દ્વિવેદી, હજારીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1907, દુબે કા છપરા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 19 મે 1979) : હિંદી સાહિત્યકાર. નિબંધ, નવલકથા, સંશોધન, વિવેચન એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડાણ કરેલું છે. આકર્ષક વ્યક્તિત્વ, ઉદાર ચિત્તવૃત્તિ તથા વ્યાપક ર્દષ્ટિ તેમની લાક્ષણિકતા હતી. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા દ્વિવેદીજીને નાનપણથી સંસ્કૃત અધ્યયનના સંસ્કાર મળ્યા હતા. 1930માં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષાચાર્યની પદવી પ્રાપ્ત કરી અને તે જ વર્ષે શાંતિનિકેતનમાં હિંદીના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં કવિવર રવીન્દ્રનાથના સંપર્કમાં આવવાથી માનવતાવાદમાં તેમની શ્રદ્ધા ર્દઢ થઈ. 1949માં તેમણે ડી. લિટ્.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1950માં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયમાં હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. 1957માં ભારત સરકારે તેમની સાહિત્યક્ષેત્રની સેવા બદલ તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબથી સન્માન્યા હતા. 1960માં પંજાબ યુનિવર્સિટીના કુલપતિના આમંત્રણને માન આપી તેઓ હિંદી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા હતા.
તેઓ રામચંદ્ર શુક્લની પરંપરાના વિવેચક ગણાય છે. સાહિત્યને અવિચ્છિન્ન વિકાસ–પરંપરાના ભાગ રૂપે જોવાની હિમાયત કરીને તે દ્વારા સાહિત્યવિવેચનને તેમણે નવી દિશા આપી. લોકચેતના પ્રત્યે તેઓ સતત જાગ્રત રહ્યા હતા. તેમના લલિત નિબંધોમાં સરસતા, વિદ્વત્તા, ગાંભીર્ય, વિનોદપ્રિયતા, નવીનતા અને પ્રાચીનતાનો સુભગ મેળ જોવા મળે છે. ‘બાણભટ્ટ કી આત્મકથા’, ‘ચારુ ચંદ્રલેખ’, ‘પુનર્નવા’ અને ‘અનામદાસ કા પોથા’ તેમની નવલકથાઓ છે જે કથ્ય અને શૈલીગત પ્રયોગોને કારણે બહુચર્ચિત થઈ છે. તેમની અન્ય સાહિત્યકૃતિઓમાં ‘સૂરસાહિત્ય’ (1936), ‘હિંદી સાહિત્યકી ભૂમિકા’ (1940), ‘પ્રાચીન ભારતકે કલાવિનોદ’ (1940), ‘કબીર’ (1942), ‘અશોકકે ફૂલ’ (1948), ‘નાથસંપ્રદાય’ (1950), ‘કલ્પલતા’ (1951), ‘હિંદી સાહિત્ય : ઉદભવ ઔર વિકાસ’ (1952), ‘નાથ સિદ્ધોંકી બાનિયાં’ (સંપાદિત–1957), ‘વિચાર-પ્રવાહ’ (1959), ‘મેઘદૂત : એક પુરાની કહાની’ (1957), ‘સંદેશરાસમ્’ (સંપાદિત–1960), ‘વિચાર ઔર વિતર્ક’ (1964), ‘કાલિદાસકી લાલિત્ય યોજના’ (1967), ‘મધ્યયુગીન શોધ’ (1970), ‘આલોક પર્વ’ (1971) વગેરે ઉલ્લેખનીય છે.
‘હજારીપ્રસાદ દ્વિવેદી ગ્રંથાવલી’માં તેમની બધી કૃતિઓની વિગતો ઉપલબ્ધ છે. તેમની કેટલીક મહત્વની કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ પણ થયા છે.
ગીતા જૈન
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે