દૈયડ (Magpie Robin) : ગુજરાતનું શ્રેષ્ઠ ગાયક પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Copsychus saularis. તેનો સમાવેશ Passeriformes શ્રેણી અને Corvidae કુળમાં થાય છે. તેનું પેટા-કુળ છે : ગાયક (Turdinae). હિંદીમાં તેને દૈયડ અથવા દૈયા કહે છે.

દૈયડ
નર દૈયડ ઊજળો કાબરો એટલે કાળા અને ધોળા રંગનો હોય છે. તે હંમેશાં તેની પૂંછડી ઊંચી રાખીને ફરે છે. માદામાં કાળો રંગ ભૂરો અને સ્લેટિયો હોય છે. દૈયડનું કદ દેવચકલી કરતાં મોટું હોય છે અને તે દેવચકલીનો મોટો ભાઈ ગણાય છે. તેનું માથું, ગળું; પીઠ, પાંખો અને પૂંછડી કાળાં હોય છે. આ કાળા રંગમાં ચળકતી વાદળી રંગની ઝાંય અને પાંખમાં સફેદ પટ્ટો હોય છે. પૂંછડીનાં વચલાં 2 પીંછાં કાળાં અને બાકીનાં ધોળાં હોય છે, જેનો તે પંખો કરે ત્યારે સરસ લાગે છે. તેને પંખા રૂપે પૂંછડીને વારંવાર ઊંચી કરવાની અને બંધ કરી નીચી કરવાની બહુ ટેવ હોય છે.
દૈયડ મુખ્યત્વે જીવાતભક્ષી છે. જમીન પરની જીવાત ઉપરાંત તે શીમળા અને પાંડેરવાનાં ફૂલોનો રસ પણ મજાથી ચૂસે છે, ફળો પણ ખાય છે. તે મોટેભાગે માનવ-વસ્તીની નજીક રહે છે. પ્રજનનઋતુ ન હોય ત્યારે એટલે કે શિયાળામાં તે ગાતો નથી. પણ ગળામાંથી ધીમા અવાજે ગણગણે છે. કોઈ વખત તે ‘સ્વીઇઇ……… ત’ એવો સિસોટી જેવો ઉદાસ સૂર કાઢે છે તો ક્યારેક ‘ચરર–ચરર’ એવો કર્કશ અવાજ પણ કાઢે છે. ગરમીના દિવસો નજીક આવતાં તેનું ગળું ખૂલતું જાય છે અને આપણાં શ્રેષ્ઠ ગાયક પક્ષીઓમાં તેની ગણના કરવી પડે એવો અવાજ કાઢે છે. ગાતી વેળા તેની પૂંછડી દબાય છે અને થોડી પથરાય છે, વારંવાર આંચકો મારીને તેને ઊંચી કરે છે, જાણે સૂર સાથે તાલ મેળવતો ન હોય ! તે લગભગ આખો દિવસ ગાયાં કરે છે. વિલાયતમાં દૈયડને પાંજરામાં પાળીને લોકો તેને ગાતો સાંભળે છે. વૈશ્વિક સ્તરે ગાનાર પંખીઓમાં નાઇટિંગેલ પ્રથમ, દૈયડ કુળનું શામા પંખી બીજા અને દૈયડ ત્રીજા ક્રમે આવે છે.
સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશોમાં તે શિયાળામાં આવે છે. ઝાડીવાળા ગીર, સોરઠ અને ગોહિલવાડ પંથકમાં તે બારેમાસ જોવા મળે છે.
ઉનાળો તેની માળાની ઋતુ છે. ત્યારે નર-પંખી ઝાડ કે મકાનની ટોચે બેસી સવાર-સાંજ ઊંચે અવાજે ‘તીરતુ, તીરતુ, તીર તીર’ એવી મીઠી સિસોટીઓની ઝડી વરસાવે છે.
પોતાના પ્રદેશની રખેવાળી કરતી વેળા અને પ્રજનનઋતુ દરમિયાન નર ઘણો ઝઘડાખોર બની જાય છે. તે પોતાની માદાને તેમજ ઘૂસવા આવતા હરીફ નરને પ્રભાવિત કરવા પૂંછડી ઊંચી ચડાવી પ્રસારે છે અને છેક પીઠની ઉપર લઈ આવે છે. પોતાની છાતીનાં પીંછાં પહોળાં કરી છાતી ફુલાવીને ચાલે છે. આમ અક્કડ બની, ચાંચ આકાશ તરફ ઊંચી કરીને થનગને છે.
ઘાસ અને ઝીણાં મૂળિયાંની ગાદી જેવો માળો દીવાલ કે ઝાડના થડની બખોલમાં બનાવી આછા આસમાની લીલા રંગની ઝાંય અને રતૂમડી છાંટવાળાં 3થી 5 ઈંડાં મૂકે છે. માદા તેને સેવે છે.
બળદેવભાઈ કનીજિયા