ધનંજય (દસમી સદી) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રી. ‘દશરૂપક’ નામના નાટ્યશાસ્ત્રવિષયક ગ્રંથના રચયિતા. ધનંજયના પિતાનું નામ વિષ્ણુ હતું. ધનંજય 974-996 દરમિયાન માળવામાં રાજ કરી ગયેલા પરમારવંશીય રાજા વાક્પતિરાજ મુંજના સભાકવિ હતા. એ જ સભામાં પદ્મગુપ્ત, હલાયુધ અને ધનપાલ પંડિતો તરીકે વિદ્યમાન હતા. તેમના ભાઈનું નામ ધનિક હતું.
તેમનો નાટ્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘દશરૂપક’ કારિકા-સ્વરૂપે રચાયેલો છે. ભરતના નાટ્યશાસ્ત્રમાં રૂપક વિશેની ચર્ચાનો સાર ધનંજયે પોતાના ‘દશરૂપક’માં આપ્યો છે. ચાર પ્રકાશોમાં વહેંચાયેલા આ ગ્રંથમાં નાટક અને વસ્તુનું વર્ગીકરણ પ્રથમ પ્રકાશમાં આપ્યું છે. બીજા પ્રકાશમાં નાયક-નાયિકાના પ્રકારો, ત્રીજા પ્રકાશમાં પ્રસ્તાવના અને નાટક સિવાયના રૂપકપ્રકારો અને ચોથા પ્રકાશમાં રસ વિશે વિગતો રજૂ થઈ છે.
ધનંજયે રસનિષ્પત્તિ વિશે પોતાનો વિશિષ્ટ મત જણાવ્યો છે એ તેમની યશ:પતાકા લેખી શકાય. તેમણે વ્યંગ્યવ્યંજકભાવને બદલે ભાવ્યભાવક-સંબંધ રસનિષ્પત્તિમાં રહેલો છે તેમ સ્પષ્ટ રીતે થોડીક કારિકાઓમાં જણાવ્યું છે. તેમના ભાઈ ધનિકે તેમના ‘દશરૂપક’ પરની ‘અવલોક’ નામની ટીકા લખીને યુક્તિપુર:સર ધનંજયના મતનું પ્રતિપાદન કર્યું છે, સાથે સાથે ધ્વનિવાદનું ખંડન કર્યું છે. તેમના આ વિલક્ષણ મત માટે તેઓ જાણીતા છે.
નારાયણ કંસારા