ધનખડ, જગદીપ

March, 2024

ધનખડ, જગદીપ (જ. 18 મે 1951, કિથારા-રાજસ્થાન) : દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ, પશ્વિમ બંગાળના પૂર્વરાજ્યપાલ, પૂર્વકેન્દ્રીય મંત્રી, પૂર્વસાંસદ. જગદીપ ધનખડનો જન્મ રાજસ્થાનના કિથારા ગામમાં થયો હતો. બી.એસસી. એલએલ.બી.નો અભ્યાસ કરીને તેમણે રાજસ્થાનની હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ તેમણે વકીલાતની પ્રૅક્ટિસ કરી હતી. તેઓ રાજસ્થાન હાઈકોર્ટ બાર ઍસોસિયેશનના પ્રમુખ રહી ચૂક્યા છે.

તેમની રાજકીય કારકિર્દી 1989-90માં શરૂ થઈ હતી. જનતા દળની ટિકિટ પર જગદીપ ધનખડ 1989માં પ્રથમ વખત ઝૂન્ઝૂ બેઠક પરથી ચૂંટાયા હતા. ચંદ્રશેખરની સરકારમાં તેમને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા. 1991માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. 1991માં લોકસભાની ચૂંટણીમાં અજમેરની બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. કૉંગ્રેસની ટિકિટ પર તેઓ 1993માં રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા. કૉંગ્રેસે 1998ની ચૂંટણીમાં તેમને ફરીથી ઝૂન્ઝૂની બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો.

Jagdeep Dhankar

જગદીપ ધનખડ

સૌ. "Jagdeep Dhankar" | CC BY-SA 4.0

2003માં જગદીપ ધનખડ ભાજપમાં જોડાયા હતા. 2008માં રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીની કેમ્પેઇન કમિટીમાં તેમનો સમાવેશ કરાયો હતો. તેમને ભાજપે રાષ્ટ્રીય સ્તરની લીગલ અફેર્સ ટીમના વડા બનાવ્યા હતા. જગદીપ ધનખડની નિમણૂક 2019માં પશ્વિમ બંગાળના રાજ્યપાલપદે થઈ હતી. મમતા બેનર્જીની સરકાર સાથે સંઘર્ષમાં ઊતરવા બદલ તેઓ ચર્ચામાં રહેતા હતા. પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે થયેલી શાબ્દિક ટિવટર વૉર પણ રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાસ્પદ બની હતી.

જુલાઈ-2022માં નૅશનલ ડેમૉક્રેટિક એલાયન્સ(એનડીએ)ના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યા હોવાથી તેમણે રાજ્યપાલના હોદ્દેથી રાજીનામું આપ્યું હતું. વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવીને તેઓ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. 11 ઑગસ્ટ-2022ના રોજ તેમણે ઉપરાષ્ટ્રપતિપદના શપથ ગ્રહણ કર્યા હતા.

હર્ષ મેસવાણિયા