ધનતેજવી ખલીલ (જ. 12 ડિસેમ્બર 1935, ધનતેજ, જિ. વડોદરા; અ. 4 એપ્રિલ 2021, વડોદરા) : ગુજરાતી, ઉર્દૂના લોકપ્રિય શાયર, ગઝલકાર, પત્રકાર, નવલકથાકાર અને ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી. તેમણે પોતાના ગામ ધનતેજ પરથી ધનતેજવી અટક રાખી હતી. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્રનિર્માણ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમની ગઝલસર્જનની પ્રવૃત્તિ 1960થી શરૂ થઈ હતી. 1970થી 1985 એમ પંદર વરસ સુધી તેઓ ગઝલથી દૂર રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓ ‘સિનેમા સમાચાર’ (સાપ્તાહિક) અને ‘રેશમા’(માસિક)માં કામ કરતા હતા.
તેઓ ગુજરાત સમાચારમાં ‘ત્રિકોણનો ચોથો ખૂણો’ અને ‘ખુલ્લા બારણે ટકોરા’ નામે બે કોલમ લખતા હતાં. એમને ગુજરાતી સાહિત્યના ‘મિર્ઝા ગાલિબ’ તરીકે ઓળખવામાં આવતા હતાં. ખલીલ ધનતેજવીએ ‘છૂટાછેડા’, ‘ડૉ. રેખા’ તથા ‘ખાપરો ઝવેરી’ નામની ગુજરાતી ફિલ્મોનું નિર્માણ અને નિદર્શન પણ કરેલું. તેમ જ ‘ચુંદડી ચોખા નામ’ની ફિલ્મમાં સંવાદ લેખન પણ કરેલું.
ખલીલ ધનતેજવી કવિસંમેલન કે મુશાયરામાં જતા ત્યારે પોતાની ગઝલ વાંચવા માટે કોઈ ડાયરી કે કાગળ પાસે રાખતા નહોતા. એમની રચનાઓ એમને મોઢે જ હોય. એક પછી એક ગઝલનો અસ્ખલિત પ્રવાહ એમના અષાઢી અવાજમાં વહેતો જાય અને શ્રોતાઓ રસતરબોળ થતા જાય. તેમના ગઝલસંગ્રહો આ મુજબ છે : ‘સાદગી’, ‘સારાંશ’, ‘સરોવર’, ‘સોગાત’, ‘સૂર્યમુખી’, ‘સાયબા’, ‘સાંવરિયો’, ‘સગપણ’, ‘સોપાન’ અને ‘સારંગી’. 952 ગઝલનો સંગ્રહ ‘સમગ્ર’ પ્રગટ થયો હતો.
આ ઉપરાંત તેમણે નવલકથાઓ પણ લખેલી છે : ‘ડૉ. રેખા’ (1974), ‘તરસ્યાં એકાંત’ (1980), ‘મીણની આંગળીએ સૂરજ ઊગ્યો’ (1984), ‘લીલા પાંદડે પાનખર’ (1986), ‘સન્નાટાની ચીસ’ (1987), ‘સાવ અધૂરા લોક’ (1991), ‘લીલોછમ તડકો’ (1994).
‘સોગંદનામું’ નામની આત્મકથા લખનારા ખલીલ ધનતેજવીએ કહ્યું છે : ‘આ સોગંદનામું રજૂ કર્યા પછી મારે કશું કહેવાનું રહેતું નથી. જે રીતે જિવાયું, એ બધું એની મેળે જિવાયું અને એ રીતે જીવ્યો છું, બસ એનું આ જ સોગંદનામું.’
જાણીતા ગઝલગાયક શ્રી જગજિત સિંઘે ગાયેલી ગઝલ ‘અબ મૈં રાશન કી કતારો મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું.’ ખલીલસાહેબ પોતાની આગવી અદા અને એમના પહાડી અવાજમાં રજૂઆત કરી મુશાયરામાં રોનક લાવી દેતા. તેમનો ‘અંદાઝે બયાં’ પણ ખાસ હતો. તેમના યાદગાર શેર નીચે મુજબ છે :
‘લે મારી જાત ઓઢાડું તને સાયબા શી રીતે સંતાડું તને
ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી, નહિતર ના પાડું તને’
‘કોઈના પગલામાં ડગ ભરતો નથી હું મને ખુદને અનુસરતો નથી,
શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં હું ભરોસો શ્વાસનો કરતો નથી.’
તેમને ‘છૂટાછેડા’ ફિલ્મના નિર્માણ અને નિદર્શન માટે ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. ખલીલ ધનતેજવીને 2004માં કલાપી પુરસ્કાર, 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર, 2019માં નરસિંહ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ તેમને 2022માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રી નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી