દ્યાવાપૃથિવી : વ્યક્તિગત દેવતાઓ ઉપરાંત, યુગલદેવતાઓ વિશેની, વૈદિક પુરાકથાશાસ્ત્રગત, વિશિષ્ટ પરંપરાના પરિણામસ્વરૂપ ડઝનેક યુગલોમાંનું મુખ્ય દેવતાયુગલ છે. આ દેવતાદ્વન્દ્વ સમાસની વિશેષતા એ છે કે એમાંના બંને શબ્દો દ્વિવચનમાં હોય છે. વળી, ‘દ્યૌ:’ (દ્યુલોક, સ્વર્ગ) અને ‘પૃથિવી’ એ બે દેવતાઓનાં યુગલસ્વરૂપવાળાં છ સૂક્તો ઋગ્વેદમાં મળે છે, જ્યારે એકલી ‘પૃથિવી’નું એક જ સૂક્ત છે અને ‘દ્યૌ:’નું તો એક પણ સૂક્ત નથી. ‘દ્યાવાપૃથિવી’ ઉપરાંત ‘દ્યાવાક્ષમા’, ‘દ્યાવાભૂમી’, ‘રોદસી’ જેવાં એમનાં અન્ય નામોમાં ‘દ્યૌ:’ પુરુષ અને ‘પૃથિવી’ સ્ત્રી છે, જે અનુક્રમે, પૌરુષયુક્ત વૃષભ અને વિભિન્ન રંગોવાળી ધેનુના સ્વરૂપમાં જગતનાં માતાપિતા (‘પિતરા’, ‘માતરા’, ‘જનિત્રી’) તરીકે, પ્રાણીઓની રક્ષા અને સર્વનું કલ્યાણ કરતાં (‘વિશ્વ-શં-ભુવા’) તથા જગતના શાશ્વત નિયમોનાં પ્રવર્તક (‘ઋતાવરી’) બની રહેતાં નિરૂપાયાં છે. અતિવિસ્તૃત આવાસસમાં અને વાર્ધક્યરહિત (‘અજરે’) એવાં દ્યાવાપૃથિવી બુદ્ધિસંપન્ન, પ્રચુર ધનદાતા, દૂધ-ઘૃત-મધુ આપનારાં ઉપરાંત અમૃતનાં ઉત્પાદક પણ છે. તેઓ યજ્ઞોમાં ઉપસ્થિત રહે છે અથવા યજ્ઞોને દેવો સમીપ લઈ જાય છે (‘યજ્ઞં દેવેષુ યચ્છતામ્’).
સમગ્ર ઋગ્વેદમાં આ એક જ એવું દેવતાયુગલ છે, જેમાંનાં બંનેનો મહિમા જરાયે ન્યૂનાધિક નહિ, પરંતુ એકસરખો છે.
જયાનંદ દવે