ધનિક (દસમી સદી) : ધનંજયના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથ ‘દશરૂપક’ ઉપર ‘અવલોક’ નામની ટીકાના રચયિતા. મુંજના એ સેનાપતિ હતા એવું ‘અવલોક’ની હસ્તપ્રતમાં નિર્દેશાયું છે. મુંજે ધનિકના પુત્ર વસન્તાચાર્યને ભૂમિદાન કરેલું તેને લગતું ઈ. સ. 974નું દાનપત્ર છે. ધનંજયના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ ટીકામાં તેમણે સ્વરચિત ઉદાહરણો આપ્યાં છે અને સ્વરચિત ‘કાવ્યનિર્ણય’ ગ્રંથમાંથી અને પદ્મગુપ્ત(પરિમલ કવિ)ના કાવ્યમાંથી પણ અવતરણો ટાંક્યાં છે. ધનંજયના તેઓ લઘુબંધુ હતા આથી તે પણ ધનંજય, પદ્મગુપ્ત, હલાયુધ તથા ધનપાલના સમકાલીન હતા અને ઈ. સ. 995ના અરસામાં વિદ્યમાન હતા. ‘સરસ્વતીકંઠાભરણ’ નામના કાવ્યશાસ્ત્રીય ગ્રંથમાં ભોજદેવે ‘અવલોક’ ટીકામાંથી અવતરણો ટાંક્યાં છે. આ ટીકા ઈ. સ. 1000ના વર્ષ પછી રચાઈ છે.
‘દશરૂપક’માં ધનંજય શાન્તને રસ અને શમને તેના સ્થાયીભાવ તરીકે સ્વીકારતા નથી. આ વિશે વિગતે ચર્ચા કરીને ધનિક ‘અવલોક’માં નોંધે છે કે સર્વ રીતે જોતાં નાટક અભિનયાત્મક સ્વરૂપનું હોવાથી તેમાં શમનું સ્થાયીભાવપણું સંભવી શકતું નથી કારણ કે સર્વ કાર્યકલાપના અત્યંત વિલયરૂપ શમનો અભિનય સાથે સંબંધ સંભવી શકતો નથી. ધનંજયને અનુસરીને ધનિક ‘ધ્વન્યાલોક’માં પુરસ્કૃત વ્યંગ્યવ્યંજકભાવનો વિરોધ કરીને, રસનિષ્પત્તિના અનુષંગે ભાવ્ય-ભાવકસંબંધને જ કારણરૂપ માને છે. આમાં તે ભટ્ટનાયકના મતને અનુસરે છે. સાથે સાથે ભટ્ટનાયકના મત સામે ઉપસ્થિત કરવામાં આવેલા વાંધાઓનું નિરાકરણ કરતાં ધનિક કહે છે કે તાત્પર્યશક્તિ શ્રોતાને વાક્યનો અર્થ સમજવામાં તો મદદ કરે જ છે, પણ એ ઉપરાંત એ વાક્યના અર્થને અનુસરીને વર્તવાની પણ પ્રેરણા આપે છે; વાચકને કે પ્રેક્ષકને કાવ્યમાંના વિભાવાદિની સમજણ તો આપે છે જ પણ ઉપરાંત તેને તે મુજબ વર્તવા પ્રેરે છે. આ પ્રવૃત્તિ તે રસાનુભૂતિ જ છે. આ રીતે કાવ્ય એ તાત્પર્યવૃત્તિ દ્વારા રસનું ભાવક બને છે. તેથી ધ્વનિ કે વ્યંજનાવૃત્તિ એ કાવ્યનું આવશ્યક મુખ્ય કાર્ય નથી. કાવ્ય અને રસ વચ્ચે ભાવ્યભાવકભાવ છે, નહીં કે વ્યંગ્યવ્યંજકભાવ. આ ભાવ્યભાવકભાવસંબંધ એ નૈયાયિકોના જન્યજનકભાવ સંબંધથી જુદો છે; કારણ, રસ સહૃદયના મનમાં સ્થાયીભાવ રૂપે પહેલેથી જ વિદ્યમાન હોય છે. આ મત ધરાવનાર લેખક તરીકે ધનિક અલગ તરી આવે છે.
નારાયણ કંસારા