દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે કોઈ બીકણને વર્ણવવામાં આવે એમાં વીર રસને હાનિ પહોંચતી હોવાથી રસદોષ રહેલો છે. એ જ રીતે, કાવ્યનું શરીર શબ્દ અને અર્થનું બનેલું હોવાથી તેમાં પ્રયોજાયેલ અનુચિત શબ્દ અને અર્થ દ્વારા રસને હાનિ પહોંચાડે તેને અનુક્રમે શબ્દદોષ અને અર્થદોષ કહેવાય. ‘સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી’ – એ કાવ્ય-પંક્તિમાં સહસ્રશત અથવા શલ્યના પર્યાય રૂપે અનુક્રમે લાખો કે કંટકો એવો પ્રયોગ કરતાં શબ્દ અને છંદ બંનેનો દોષ આવે. યુદ્ધમાં મરી ફીટનાર શૂરવીર રાજાને યુદ્ધરૂપી યજ્ઞમાં હોમાતું પશુ કહેવામાં આવે તેમાં અર્થદોષ રહેલો છે. ઉપરાંત, જે દોષ હંમેશાં રહે તે નિત્યદોષ કહેવાય છે અને જે અમુક સંજોગોમાં દોષ ન રહે અને અમુક સંજોગોમાં દોષ જણાતો હોય તેને અનિત્ય દોષ કહે છે. જેમ કે ‘આનું મોં ઘડા જેવું છે’ એમ બોલનાર વિદૂષક હોય તો તે દોષ નથી રહેતો. બીજું કોઈ બોલે તો તે જરૂર કાવ્યદોષ ગણાય.
સર્વપ્રથમ ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં દસ દોષો ગણાવ્યા છે. એ પછી દોષોની સંખ્યા વધીને સિત્તેરથી વધુ થઈ છે. એ દોષોમાં 10 રસદોષો, 23 અર્થદોષો, 16 પદદોષો અને 21 વાક્યદોષોનો સમાવેશ થાય છે. પદદોષોમાંના કેટલાક પદાંશદોષો પણ થઈ શકે છે. સંક્ષેપમાં, ભરતથી મમ્મટ સુધી નવા નવા દોષોની શોધ ચાલતી રહી છે. આચાર્ય મમ્મટે કાવ્યદોષની એવી આદર્શ ચર્ચા કરી છે કે તે પછીના આલંકારિકોએ તેને સહર્ષ સ્વીકારી લીધી છે.
કાવ્યમાંનો રસ નજીવી બાબતથી પણ હાનિ પામે છે તેથી પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અનેક દોષો માન્યા છે. આ દોષો કાવ્યસૌંદર્યને હાનિ પહોંચાડે છે તેથી શબ્દ અને અર્થની બનેલી રચના દોષ વગરની હોવી જોઈએ એવો આગ્રહ પ્રાચીન ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ રાખ્યો છે. સંપૂર્ણ રીતે દોષ વગરની કાવ્યરચના દુર્લભ હોવાથી અલ્પદોષવાળી રચનાને કાવ્ય માનવું પડે. મમ્મટે કરેલો अदोषौ એ શબ્દપ્રયોગ अल्पदोषौ-ના અર્થમાં છે.
પ્ર. ઉ. શાસ્ત્રી