ધનબાદ : ઝારખંડ રાજ્યમાં 23° 48´ ઉ. અ. અને 86° 27´ પૂ. રે. પર આવેલું શહેર, જિલ્લાનું વહીવટી મથક (1956), જિલ્લો અને કોલસાના ખાણ ઉદ્યોગનું જાણીતું કેન્દ્ર. જિલ્લાનો કુલ વિસ્તાર 2075 ચોકિમી. તથા વસ્તી 26.82 લાખ (2011) છે. દામોદર નદીની ખીણમાં તથા ઝરિયા કોલસા ક્ષેત્રની પૂર્વ તરફ વસેલું આ શહેર પૂર્વ રેલવેનું એક મહત્વનું કેન્દ્ર બની રહેલું છે. તે રાષ્ટ્રીય ધોરી માર્ગથી દક્ષિણે આશરે 8 કિમી.ને અંતરે આવેલું છે, જ્યારે કૉલકાતાથી તે આશરે 270 કિમી. અંતર ધરાવે છે. તેની દક્ષિણે આવેલા સિન્દ્રી ખાતે ખાતરનું જાણીતું કારખાનું તથા પાસેના જિયાલગોડા ખાતે ઇંધનસંશોધન કેન્દ્ર આવેલાં છે. ઝરિયા, સિન્દ્રી તથા ધનબાદથી રચાતા ત્રિકોણમાં અનેક પ્રકારનાં ઔદ્યોગિક એકમો અને વ્યાવસાયિક કેન્દ્રો વિકસેલાં હોવાથી આ ત્રણેનું એક મહત્વનું આર્થિક સંકુલ બની રહ્યું છે.
ખાણ તથા ભૂસ્તરશાસ્ત્ર અને ઇંધનના ક્ષેત્રે પ્રશિક્ષણ તેમજ સંશોધન કરતી બે ખ્યાતનામ સંસ્થાઓ ‘ઇન્ડિયન સ્કૂલ ઑવ્ માઇન્સ ઍન્ડ ઍપ્લાઇડ જિયૉલૉજી’ અને ‘નૅશનલ ફ્યૂએલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ’ આ શહેરમાં આવેલી છે.
અહીં લોખંડ-પોલાદ, વીજળીનાં ઉપકરણો, સંદેશાવ્યવહારને લગતાં સાધનો, યંત્રો, ખાદ્યપ્રક્રમણ, કાચ તથા અન્ય ઘણી વપરાશી વસ્તુઓ બનાવતાં કારખાનાં વિકસ્યાં છે. ઔદ્યોગિક ઉપરાંત કૃષિપેદાશોના ખરીદવેચાણનું પણ આ એક મહત્વનું કેન્દ્ર છે. નગર આસપાસના વિસ્તારમાં શેરડી, ડાંગર, બાજરી, તેલીબિયાં અને મકાઈ જેવી ખેતપેદાશોનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે