દ્રાવિડ શૈલીનાં મંદિરો : દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ માટે બનાવાતો કુંડ, મંદિરને ફરતી ઊંચી સંરક્ષણાત્મક દીવાલ અને તે દીવાલમાં ચારે દિશામાં ગર્ભગૃહના શિખરથી પણ ઊંચાં બનાવાતાં ગોપુરમ્, વિવિધ ધાર્મિક તેમજ સામાજિક ઉપયોગિતા માટેના બહુસ્તંભીય મંડપો, મંદિરમાં કોતરણી સાથે વિશાળ પ્રમાણમાપને પણ અપાતું મહત્વ તથા મંદિરસંકુલને ગ્રામ તરીકે લેખવાની ભાવના મુખ્ય છે. સમયાંતરે દ્રાવિડ શૈલીનાં મંદિરો દક્ષિણ ભારતમાં સત્તા તથા સંપત્તિનાં કેન્દ્ર તથા પ્રતીક બની રહ્યાં હતાં.
આ શૈલીના વિકાસના પાંચ તબક્કા છે. પ્રથમ તબક્કો પલ્લવ રાજ્યાશ્રયનો ઈ. સ. 600થી 900નો છે. ત્રિચિનાપલ્લી, મહેન્દ્રવાડી, મંગલરાજપુરમ્, ભૈરવકોણમ, મહાબલિપુરમ્ વગેરે સ્થળે પલ્લવ શૈલીનાં મંદિરો આવેલાં છે. રથ અને મંડપ પ્રકારનાં આ મંદિરો છે. દ્રૌપદી, ધર્મરાજ, ભીમ, ગણેશ અને સહદેવ નામના રથ-શૈવમંદિરો છે. આ ગાળામાં મહાબલિપુરમના ખડક–સ્થાપત્યના નમૂનાને આધારે રચનામૂલક મંદિરો બનાવવાની શરૂઆત થઈ. મંદિરો ચોરસ ભૂમિકા પર રમ્ય પિરામિડાકાર શિખરવાળાં બનાવાતાં. આ મંદિરોમાં ગોપુરમ્ કે તેની વિશાળતા દર્શાવતી રચનાઓ કરતાં નાનાં પ્રમાણમાપ ધરાવતી કોતરણી(જેમ કે ઉચ્છૃંખલ સિંહાકૃતિઓ)ને પ્રાધાન્ય અપાતું. તે ઉપરાંત ઉત્તર ભારતનાં ગુપ્તકાળનાં મંદિરોના જેવા મંડપ પણ મુખ્ય ગર્ભગૃહની અક્ષ પર બનાવાતા. આ ગાળાનાં મંદિરોમાં ઉલ્લેખનીય મહાબલિપુરમનું દરિયાકિનારાનું જળશયન મંદિર તથા કાંજીવરમનાં કૈલાસનાથ અને વૈકુંઠ પેરૂમલ મંદિરો મુખ્ય છે. આ મંદિરોમાંનું જલશયન મંદિર સાતમી સદીના ઉત્તરાર્ધમાં અને કૈલાસનાથનું તથા વૈકુંઠ પેરૂમલ મંદિરો આઠમી સદીના પ્રારંભમાં બનાવાયાં હતાં.
ઈ. સ. 900થી 1150માં ચોલ રાજ્યાશ્રયે દક્ષિણ ભારતનાં મંદિરોનો બીજો તબક્કો આવ્યો, જેમાં મંદિરોમાં કંદોરા તથા નરહયાકૃતિનો ઉમેરો થયો. વળી મંદિરના મંડપોની સંખ્યા વધી. તે મંદિરના મુખ્ય અક્ષ પર જ બનાવાતાં. તેના સ્તંભોની રચનામાં પણ વિકાસ થયો. હવે સ્તંભશીર્ષતલ વધુ મોટાં બનાવાયાં, જે સ્તંભની સાથે આકારથી જોડાતાં. મંદિરનું વિશાળ પટાંગણ પણ આ ગાળામાં નિર્ધારિત કરાયું, જેમાં પ્રવેશદ્વાર પર ગોપુરમની રચના કરાઈ. વળી મંદિરની રચનામાં ગ્રૅનાઇટનો ઉપયોગ કરાયો. હવે મંદિરોમાં દીવાલો કોતરણીમય બનાવવાને બદલે પ્રમાણમાં સપાટ રખાઈ, તે છતાં સમગ્ર મંદિરની રચનામાં લય તથા એકાગ્રતા જળવાતાં. ઈ. સ. 985–1018માં તંજાવુરમાં બનાવાયેલ સ્તંભયુક્ત મંડપવાળું ભવ્ય બૃહદીશ્વર મંદિર તથા ઈ. સ. 1018–1033માં બનાવાયેલ ગંગૈ કોંડ ચોલપુરમનું મંદિર આ તબક્કાના ઉલ્લેખનીય નમૂના છે. બૃહદીશ્વરનું મંદિર ચોલ શૈલીનું ઉત્તમ નજરાણું છે, તેની ઊંચાઈ 66 મી. છે. તેનું ભવ્ય શિખર 13 મજલાનું છે.
દ્રાવિડ સ્થાપત્યશૈલીનો ત્રીજો તબક્કો ઈ. સ. 1100થી 1350નો પાંડ્ય રાજ્યકાળનો છે. આ ગાળામાં મંદિર ફરતે સુરક્ષિત દીવાલોની કરાઈ, જેમાં ચારે દિશામાં ગોપુરમ્ બનાવાતાં. આ ગોપુરમ્ ઉપર ચૈત્ય બારી જેવી રચના કરાતી. લંબચોરસ ભૂમિકા પર વિવિધ સ્તરમાં ઈંટ તથા પથ્થરના ચણતરથી રચાયેલ ગોપુરમ્ સુર્દઢતાની સાથે સાથે તેમાંની કોતરણી તથા શિલ્પાકૃતિઓથી – ર્દશ્ય અનુભૂતિથી સમૃદ્ધ બનાવાતાં. આ ગાળામાં બનેલ કેટલાંક ગોપુરમ્ ગર્ભગૃહના શિખરથી પણ ઊંચાં બનાવાયાં છે. પાંડ્ય રાજ્યકાળમાં ગોપુરમની બહારની રેખાકૃતિ સીધી અથવા અંતર્ગોળ દ્વારવાળી બનાવાતી. દક્ષિણ ભારતનાં મંદિરોનાં ગોપુરમ્ આ ગાળામાં પૂર્ણ સ્વરૂપને પામ્યાં. તે ઉપરાંત હવે સ્તંભની રચના વધુ વિસ્તૃત થઈ અને તેનો ઉન્નત ભાગ શ્રેણીબંધ સ્તરવાળો બનાવાયો. ક્રમશ: મંદિરમાં મંડપોની સંખ્યા તેમજ વિસ્તાર પણ વધ્યાં. આ તબક્કામાં બનાવાયેલાં મંદિરોમાં ઈ. સ. 1250માં બનાવાયેલ ચિદમ્બરમનું અને ઈ. સ. 1300 તથા 1350માં બનાવાયેલ અનુક્રમે તિરુવન્નામલાઈ અને કુંભકોણમનાં મંદિરો મુખ્ય છે.
ત્યારબાદ વિજયનગરના સામ્રાજ્યના ઈ. સ. 1340થી 1565ના સમયગાળામાં દ્રાવિડ સ્થાપત્યશૈલી પૂર્ણતાને પામી. આ ગાળામાં બનેલ મંદિરો સાચા અર્થમાં સ્થાપત્યના વિકાસની સીમા સમાં ગણી શકાય. આ શાસન દરમિયાન હિન્દુ સમાજને હસ્તગત બધી જ કળાઓનો યોગ્ય વિકાસ થયો હતો. આ ગાળામાં બનેલ મંદિરોમાં મુખ્ય ગર્ભગૃહ સાથે દેવ-દેવીનાં યુગલ માટેના કલ્યાણમંડપ બનાવાતા અને તેમનાં વિધિસરનાં લગ્ન માટે વેદિકા કે ઉન્નત સ્થાન પણ બનાવાયાં. આ તબક્કામાં બનેલ મંદિરોની અન્ય ખાસિયત એે પણ હતી કે મુખ્ય દેવ-દેવી ઉપરાંત અન્ય દેવ-દેવી માટેનાં દેવતાગાર પણ એક જ મંદિરસંકુલમાં બનાવાયાં. વળી સ્તંભની રચના પણ વિશિષ્ટ બની. હવે સ્તંભના મધ્ય ભાગને એક અંગ તરીકે લેખવાને બદલે નાની નાની સ્તંભિકાના સમૂહ તરીકે લેવાતો. આવી સ્તંભિકાઓ સાથે પથ્થર અફાળવાથી સંગીતના વિવિધ સૂરો નીકળતા. વિજયનગર શાસનકાળમાં મંદિરોની અન્ય વિશેષતાઓમાં ઉન્નત અશ્વો તથા અબાધિત હિપોગ્રાફીની આકૃતિની કંડારણી, છત પરની ચૈત્યાકૃતિ, વિશિષ્ટ કંકણાકૃતિઓ, ખૂબ અલંકૃત સભામંડપો તથા કમળ આકારની ટેકણીઓ મુખ્ય છે. વિજયનગરમાં ઈ. સ. 1513માં બનાવાયેલ વિઠ્ઠલમંદિર તથા રાજવી કુટુંબ માટેના સંપૂર્ણ હિન્દુશાસ્ત્રીય વિધાન પ્રમાણે બનાવાયેલ હજાર રામ-મંદિર ઉપરાંત સોળમી સદીના ઉત્તરાર્ધમાં કાંજીવરમનું એકાગ્રનાથ-મંદિર આ તબક્કાના ઉલ્લેખનીય નમૂના છે.
દ્રાવિડ શૈલીના વિકાસનો અંતિમ તબક્કો નાયક-શૈલીનાં મંદિરોનો ઈ. સ. 1600–1700નો છે, જેમાં રાજ્યાશ્રયે નવાં મંદિરો બનાવવા કરતાં હયાત મંદિરોની સુધારણા પર વધુ ભાર અપાયો હતો. મદુરાના નાયક વંશના રાજાઓએ તેમના સમયમાં એક વિશિષ્ટ મંદિરશૈલી વિકસાવી. મંદિરોએ હવે સમાજમાં અતિ મહત્વનું સ્થાન ધારણ કર્યું હતું અને મંદિરસંકુલ એક ગ્રામ જેવું બની રહ્યું, જેની બહાર સંલગ્ન આવાસો તથા બજાર બનાવાતાં. આ તબક્કામાં મંદિરના દુર્ગ વધુ વિસ્તૃત થયા તેમજ મંદિરમાં સભાગૃહોની સંખ્યા તેમજ વિશાળતા વધ્યાં. કેટલાક મંડપો તો હજાર સ્તંભવાળા બનાવાયા. મંદિરના મુખ્ય ગર્ભગૃહ નજીક એકબીજામાં પરિવેષ્ટિત સપાટ છતવાળા બે ઓરડાઓ ઉમેરાયા. મંદિરના સંકુલમાં સંખ્યાબંધ દેવતાગારો તથા ગૌણ દેરીઓ બનાવાયાં. વળી સંકુલમાં લાંબી પરસાળો તથા કુંડનો ઉમેરો પણ કરાયો. આ સમયગાળામાં ગોપુરમની રચના પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. એક સદીના ગાળામાં મંદિરસંકુલમાં થયેલા આવા સુધારાના ર્દષ્ટાંત રૂપે રામેશ્વરમ્, ચિદમ્બરમ્, તિરુવન્નામલાઈ તથા મદુરાઈનાં મંદિરોનો ઉલ્લેખ થાય છે. તેમાં મદુરાનું મીનાક્ષી-મંદિર સર્વોત્કૃષ્ટ છે. આ મંદિર 264 × 237.5 મીટર વિસ્તાર ધરાવે છે. તેની ચાર દિશામાં કુલ 27 ગોપુરમો છે. મંદિર બે વિભાગમાં વહેંચાયેલું છે : એક ભાગ સુંદરેશ્વર – શિવનો અને બીજો ભાગ મીનાક્ષી દેવી – પાર્વતીનો છે. સમયાંતરે આ મંદિરમાં વિવિધ ભાગો ઉમેરાતા ગયા છે.
હેમંત વાળા