દ્વીપચાપ (island arcs) : ચાપ આકારે ગોઠવાયેલા ટાપુઓ. પૅસિફિક મહાસાગરના ઘણા જ્વાળામુખીજન્ય ટાપુઓ ચાપાકાર (arcuate) ગોઠવણી ધરાવે છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વીપચાપ એ અસંખ્ય પ્રમાણમાં થયેલા ભૂકંપ, જ્વાળામુખી-પ્રસ્ફુટન અને વર્તમાન ગેડીકરણ તેમજ સ્તરભંગક્રિયાઓનાં પરિણામ છે. ભૂભૌતિક નિરીક્ષણસંશોધનની પદ્ધતિના ઉપયોગથી દ્વીપચાપ અંગેની જાણકારીમાં વધારો થયો છે. તેની મદદથી દ્વીપચાપખંડો-મહાસાગરો વચ્ચેના આંતરસંબંધોનાં અર્થઘટન કરવાનું શક્ય બન્યું છે.
આ પ્રકારના અમુક સમૂહો લગભગ સંપૂર્ણ ગોળાકાર હોય છે, જેમાં એલ્યુશિયન, ક્યુરાઈલ, મરીઆનાઝ, ઇન્ડોનેશિયા, વેસ્ટ ઇન્ડીઝ અને સ્કોશિયા ટાપુઓનો સમાવેશ થાય છે; જ્યારે જાપાન, ફિલિપાઇન્સ, સૉલોમન તથા ન્યૂ હેબ્રાઇડ્સ ટાપુઓમાં ગોળાકાર લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
એલ્યુશિયન, ક્યુરાઈલ, જાપાન, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા દ્વીપચાપ ખંડોની કિનારીઓ નજીક આવેલા છે, પરંતુ વચ્ચે રહેલા છીછરા સમુદ્રને કારણે અલગ પડી ગયેલા છે. દ્વીપચાપનું એક લક્ષણ એ પણ છે કે તેમની મહાસાગર તરફની બાજુઓ બહિર્ગોળ હોય છે અને એવા દરેક દ્વીપચાપની તે બાજુ પર ઊંડી ખાઈ આવેલી હોય છે. આ પ્રકારની ઊંડી ખાઈઓ દ્વીપચાપની રચનાનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. આ ઊંડી ખાઈઓ સમુદ્ર કે મહાસાગરના તળ પર તૈયાર થયેલા લાંબા ચાસ (ચીલા = સળ)=(elongated furrow) છે. મોટાભાગની આવી ખાઈઓનાં તળ લગભગ સપાટ હોય છે. થોડા અપવાદોને બાદ કરતાં આવી ખાઈઓ દ્વીપચાપની બહિર્ગોળ બાજુ પર આવેલી હોય છે, જે પૈકી વધુ ઊંડી ગણાતી ખાઈઓ 9,000 મીટરથી પણ વધુ ઊંડાઈ ધરાવે છે.
પૅસિફિક મહાસાગરની આજુબાજુ આવેલા દ્વીપચાપોનું બંધારણ તેમના થાળાના બંધારણ કરતાં બિલકુલ જુદું પડે છે. બધા જ દ્વીપચાપોમાં આવેલા જ્વાળામુખીમાંથી એન્ડેસાઇટ બંધારણવાળા લાવાની પ્રસ્ફુટનક્રિયા બનેલી હોય છે; જ્યારે પૅસિફિક મહાસાગર થાળામાંના જ્વાળામુખીમાંથી બેસાલ્ટ બંધારણવાળા લાવાનાં પ્રસ્ફુટન થયેલાં છે. આ બંને ખડકપ્રદેશોને જુદા પાડતી સીમારેખા ‘એન્ડેસાઇટ’ કે ‘સિયલ રેખા’ તરીકે ઓળખાય છે.
સૉલોમન અને ન્યૂ હેબ્રાઇડ્સ ટાપુસમૂહો અસ્વાભાવિક લક્ષણોવાળા છે. ત્યાં ચાપ આકારની ગોઠવણી જોવા મળતી નથી. એ જ રીતે પૅસિફિક મહાસાગર થાળાની બાજુ પર સ્પષ્ટ ખાઈ જોવા મળતી નથી. જોકે ઑસ્ટ્રેલિયાની બાજુઓ પર ઊંડી ખાઈઓ જોવા મળે છે ખરી.
એટલાન્ટિક મહાસાગરમાં આવેલા વેસ્ટ ઇન્ડીઝ અને સ્કોશિયા દ્વીપચાપો સરખાં લક્ષણોવાળા છે. તે બંને દ્વીપચાપો એટલાન્ટિક બાજુએ બહિર્ગોળ છે અને ખાઈઓ પણ તે બાજુઓ પર જ છે. વધુમાં બંને દ્વીપચાપો ખંડીય જથ્થાઓની વચ્ચે રહેલી છે.
ભૂકંપીય ર્દષ્ટિએ દ્વીપચાપો પૃથ્વીના પોપડાના ક્રિયાશીલ વિભાગો ગણાય છે. ઓછી ઊંડાઈએથી ઉદભવતા ભૂકંપો ખાઈઓ અને જ્વાળામુખી ટાપુઓની નીચે થતા હોય છે. આ પ્રકારનાં ભૂકંપીય કેન્દ્રો ‘બેનીઓફ વિભાગ’ નક્કી કરવા માટે ઉપયોગી નીવડે છે. આ પૈકીના કેટલાક વિભાગો 30°થી 50°ના ખૂણે નમેલા હોય છે. વધુ ઊંડાઈએથી ઉદભવતા લગભગ બધા જ ભૂકંપો આ વિભાગોમાં થાય છે.
ઊંડી ખાઈ બાજુએથી દ્વીપચાપ કે નજીકની ખંડીય કિનારી નીચે રહેલો નમનવાળો વિભાગ બેનીઓફ વિભાગ તરીકે ઓળખાય છે. આ વિભાગ ભૂકંપકેન્દ્રોની વિપુલતાની વિશિષ્ટતા ધરાવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે