દ્વિગૃહી ધારાસભા : બે ગૃહો ધરાવતી ધારાસભા. જે ધારાસભામાં માત્ર એક જ ગૃહ હોય છે તેને એકગૃહી અને જેને બે ગૃહો હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જે રાજ્યમાં દ્વિગૃહી પદ્ધતિ પ્રવર્તતી હોય છે ત્યાં ધારાસભાના પ્રથમ ગૃહને નીચલું અને બીજાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. ભારત, ઇંગ્લૅન્ડ, અમેરિકા વગેરે વિશ્વના ઘણા દેશોમાં દ્વિગૃહી પદ્ધતિ અમલમાં છે. ઇંગ્લૅન્ડની દ્વિગૃહી પદ્ધતિનું અનુસરણ વિશ્વના ઘણા દેશોએ કરીને પોતપોતાના દેશમાં દ્વિગૃહી પદ્ધતિ અપનાવી છે. જોકે ભૂતકાળમાં ઘણા દેશોમાં ત્રિગૃહી કે ચતુર્ગૃહી ધારાસભા હોવાનાં ઉદાહરણો પણ જોવા મળે છે. 1886 સુધી સ્વીડનની ધારાસભામાં ચાર ગૃહો હતાં. 1963માં યુગોસ્લાવિયામાં નવા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો તેમાં પાંચ ગૃહોવાળી ધારાસભાની રચના કરવામાં આવી હતી. આમ છતાં, આધુનિક સમયમાં વિશ્વમાં મોટેભાગે દ્વિગૃહી ધારાકીય પદ્ધતિનો સ્વીકાર થયેલો છે.
દ્વિગૃહી ધારાસભાના અમુક ફાયદાઓ ગણાવી શકાય. દ્વિગૃહી ધારાસભાના સ્વીકારથી પ્રથમ ગૃહ એટલે કે નીચલા ગૃહની સરમુખત્યારશાહી સામે રક્ષણ ઊભું થાય છે. જૉન સ્ટુઅર્ટ મિલ તથા હેરલ્ડ લૅસ્કી જેવા વિદ્વાનોના મત અનુસાર જો ધારાસભા એકગૃહી હોય તો ત્યાં સત્તાનું કેન્દ્રીકરણ થાય છે; પરંતુ જો ધારાસભા દ્વિગૃહી પ્રકારની હોય તો બંને ગૃહો વચ્ચે સત્તાનું વિભાજન થાય છે અને તેથી પ્રથમ ગૃહ મનસ્વી રીતે વર્તન કરી શકતું નથી. બંને ગૃહોને કારણે પૂરતી વિચારણા વિના બિનજરૂરી ઝડપથી કોઈ કાયદો પસાર થઈ શકતો નથી. કોઈ ખરડાને ઉતાવળથી પસાર કરાવવો મુશ્કેલ બને છે. જ્યારે કોઈ પણ બાબત પર વિવિધ ર્દષ્ટિકોણથી વિચાર કરવાનો હોય ત્યારે એક વ્યક્તિ કરતાં બે વ્યક્તિઓ વધુ સારી રીતે વિચાર કરી શકે છે તેવો અત્યાર સુધીનો અનુભવ છે. દ્વિતીય ગૃહના સ્વીકારથી સમાજનાં વિવિધ હિતો ધરાવતા વર્ગોને પ્રતિનિધિત્વ આપવું સહેલું થઈ પડે છે. સમવાયી તંત્ર પ્રકારની સરકાર જ્યાં હોય ત્યાં ઘટકરાજ્યોની સરકારોના હિતના રક્ષણ માટે પણ દ્વિતીય ગૃહની જરૂર હોય છે. દ્વિતીય ગૃહ, પ્રથમ ગૃહના કામકાજનો ભાર અમુક અંશે હળવો પણ કરે છે.
ફ્રાંસ, અમેરિકા, ઇંગ્લૅન્ડ જેવા દેશોએ શરૂઆતમાં તો એકગૃહી ધારાસભા સ્વીકારેલી હતી પણ સમય જતાં આ તમામ દેશોએ દ્વિગૃહી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. ભારતનાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાનાં ગૃહો પણ દ્વિગૃહી ધારાકીય પદ્ધતિ પર રચાયેલાં છે. બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ વગેરેનો તેમાં સમાવેશ થાય છે. ભારતમાં કેન્દ્રમાં દ્વિગૃહી ધારાકીય પદ્ધતિનો શરૂઆતથી જ સ્વીકાર થયેલો છે. નીચલા ગૃહને લોકસભા તથા ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. રાજ્યમાં ઉપલા ગૃહને વિધાનપરિષદ અને નીચલા ગૃહને વિધાનસભા તરીકે ઓળખવામાં આવે છે.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા