દેસાઈ, લીલા (જ. 1919, નેવાર્ક, ન્યૂજર્સી) : હિંદી ચલચિત્રોના ઉષ:કાળની લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી. જન્મ ન્યૂયૉર્કમાં. શિક્ષણ : સ્નાતક, લખનૌ યુનિવર્સિટીમાંથી. કૉલકાતાના ન્યૂ થિયેટર્સ દ્વારા ચલચિત્રોમાં પ્રવેશ. જે સમયે તવાયફો પણ ચલચિત્રોમાં કામ કરવા તૈયાર ન થતી એ જમાનામાં લીલા દેસાઈ સ્નાતક થયા પછી ચલચિત્રોમાં જોડાયાં હતાં. શિક્ષિત, વિદુષી, નૃત્યમાં પણ પ્રવીણ અને સ્વભાવે શાંત તથા સૌમ્ય લીલા દેસાઈ ગુજરાતી દાક્તર પિતા અને બંગાળી માતાનું સંતાન હતાં. નાનપણમાં તેમણે અમલાદેવી પાસે નૃત્યની તાલીમ લીધી. લખનૌમાં કથક નૃત્યના એક કાર્યક્રમમાં દિગ્દર્શક હેમચન્દ્રે લીલા દેસાઈને જોયાં અને ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. 1937માં ‘વિદ્યાપતિ’ અને ‘પ્રેસિડન્ટ’ (બંગાળીમાં ‘દીદી’) – આ બે ચલચિત્રોથી કારકિર્દીનો પ્રારંભ કરનાર લીલા દેસાઈ થોડા સમયમાં જ ખ્યાતિ પામ્યાં. ‘પ્રેસિડન્ટ’માં તેમણે કમલેશકુમારીની નાની બહેનની ભૂમિકા ભજવી અને ‘વિદ્યાપતિ’માં નર્તકીની ભૂમિકા કરી. એ કાળે અસાધ્ય ગણાતા ક્ષયરોગને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા ચલચિત્ર ‘દુશ્મન’માં તેમજ ‘કપાલકુંડલા’માં ને છેલ્લે ‘નર્તકી’માં તેમણે ભૂમિકા ભજવેલી. દ્વિભાષી ‘નર્તકી’માં અભિનય અને નૃત્યપ્રતિભાનો લીલા દેસાઈએે સિક્કો જમાવ્યો. આ બધી ફિલ્મોની સફળતાને કારણે નર્તકી તરીકે તેઓ એટલાં ખ્યાતનામ થઈ ગયાં કે પોતાની એક નૃત્યમંડળી સ્થાપી અને આખા ભારતનો પ્રવાસ કર્યો.
એ પછી લગભગ 1942ના અરસામાં ચિત્રનિર્માતા ચિમનલાલ ત્રિવેદી તેમને મુંબઈ લઈ આવ્યા અને જયરાજ સાથે તેમને લઈને ‘તમન્ના’નું નિર્માણ ર્ક્યું. તેનું દિગ્દર્શન ફણી મજુમદારે કર્યું. આ

લીલા દેસાઈ
ચિત્રમાં તેમની ભૂમિકા સાવ હળવી હતી. ચિત્ર સફળ થયું એટલે આવી જ ભૂમિકાઓ તેમને મળવા માંડી. વિશ્રામ બેડેકર દિગ્દર્શિત ‘નગદનારાયણ’માં તેઓ બાબુરાવ પેંઢારકર સામે નાયિકા બન્યાં અને હાસ્યભૂમિકા કરી. તેમનાં બીજાં નોંધપાત્ર ચલચિત્રોમાં ‘જીવનમરણ’, ‘અપરાધ’, ‘મગધરાજ’, ‘મહારાની મીનલદેવી’, ‘પરાયા ધન’, ‘શરારત’, ‘કલિયાં’, ‘મિસ દેવી’, ‘કમલા’, ‘મુજરિમ’, અને ‘મેઘદૂત’નો સમાવેશ થાય છે. આ બધાં ચિત્રોમાં તેમણે નીતિન બોઝ, સી. એસ. ત્રિવેદી, કેદાર શર્મા જેવા નામી નિર્દેશકો સાથે કામ કર્યું હતું. આ ચિત્રો પછી એક વાર તેમને નર્તકી તરીકે પેશ કરતાં ચિત્રો ‘દેવકન્યા’, ‘ગીતગોવિંદ’, ‘મેઘદૂત’ અને ‘મગધરાજ’ બન્યાં હતાં. લીલા દેસાઈએ લગભગ એક દાયકાની તેમની કારકિર્દી દરમિયાન બાવીસ જેટલાં ચલચિત્રોમાં કામ કરીને ચલચિત્રજગતની વિદાય લીધી. 1947માં નિર્માણ પામેલું ‘સુરત’ તેમનું આખરી ચિત્ર હતું. એ પછી તેમણે સંપૂર્ણપણે નૃત્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
હરસુખ થાનકી