિત સ્પ્રિંગની સામે ધકેલે છે અને તેના દ્વારા દબાણ માપી શકાય છે. તાપમાન-નિયંત્રણ માટે ધમણને કોઈ એક તાપમાને અને દબાણે ગોઠવવામાં આવે છે. તાપમાનમાં થતી વધઘટને લીધે ધમણની અંદરનું (હવાનું) દબાણ બદલાવાથી ધમણની ઊંચાઈમાં ફેરફાર થાય છે. આને લીધે તેની સાથે જોડાયેલી સ્વિચ બંધ કે ચાલુ થાય છે અને તે રીતે તાપમાન(કે દબાણ)નું નિયંત્રણ કરી શકાય છે. આવી ધમણની બનાવટ ફૉસ્ફર બ્રૉન્ઝ જેવી ખાસ ધાતુના પતરાની, ખૂબ જ નિયંત્રિત માપના વ્યાસની, એકસરખા ગોળાકારની અને તેના પતરાની જાડાઈનું ચોક્કસ માપ 10–6 મીટરની ચોકસાઈમાં જાળવીને કરાય છે. આવી ધમણો બનાવવા માટે ખાસ પ્રકારનાં યંત્રો અને વિશિષ્ટ ઉષ્મા-ઉપચાર(heat treatment)ની જરૂર પડે છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ